વરસાદી વાતાવરણ વચ્ચે જૂનાગઢ સહીત સોરઠ પંથકમાં તહેવારોના આગમનને વધાવવા માટે લોકોમાં ઉત્સાહ પ્રાવર્તી રહ્યો છે અને બજારોમાં પણ રોનક જાેવા મળી રહી છે. શ્રાવણ માસ નજીકના દિવસોમાં જ શરૂ થઈ રહેલ છે અને ત્યારબાદ અન્ય તહેવારો પણ આવી રહ્યા છે ત્યારે હાલ જાે કોઈ જૂનાગઢ વાસીઓને સમસ્યા હોય તો પ્રાથમિક સુવિધાના પ્રાણ પ્રશ્નો ઉપરાંત, જૂનાગઢ શહેરના તમામ રસ્તાઓની હાલત હાલ અતિસય બિસ્માર છે. ખાડા, ખબડા અને કાદવ-કિચડ અને ખાબોચીયા ભરેલા રસ્તાઓ ઉપરથી લોકોને પસાર થવું પડે છે પહેલેથી જ આ શહેરના કયારે સારા રસ્તા અત્યાર સુધીમાં મળ્યા નથી. જૂનાગઢમાં રસ્તાના નામે આઝાદી પછી કરોડો રૂપિયા ખર્ચાઈ ચુકયા છે અને જયારે પણ રસ્તા બનાવવામાં આવે છે ત્યારે ખુબજ ટુંકા ગાળામાં આ રસ્તાઓ તુટી જતા હોય છે અથવા બેદરકારી ભર્યા કામને કારણે ટકાઉ રસ્તા થતા નથી. રસ્તા બનાવવા બાહેંધરી પત્રક અથવા કરાર પત્રમાં ચોખ્ખુ લખેલું હોય છે કે, રસ્તા તુટી જાય તો તેને રીપેર કરવાની જવાબદારી જેતે કંપનીઓની રહે છે પરંતુ અત્યાર સુધીમાં મનપાના સત્તાધીશોએ કેટલા કન્ટ્રાકટરો પાસે રસ્તા રીપેર કરાવ્યા તેની કોઈ માહીતી જનતા પાસે નથી. હાલ તો લોકોનું એજ કહેવું છે કે, તહેવારોના દિવસોમાં જૂનાગઢ શહેરના રસ્તાઓને તાત્કાલીક અસરથી રીપેર કરાવી આપવા જાેઈએ અથવા તો નવીનીકરણની માંગણી ઉઠવા પામી છે. દરમ્યાન ચોમાસુ પુરૂ થાય અને ત્યારબાદ દિવાળી ઉપર રસ્તાના કામો શરૂ થશે તેવું મનપાના વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. છેલ્લા એક માસ કરતા પણ વધારે સમય થયા મેઘરાજા પોતનું હેત વરસાવી રહ્યા છે. જૂનાગઢ શહેરના જળાશયોમાં પાણીની વિપુલ પ્રમાણમાં આવક થઈ છે અને ખુશ ખુશાલ જેવું વાતાવરણ પ્રાવર્તી રહ્યું છે. ભારે વરસાદની આગાહી વચ્ચે જૂનાગઢ અને સોરઠ પંથકમાં વરસાદના ઝાપટાનો દોર ચાલુ રહ્યો છે. સારો વરસાદ થાય તે આનંદ દાયક બાબત છે અને આ આનંદના અવસરને લોકો માણી રહ્યા છે પરંતુ સાથે જ જૂનાગઢ શહેરના રસ્તાઓ એક તો પહેલીથી જ ખરાબ હતા અને આ વરસાદી સીઝનમાં તમામ માર્ગો ખાડા નગરમાં પલ્ટાઈ ગયા છે અને રસ્તાના બિસ્મારથી જૂનાગઢ શહેરની જનતા ભારે પીડાઈ રહી છે.
પગપાળા જવું હોય કે વાહન દ્વારા જવું હોય અતી મુશ્કેલી પડી રહી છે. સત્તાધારી તંત્રને કાને જયારે રસ્તાઓ બાબતે જાણ કરવામાં આવે અથવા તો ફરીયાદ કરવામાં આવે તો હાલ ચોમાસાની ઋતુ છે તેમ કહી અને પોતાનો બચાવ કરી શકે છે પરંતુ આ શહેરની કયારે સારા રસ્તાઓની ભેટ મળી જ નથી. રસ્તાઓનું મોટુ દુઃખ રહેલું છે. વિકાસની અનેક વાતો વચ્ચે રસ્તાઓના ખાડા બુરાતા નથી. જનરલ બોર્ડની બેઠક કે, સ્ટેન્ડીંગ કમિટીની બેઠક જયારે જયારે મળે છે ત્યારે મનપા તંત્ર અને સરકાર દ્વારા વિકાસના કામો માટે આટલી મોટી ગ્રાન્ટ ફાળવી છે તેવા અહેવાલો અંગેની પ્રેસનોટો તૈયાર કરવામાં આવતી હોય છે પરંતુ વિકાસની વાતોની સાથે જનતાના પ્રાણ પ્રશ્નોને ઉકેલવામાં પુરતુ ધ્યાન આપવામાં આવતું ન હોવાની વ્યાપક ફરીયાદ સતત જેમને તેમ સર્જાયેલી રહે છે. જૂનાગઢ શહેરના રસ્તાઓની હાલત ખુબજ ખરાબ છે, બીજી તરફ ચોમાસના આ દિવસોમાં ઠેર ઠેર ખાબોચીયા ભરાયેલા છે તેમજ કાદવ કીચડનું સામ્રાજય પણ સતત રહેલું છે. એટલું જ નહીં ગંદકી અને કાદવ કિચડના કારણે ચાંચડ, મચ્છરોનો ઉપદ્રવ પણ એટલો જ રહેલો છે ત્યારે રોગચાળાના ગંભીર ખતરા વચ્ચે જૂનાગઢ શહેર રહેલું છે. જાે કે, હાલ ખાનગી દવાખાના તેમજ સરકારી દવાખાનામાં દર્દીઓની લાંબી કતારો જોવા માળે છે. ઝેરી વાયરસ, શરદી, ઉધરસ, તાવ, ફલુ, મેલેરીયા સહીતના રોગચાળાએ માથુ ઉચકયું
છે. જૂનાગઢ શહેરના લોકો એક તરફ માંદગીનો માર સહન કરી રહ્યા છે તો બીજી તરફ રસ્તાઓની સમસ્યાઓથી ભારે પરેશાન છે. નજીકના દિવસોમાં જ શ્રાવણ માસના તહેવારો શરૂ થઈ રહ્યા છે ત્યારબાદ ગણપતિ ઉત્સવ, નવરાત્રી, દિવાળીના તહેવારોની સાથે સતત તહેવારો આવી રહ્યા છે ત્યારે તહેવારોના આ દિવસોમાં જૂનાગઢ શહેરના લોકો કોરોના બાદ બે વર્ષ પછી તહેવારોની મજા આનંદથી માણી શકે તે માટે ખાસ કરીને જૂનાગઢ શહેરના રસ્તાઓની હાલત સુધારવા અને ગંદકી નાબુદ કરવા આમ જનતાની લાગણી અને માંગણી છે.