શિવની ભક્તિના પવિત્ર એવા શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. ત્યારે પ્રથમ જ્યોર્તિલીંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં મંદિરના દ્વાર ખુલ્યા ત્યારથી ધીમીધારે ભાવિકોનો પ્રવાહ ઉમટી રહયો હતો. મંદિર ખાતે સઘન સુરક્ષા વ્યવસ્થા તૈનાત કરાઈ હતી. તો શ્રાવણ માસને લઈ મંદિરમાં ભાવિકોને પ્રવેશ માટે કરાયેલ નવી વ્યવસ્થા સફળ બની હોય તેમ સરળતાથી દર્શન કરી રહ્યા હતા. ગઈકાલે શ્રાવણ માસના પ્રથમ દિવસે સોમનાથ મંદિરના દ્વાર સવારે ૫ઃ૩૦ વાગ્યે ખુલ્યા બાદ ૬ઃ૧૫ વાગ્યે પ્રાતઃમહાપુજન અને ૭ વાગ્યે પ્રાતઃ આરતી થઈ હતી. તે સમયે મહાદેવને પીતાંબર અને ફૂલોનો અલૌકિક શણગાર કરવામાં આવ્યો હતો. બાદ ૭ઃ૪૫ વાગ્યે સવાલક્ષ બિલ્વાર્ચન, ૯ વાગ્યે યાત્રીકોએ નોંધાવેલ રૂદ્ર અને મૃત્યુંજય પાઠનો પ્રારંભ થયો હતો. શ્રાવણ માસની મહાદેવને પ્રથમ ધ્વજારોહણ પૂજા મંદિર ટ્રસ્ટના સેક્રેટરી યોગેન્દ્રભાઈ દેસાઇના હસ્તે થઈ હતી. જેમાં ટ્રસ્ટના જીએમ વિજયસિંહ ચાવડા, એકઝી. અધિકારી દિલિપભાઇ ચાવડા, મંદિર ડીવાયએસપી એમ.એમ.પરમાર સાથે રહ્યા હતા. બાદ તમામ અધિકારીઓએ પરીસરમાં ટ્રસ્ટ અને પોલીસ દ્વારા કાર્યરત કરાયેલા બંને સહાયતા કેન્દ્રોની મુલાકાત લીધેલ અને સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યુ હતું. ગઈકાલે શ્રાવણ માસના પ્રથમ દિવસે સાંય આરતી સમયે મહાદેવને રંગબેરંગી ૫૧ કિલ્લો પુષ્પોનો અલૌકીક શણગાર કરવામાં આવેલ હતો. જેના દર્શન કરી શિવભક્તો ભાવવિભોર બની ગયા હતા. શ્રાવણ માસને લઈ ભાવિકોને મંદિર પ્રવેશ માટે ઝોગઝેક પ્રકારની ૬ લાઈનો મારફત પુરૂષો-સ્ત્રીઓને અલગ અલગ કરાયેલ વ્યવસ્થા જાેવા મળી હતી. જે લાઈનો મારફત પ્રવેશ કરી ભાવિકો સરળતાથી મહાદેવના દર્શન કર્યાનો અનુભવ કરી રહ્યા હતા. ગઈકાલે શ્રાવણ માસના પ્રથમ દિવસે વહેલી સવારથી જ ધીમીધારે ભાવિકોનો પ્રવાહ મંદિર ખાતે ઉમટી રહેલ જાેવા મળતો હતો. તેમના હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના મંત્રોચ્ચાર નાદથી મંદિર પરીસરનું વાતાવરણ શિવમય બની ગયુ હતુ. મંદિર પરિસર બહાર કુટીર ઉભી કરી બેઠક વ્યવસ્થા કરવામાં આવેલ જેનો લાભ લઇ ભાવિકો શિવના જાપ કરી આરાધના કરી રહ્યા હતા. આમ હર હર મહાદેવના નાદ સાથે સોમનાથ સાંનિધ્યે શરૂ થયેલ શિવોત્સવ આગામી ૩૦ દિવસ સુધી અવિરત ચાલશે.