ભારતીય એરફોર્સ ૬૦ વર્ષથી જેનો ઉપયોગ કરે છે તે મિગ-૨૧ વિમાનો હવે એટલા જાેખમી બની ગયા છે કે એરફોર્સ હવે આ વિમાનોને પાંચ વર્ષ પણ ઉડાવી શકે તેમ નથી. ગઈકાલે રાજસ્થાનમાં મિગ-૨૧ ટાઈપ- ૬૯ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું જેમાં બે યુવાન પાઈલટના મોત થયા હતા. વિંગ કમાન્ડર એમ. રાણા અને ફ્લાઈટ લેફ્ટનન્ટ અદ્વિતિય બાલ જેવા હોનહાર પાઈલટ ગુમાવ્યા પછી એરફોર્સની આંખ ઉઘડી છે અને ૩૦ સપ્ટેમ્બર સુધીમાં મિગ બિસન વિમાનની વધુ એક સ્ક્વોડ્રનને રિટાયર કરી દેવાનો ર્નિણય લીધો છે. આ ઉપરાંત ૨૦૨૫ સુધીમાં બાકીના મિગ વિમાનોને પણ સેવાનિવૃત્ત કરી દેવામાં આવશે. ભારતીય એરફોર્સ (આઈએએફ) હવે સ્વદેશી બનાવટના એલએસી તેજસ વિમાનોનું ઉત્પાદન વધારવા ઉપર ધ્યાન આપશે અને સોવિયેત યુગના વિમાનોને માનભરી વિદાય આપવામાં આવશે. મિગ વિમાનોના એક્સિડન્ટ એટલા બધા વધી ગયા છે કે તેના ઉપર દેશની સુરક્ષાનો ભાર મુકી શકાય તેમ નથી. ઇન્ડિયન એરફોર્સના અધિકારીએ જણાવ્યું કે, શ્રીનગર એરબેઝ ખાતે આવેલી ૫૧ સ્ક્વોડ્રનને ૩૦ સપ્ટેમ્બરે રિટાયર કરી દેવામાં આવશે. ત્યાર પછી મિગ વિમાનોની માત્ર ત્રણ સ્ક્વોડ્રન સર્વિસમાં રહેશે અને તેને પણ ૨૦૨૫ સુધીમાં દૂર કરવામાં આવશે. દર વર્ષે એક-એક સ્ક્વોડ્રનને સેવામાંથી હટાવવામાં આવશે. ઈન્ડિયન એરફોર્સ(આઈએએફ) માટે મિગ-૨૧ વિમાનોએ વર્ષોથી કરોડરજ્જુનું કામ કર્યું છે. ૨૭ ફેબ્રુઆરી, ૨૦૧૯ના રોજ પાકિસ્તાનના હવાઈ હુમલાને નિષ્ફળ બનાવવામાં ૫૧ સ્ક્વોડ્રનની મુખ્ય ભૂમિકા રહી હતી. જાેકે, આ વિમાનોનો સેફ્ટી રેકોર્ડ બહુ ખરાબ છે અને એરફોર્સ તેની જગ્યાએ રશિયન બનાવટના સુખોઈ-૩૦ વિમાનો તથા સ્વદેશી બનાવટના લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ(એલસીએ)ને ગોઠવી રહી છે. છેલ્લા ૨૦ મહિનામાં છ મિગ-૨૧ વિમાનો તૂટી પડ્યા છે જેમાં પાંચ પાઈલટના મોત નિપજ્યા છે. મિગ વિમાનોને ઘણા વર્ષો અગાઉ જ નિવૃત્ત કરી દેવાના હતા, પરંતુ એલસીએ એરક્રાફ્ટ તૈયાર કરવામાં એટલો બધો વિલંબ થયો કે એરફોર્સે મિગ વિમાનોને સર્વિસમાં રાખવા પડ્યા છે. અધિકારીઓએ કહ્યું કે, મિગ વિમાનો જૂના હોવા છતાં દરેક ફ્લાઈટ અગાઉ આ વિમાની સંપૂર્ણ ચકાસણી કરવામાં આવે છે અને વિમાન ટેક ઓફ કરે તે પહેલાં સુરક્ષાના બધા નિયમોનું પાલન કરવામાં આવે છે. ભારતે તાજેતરમાં ફ્રાન્સ પાસેથી રફાલ વિમાનો પણ ખરીદ્યા છે, પરંતુ મિગ વિમાનોની સંખ્યા બહુ મોટી છે અને તેટલા પ્રમાણમાં રફાલની ડિલિવરી હજુ મળી નથી. કિંમતની રીતે જાેવામાં આવે તો પણ મિગની જગ્યાએ સ્વદેશી બનાવટના એલસીએ વિમાનો ગોઠવવા વધુ ઉપયોગી જણાય છે.