પવિત્ર શ્રાવણ માસનાં પ્રથમ દિવસે વેરાવળ તાલુકાનાં શાંતિપરા ગામનાં પાટીયા પાસે આવેલ જય દ્વારકાધિશ ગૌ હોસ્પીટલનાં સ્વયંસેવકોએ સોમનાથ મંદિરની આસપાસ ફરતી નિરાધાર, અબોલ ગાયોને લમ્પી વાયરસ સામે રક્ષણ આપતી વેકસીનેશન કર્યુ હતું. તેઓ ખાસ વાહનમાં પોતાનાં ટ્રસ્ટ દ્વારા અંગત રીતે આવી વેકસીન ખરીદી નિરાધાર ગાયો તેમજ અબોલ પશુઓને સ્થળ ઉપર ફરી વેકસીન લગાડી રહયા છે. સંસ્થાનાં સેવાભાવી રામભાઈ કહે છે કે અત્યાર સુધીમાં ૮૦૦૦ ગાયોને વેકસીન આપી છે. જેમાં પ૦ થી ૬૦ સ્વયંસેવકોએ સેવા આપી હતી. આ રસી તદન વિનામુલ્યે પશુઓને આપવામાં આવે છે. આ ઉપરાંત સોમનાથ દાદાને આંગણે ઈએમડી શીતલ બારડ તથા પાયલોટ સંદીપ કાછેલા એમ્બ્યુલન્સની સેવા આપી રહયા છે. જીલ્લાનાં પશુઓ માટે ૬૦,૦૦૦ વેકસીન ડોઝની ખર્ચની જવાબદારી સોમનાથ ટ્રસ્ટે સ્વીકારી જે કારણે વહીવટ તંત્રે જીલ્લામાં વેકસીન કામગીરી શરૂ કરી છે.