સમસ્યાઓ અને અનેક પ્રશ્નોથી ઘેરાયેલા આ જૂનાગઢ શહેરમાં વિકાસની વાતો અનેક થાય છે. પરંતુ સાથે લોકોની ફરીયાદો સાંભળવાનો જાણે સમય ન હોય તેમ લાગે છે. હાલ અનેક સમસ્યાથી ઘેરાયેલા જૂનાગઢવાસીઓને સૌથી મુશ્કેલજનક જાે પ્રશ્ન હોય તો શહેરના રાજમાર્ગો, શહેરી-ગલીઓ, મુખ્ય માર્ગો ઉપર ઠેર-ઠેર રખડતા પશુઓના ત્રાસને કારણે આમ જનતા ઘણીવાર અકસ્માતનો ભોગ બને છે. કેટલાય લોકો મોતને ઘાટ ઉતરી ગયા છે. બરોબર રસ્તા વચ્ચે જ અડીંગો જમાવીને બેઠેલા આ પશુઓ લોકોને કયારે ઢીંક મારી દે એ પણ નકકી હોતું નથી. થોડા દિવસો પહેલા લક્ષ્મીનગર વિસ્તારમાં દરરોજ સાંજે બે આખલા કુસ્તી કરતા અને ત્યાંથી પસાર થતા રાહદારીઓને હડફેટે લીધા હતા. અનેક લોકોને મોતને ઘાટ ઉતારી દીધા છે. આવી તો અનેક ફરીયાદો પ્રજામાંથી ઉઠેલી છે પરંતુ તંત્ર આ બાબતે કોઈજાતનું ધ્યાન આપતું નથી તેવી વ્યાપક ચર્ચાઓ પણ થાય છે. જૂનાગઢ શહેરમાં મુખ્ય માર્ગોથી લઈ અને શેરી-ગલીઓમાં, સોસાયટીઓમાં ગમે ત્યાં તમે જાવ તો રખડતા ઢોરની સમસ્યા જાેવા મળશે. પશુઓના માલિકો આવા ઢોરને જયાં-ત્યાં રખડતા મુકી દેતા હોય છે અને આ રખડતા ઢોર જયારે ભરપેટ થઈ જાય ત્યારે પાછા સાંજે પોતાના રહેઠાણે પશુ માલિકો લઈ જતા હોય છે અને કયારેક તો નધણીયાતા ઢોર-પશુઓએ રસ્તાઓને જ પોતાનું કાયમી રહેઠાણ બનાવી લીધું છે. શહેરમાં દરેક રસ્તાઓ ઉપર પાંચ-દશ પશુઓના ટોળામાં આવા મુંગા પશુઓ જાેવા મળે છે. ત્યાંથી પસાર થતી વખતે પગપાળા જતા લોકોને અથવા તો વાહન ચાલકોને હડફેટે લઈ અને તેમને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડે છે. ઘણીવાર પરિસ્થિતી ખુબજ ખરાબ બની જાય છે અને જીવ પણ ગુમાવવો પડેલો છે તેવા કિસ્સા પણ બન્યા છે. જેથી જૂનાગઢ મનપા તંત્ર શહેરના તમામ માર્ગોનો સર્વે કરાવીને આવા મુંગા પશુઓ જયાં-જયાં રખડતા હોય ત્યાંથી પકડીને પાંજરે પુરીને આ સમસ્યામાંથી જૂનાગઢવાસીઓને મુકત કરાવે તેવી માંગણી ઉઠવા પામી છે. ઉપરાંત રખડતા ઢોરની સમસ્યાના ઉકેલ માટે રાજય સરકારે રખડતા ઢોરની સમસ્યાને નાબૂદ કરવા ખાસ કાયદો પણ બનાવેલો
છે.