ભાણવડના ચકચારી લૂંટ પ્રકરણમાં આરોપી ભાણેજ સહિતની ત્રિપુટી ઝડપાઈ : રૂા. ૨.૪૫ લાખનો મુદ્દામાલ કબજે

0

ભાણવડ પંથકમાં ચાંદવડ ગામે રહેતા એક વયોવૃદ્ધ આસામીને દેવાની થતી રકમ ન આપવાની દાનત ધરાવતા તેમના ભાણેજ દ્વારા લૂંટનું તરકટ રચી, સોમવારે રાત્રે મુખ્ય આરોપી દ્વારા બે શખ્સોને સાથે રાખી, લૂંટનો કારસો રચી અને આ ઘટનાને અંજામ આપ્યાની બાબત ઉપર એલસીબી પોલીસે પડદો ઉંચકાવી લીધો હતો. જે પ્રકરણમાં ટૂંકા સમયગાળા દરમ્યાન બે લૂંટારૂઓ સહિતની ત્રિપુટીને દબોચી લેવામાં આવ્યા હતા. આ ઘટનાની સિલસિલાબંધ વિગત મુજબ ભાણવડ તાલુકાના ચાંદવડ ગામે રહેતા લખમણભાઈ ભીખાભાઈ ચુડાસમા નામના ૬૫ વર્ષના આહિર વૃદ્ધને તેમના સાઢુભાઈ એવા ખંભાળિયા તાલુકાના ભંડારિયા ગામે રહેતા દેવશીભાઈ નંદાણીયા સાથે આજથી આશરે પાંચેક વર્ષ પૂર્વે જમીનના કરવામાં આવેલા સોદાને રદ કરાતા લેવાની થતી રૂપિયા સાત લાખની રકમ પૈકી રૂપિયા બે લાખની રોકડ રકમ સોમવારે રાત્રે આપવામાં આવતા તેઓ રૂપિયા બે લાખ ભરેલી થેલી લઈ અને મોટરસાયકલ મારફતે પોતાના ઘરે જઈ રહ્યા હતા. માર્ગમાં બે અજાણ્યા શખ્સો દ્વારા તેમને આંતરીને માર મારી, ઉપરોક્ત રકમ લૂંટી લેવા સબબ સોમવારે રાત્રે ભાણવડ પોલીસ મથકમાં ધોરણસર ગુનો નોંધવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં સ્થાનિક પોલીસ તથા એલસીબી પોલીસે સક્રિય બની, આ લૂંટના બનાવમાં જાણભેદુઓ હોવાની દિશામાં ઊંડાણપૂર્વકની તપાસ કરતા આ બનાવમાં ફરિયાદી લખમણભાઈ ચુડાસમાના સાઢુભાઈ દેવશીભાઈ નંદાણીયાના પુત્ર ભાવેશ ઉર્ફે ભીમો દેવસીભાઈ નંદાણીયાએ પોતાના સગા માસાને લૂંટી લેવાનો કારસો રચ્યો હતો. તે અંતર્ગત લખમણભાઈ સોમવારે રાત્રે તેમના ઘરેથી રૂપિયા બે લાખની રોકડ રકમ લઈને નીકળતા આ અંગે ભાવેશે ખંભાળિયા તાલુકાના કોટડીયા ગામની વિસ્તારમાં રહેતા તે ભાવેશના બનેવી એવા હમીર મેરામણ ગાગીયાને ફોનથી જાણ કરી દીધી હતી. જેના અનુસંધાને આયોજન મુજબ હમીરે તેના માસીના દીકરા ભાઈ એવા પિન્ટુ રણમલ ચુડાસમા(રહે. સુતારીયા)ને સાથે રહી લઈ, મોટરસાયકલ ઉપર હેલ્મેટ ધારણ કરી, રેઇનકોટ તથા લૂંગી પહેરી અને પહેરવેશ બદલ્યા બાદ આ લૂંટ ચલાવી હતી. બાદમાં હમીરના ભાણવારી ગામની સીમમાં આવેલા મકાનમાં તેઓ પહોંચી ગયા હતા. જ્યાં હમીર તથા પિન્ટુએ રાતવાસો કર્યા બાદ માસાને લૂંટવાનું આયોજન કરનારા મુખ્ય આરોપી હમીરના સાળા એવા ભાવેશ ઉર્ફે ભીમો દેવસી નંદાણીયા સવારના સમયે આવી પહોંચતા આ સમગ્ર ઘટનાનો તાગ મેળવીને એલસીબીના એ.એસ.આઈ. કેશુરભાઈ ભાટિયા, હેડ કોન્સ્ટેબલ મશરીભાઈ ભરવાડીયા તથા જીતુભાઈ હુણની બાતમીના આધારે ઉપરોક્ત ત્રણેય આરોપીઓને આ સ્થળેથી દબોચી લેવામાં આવ્યા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી લૂંટના રૂપિયા બે લાખ રોકડા તથા રૂપિયા ૩૦,૦૦૦ની કિંમતનું જીજે-૩૭-એચ-૦૭૬૬ નંબરનું હીરો હોન્ડા મોટરસાયકલ, રૂા.૧૫,૦૦૦ની કિંમતના ત્રણ નંગ મોબાઈલ ફોન તેમજ લૂંટ માટે સહારા તરીકે લેવામાં આવેલા હેલ્મેટ અને રેઈનકોટ સહિત કુલ રૂપિયા ૨,૪૫,૧૦૦નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. આ પ્રકરણમાં આગળની કાર્યવાહી ભાણવડના પી.એસ.આઈ. આર.એ. નોયડાને સોંપવામાં આવી છે. લૂંટના પડકારરૂપ આ બનાવમાં ટૂંકા સમયગાળામાં આરોપીઓને ઝડપી લેવા અંગેની કાર્યવાહી જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય તથા ડીવાય.એસ.પી. હિરેન્દ્ર ચૌધરીના વડપણ હેઠળ એલ.સી.બી.ના ઈન્ચાર્જ પી.આઈ. પી.સી. સીંગરખીયાની સૂચના મુજબ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, એસ.વી. ગળચર, એ.એસ.આઈ. અજીતભાઈ બારોટ, ભરતભાઈ ચાવડા, વિપુલભાઈ ડાંગર, દેવશીભાઈ ગોજીયા, કેસુરભાઈ ભાટીયા, સજુભા જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.

error: Content is protected !!