વર્તમાન માનવ સમાજમાં દિવ્ય જીવનની પરિકલ્પના સાથે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના પ્રણેતા જગદગુરૂ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીની ૧૮મી પેઢીના વંશજ પૂ.પા.ગો. વ્રજરાજકુમારજી દ્વારા સ્થાપિત વીવાયઓ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન સંસ્થા વૈશ્વિક સ્તરે કાર્ય કરી રહ્યું છે. ફર્રૂંના આધુનિક અને મજબુત નેટવર્કથી વર્તમાન માનવ સમાજમાં સમભાવ અને સર્જનાત્મક જાગૃતિનો ઉદય થાય એ માટે દેશો-વિદેશમાં ધર્મ પરિભાષાની નૂતન પુષ્ટિ વિચારધારા સાથે ક્રાંતિકારી વૈચારિક અભિયાન ચલાવી રહ્યા છે. વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના ભારતમાં ૫૦થી વધુ કેન્દ્રો છે અને વિદેશના વિવિધ દેશોમાં ૩૫થી વધુ કેન્દ્રો કાર્યરત છે. સનાતન ધર્મ આધારિત ૬ થી ૧૬ વર્ષના ઉગતી પેઢીના બાળકોને શૈક્ષણિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિષયોનું પાયાનું જ્ઞાન આપ્યાના વર્ગો ચાલે છે. યુવા પેઢીને સકારાત્મકતા તથા આનંદથી ભરપુર જીવન શૈલી તરફ પ્રેરીત કરવાના અવનવા પ્રકલ્પો કાર્યરત છે. વૈષ્ણવ એટલે કૃષ્ણ અને કૃષ્ણ એટલે વૈષ્ણવ… તો વૈષ્ણવજનોના પ્રિય અને પૂજનીય શ્રીકૃષ્ણના વિવિધ સ્વરૂપો છે અને ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ સૌરાષ્ટ્રના મધ્ય ભાગે રાજકોટ જિલ્લાના ગોંડલ પાસેના ચોરડી ગામે વિશાળ ક્ષેત્રફળવાળી જગ્યામાં વીવાયઓ દ્વારા શ્રી કૃષ્ણ સંસ્કાર વર્લ્ડ આકાર લઇ રહ્યું છે. સૌરાષ્ટ્રની પાવન ભૂમિ ઉપર આ ઐતિહાસિક અને દિવ્ય સંસ્કારધામ પૂ. વ્રજરાજ બાવાશ્રીની દિવ્ય પરિકલ્પનાઓનો અવિનાશી તેજ પૂંજ બની રહેશે. આ અમુલ્યધામ પુષ્ટિમાર્ગના ૫૦૦ વર્ષના ઇતિહાસમાં સર્વ પ્રથમવાર સૌરાષ્ટ્રના આંગણે નિર્માણાધિન છે. માનવીય દિવ્ય ઉર્જાને જાગૃત કરનાર આ સંકુલ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયનું સૌથી મોટું અને ભવ્ય હશે. જેમાં ગુરૂકુળ, શાળા-કોલેજ, વિશાળ અતિથિ ભવન, ૮૪ બેઠકની, વૈષ્ણવો માટે સાધના આશ્રમ, બાળકો માટે રમત-ગમત પ્રાંગણ વગેરેનું નિર્માણ થશે. આ પ્રોજેકટ ૩ ફેઝમાં સાકાર થશે, (૧) પ્રથમ ૫૫ વીધામાં સાકાર થશે ઉપરોકત દર્શાવેલ પ્રકલ્પો, (૨) બીજા ફેઝમાં રાજકોટ ખાતે ભારતનું સર્વપ્રથમ મોરપીછ ટેમ્પલ નિર્મિત કરવામાં આવશે, (૩) ત્રીજા ફેઝમાં વ્રજભૂમિ વૃંદાવનમાં શ્રીકૃષ્ણ પ્રભુના દિવ્ય ચરિત્રને વર્ણવતા બાળકો તેમજ યુવાનો અર્થે વિરાટ રાઈઝ પ્રોજેકટ સાકાર કરવામાં આવશે. વિવિધ સંકુલોના ખાતમુહુર્ત અને પ્રરાહ અભિયાન અંતર્ગત પૂ. વ્રજરાજકુમારજીએ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અન્ય મોટા શહેરમાં મિટિંગોનો દોર શરૂ કર્યો છે. જે અંતર્ગત તેઓ કેશોદમાં આવતીકાલ શનિવારે પધારી રહ્યાં છે. તેઓની મધુર વાણી સાથે દિવ્ય વચનામૃતનું આયોજન આંબાવાડીમાં આવેલા પ્રેમજી જેરાજ કડવા પટેલ સમાજમાં શનીવારે સાંજના ૮ઃ૩૦ વાગે રાખેલ છે. પુષ્ટિમાર્ગના ૫૦૦ વર્ષના ઈતિહાસમાં સર્વ પ્રથમવાર ‘શ્રી કૃષ્ણ સંસ્કાર વર્લ્ડ’ એક ઐતિહાસિક સંકુલ ગોંડલ તાલુકાના ચોરડી મુકામે સાકાર કરવા સંદર્ભે પૂ. વ્રજરાજકુમારજી માર્ગદર્શન કરશે. આ દિવ્ય સંકુલ સાકાર કરવાના અનન્ય કાર્યક્રમનો લાભ પ્રાપ્ત કરવા માટે આયોજકોએ અપીલ કરી છે. વીવાયઓ કેશોદ આ કાર્યક્રમની વ્યવસ્થા માટે સમગ્ર કમિટીના સભ્યો સાથે જહેમત ઉઠાવી રહ્યા છે. તેમજ બ્રહ્મસંબંધ દીક્ષા લેવા અને ઠાકોરજી પુષ્ટ કરવા માટે ૩૧ તારીખે રવિવારે સવારે ૧૦ વાગે અવસર પ્રાપ્ત થશે, જે માટે સુરેશભાઈ ફળદુ મો.૯૪૨૮૦૮૮૭૭૫નો સંપર્ક કરવો.