હાલમાં શંકર ભગવાનની ભકિત કરવા માટેનો સર્વોત્તમ એવા પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગયેલ હોય, દ્વારકા શહેરમાં વિવિધ શિવાલયોમાં વહેલી સવારથી જ ભાવિકોની ભીડ જાેવા મળી રહી છે. શહેરનાં ભડકેશ્વર મહાદેવ, સિધ્ધેશ્વર મહાદેવ, ઋણમુકતેશ્વર મહાદેવ, ધીંગેશ્વર મહાદેવ, જગતમંદિરમાં બીરાજતા કુશેશ્વર મહાદેવ, ટોકરા સ્વામિ મહાદેવ સહિત અલગ-અલગ શિવાલયોમાં વહેલી સવારથી ભાવિકો દ્વારા ભોળીયા નાથને રિઝવવા માટે જલાભિષેક દુગ્ધાભિષેક, શિવને પ્રિય એવા બિલ્વપત્ર સહિતની સામગ્રીઓ સાથે ભાવિકોનો મોટો સમુદાય શિવપૂજામાં મગ્ન થયેલ જાેવા મળેલ. પુરાણોમાં પણ શિવભકિત માટે શ્રાવણ માસનું વિશેષ મહત્વ હોય તેમજ શ્રાવણ માસમાં બીજા પણ વિશેષ તહેવારો આવતા હોય, ભગવાનની ભકિત કરવા માટે શ્રાવણ માસ ઉત્તમ ગણાય છે. દ્વારકા શહેરમાં પણ શિવભકતો દ્વારા સમગ્ર શ્રાવણ માસ દરમ્યાન શિવમંદિરોમાં વિશેષ શ્રૃંગાર મનોરથ તથા ઉત્સવોનાં આયોજન કરવામાં આવેલ છે. શ્રાવણ માસ શરૂ થતા જ દ્વારકાવાસીઓ શિવમય બની ગયા છે અને શિવ આરાધનામાં લાગી ગયા છે.