દ્વારકા ખાતે દ્વારકાધીશ માજી સૈનિક મંડળ દ્વારા ભારત માતાના વીર સપૂતોના શૌર્યને નમન કરી અને કારગિલ યુદ્ધના અમર શહીદોને યાદ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. દ્વારકાના રબારી ગેટથી ગોમતી સુધીની વિશાળ રેલીનું આયોજન કરેલ હતું. ભાજપ અગ્રણી સહદેવસિંહ પબુભા માણેક દ્વારા દિપ પ્રાગટય થયેલ હતું. સૈનિક મંડળનાં પ્રમુખ પત્રામલભા માણેક, પદુભા જાડેજા વગેરે આગેવાનો ઉપરાંત વિદ્યાર્થીઓ, માજી સૈનિકો, ગ્રામજનો અને આગેવાનો બહોળી સંખ્યામાં આ આયોજનમાં ભાગ લીધો હતો. ભારત માતાકી જયના નારા સાથે વાતાવરણ દેશભકિતથી ગુંજી ઉઠયું હતું.
ઓખા નગરપાલિકા પ્રા. વી શાળામાં કારગિલ વિજય દિવસની ઉજવણી
વર્ષ ૧૯૯૯માં ભારત અને પાકિસ્તાનના સૈન્ય વચ્ચે કારગિલ યુદ્ધ થયું હતું. જે ૬૦ દિવસ સુધી ચાલ્યું હતું અને તા.૨૬ જુલાઈના દિવસે તેનો અંત આવ્યો હતો. આ યુદ્ધમાં ભારતનો વિજય થયો હતો. આ યુદ્ધમાં શહીદ થયેલા ભારતીય સૈનિકોના સન્માનના હેતુથી કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવે છે. શાળાના શિક્ષિકા પૂજા દવે અને જશુ ચાનપાએ આ દિવસની માહિતી આપતો વિડીયો સ્માર્ટ ક્લાસમાં વિદ્યાર્થીઓને બતાવ્યો હતો અને પૂજા દવેએ વિશેષ સમજૂતી આપી હતી. જે વિદ્યાર્થીઓને ખુબ રોચક લાગી હતી.