શ્રાવણ માસનો ભકિતભાવ પૂર્વક પ્રારંભ : શિવાલયોમાં હર હર મહાદેવ હરનો ગુંજી ઉઠયો નાદ

0

ભગવાન શિવજીની ભકિતમાં લીન થવા માટેનો અવસર આજે આવી ચુકયો છે અને શ્રાવણ માસનો ભકિતભાવ પૂર્વક પ્રારંભ થયો છે ત્યારે શિવાલયોમાં હર હર મહાદેવનાં નાદ ગુંજી ઉઠયા છે. આજે જૂનાગઢ શહેરમાં આવેલા વિવિધ શિવાલયોમાં સવારથી જ પૂજન સહિતનાં કાર્યક્રમો યોજાયા હતા જેમાં ભાવિકોએ મોટી સંખ્યામાં દર્શનનો લાભ લીધો હતો. દેવોના દેવ મહાદેવના પવિત્ર શ્રાવણ માસનો આજ તા. ૨૯ જૂલાઇ( શ્રાવણ સુદ એકમ)થી પ્રારંભ થયો છે. શિવભક્તો શિવજીની ભક્તિમાં લીન થઇ જશે. સમગ્ર જૂનાગઢના શિવાલયોમાં એક મહિના સુધી હર હર મહાદેવ હર નો નાદ ગુંજી ઉઠશે. ખાસ કરીને શહેરના તમામ શિવાલયોને રોશનીથી શણગારવામાં આવ્યા છે. આજે વહેલી સવારથી જ ભાવિકો શિવજીના પૂજન, અર્ચન, દર્શન કરવા માટે પહોંચી ગયા હતા. મોડી રાત સુધી શિવમંદિરોમાં શિવભક્તોની ચહલ પહલ જાેવા મળશે. ભવનાથ સ્થિત ભવનાથ મહાદેવ, શહેરના ભૂતનાથ મહાદેવ, ઝાંઝરડા રોડ સ્થિત સિદ્ધાનાથ મહાદેવ, બિલનાથ મહાદેવ, ટીંબાવાડી- દિપાંજલી સ્થિત ઓમકારેશ્વર મહાદેવ, મંગલધામ ૩ સ્થિત મંગલેશ્વર મહાદેવ, સ્વામિનારાયણ સુવર્ણ શિખર મુખ્ય મંદિર સ્થિત સિદ્ધેશ્વર મહાદેવ, જવાહર રોડ સ્થિત ભીડભંજન મહાદેવ, ગિરનાર જંગલમાં આવેલ જટાશંકર મહાદેવ, ભવનાથ સ્થિત વસ્ત્રાપથેશ્વર મહાદેવ સહિતના અનેક શિવ મંદિરોમાં શિવજીની પૂજા તેમજ દૂધ, દહીં, ઘી, મધ, શેરડીનો રસ, તલ તેમજ અન્ય સુગંધિત દ્રવ્યોથી અભિષેક અને મંદિરોમાં મહાઆરતી, દરરોજ ભવ્યાતિભવ્ય શણગાર- દર્શન અને શ્રાવણના દરેક સોમવારે દિપમાળા, અને ધાર્મિક કાર્યક્રમો પણ કરવામાં આવશે અને જેને લઈને ભાવિકોમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહયો છે. પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન ભવનાથ સ્થિત ભવનાથ મહાદેવ મંદિરે શિવજીની ચારે પ્રહરની પૂજા થશે. સવારથી લઇને સાંજ સુધી અભિષેક તેમજ શણગાર કરાશે. શ્રાવણના દરેક સોમવારે મહાઆરતી કરાશે તેમ ભવનાથ મંદિરના મહંત હરિગિરીજી મહારાજે જણાવ્યું છે. દરમ્યાન શ્રાવણ માસની શુક્રવારથી શરૂઆત થઇ રહી છે ત્યારે સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન શિવજીના મંદિરે મહાઆરતી કરશે. આ અંગે સમસ્ત બ્રહ્મ યુવા ટ્રસ્ટ(સંગઠન)ના સંસ્થાપક જયદેવભાઇ જાેષીએ જણાવ્યું હતું કે, પ્રથમ સોમવાર ૧ ઓગસ્ટના બિલનાથ મહાદેવ મંદિર ખાતે સાંજના ૬ઃ૩૦ વાગ્યે મહાઆરતી કરવામાં આવશે જેમાં જૂનાગઢમાં રહેતા તમામ ભૂદેવો સહપરિવાર ભાગ લેશે. મહા આરતી બાદ ફરાળ-પ્રસાદનું પણ આયોજન કરાયું છે.

error: Content is protected !!