માત્ર એક લોટી જળથી પ્રસન્ન થતા ભોળાનાથના પવિત્ર પર્વ શ્રાવણ માસના આજરોજ પ્રથમ સોમવારે ખંભાળિયા શહેર તથા તાલુકાના વિવિધ શિવાલયોમાં મોટી સંખ્યામાં શિવ ભક્તોની ભીડ જાેવા મળી હતી. ખંભાળિયામાં આજરોજ શ્રાવણ માસના પ્રથમ સોમવાર નિમિત્તે અહીંના વિશ્વ વિખ્યાત રામનાથ મહાદેવ, ખામનાથ મહાદેવ, મહાદેવ વાડા, બાલનાથ મહાદેવ વિગેરે શિવ મંદિરોમાં આજે સવારથી પૂજન-અર્ચન માટે શિવભક્તો ઉમટી પડ્યા હતા. અહીં ભોળાનાથની ભક્તિ કરી, શિવ ભક્તોએ પુણ્યનું ભાથું બાંધ્યું હતું. ખંભાળિયાના શિવ મંદિરોમાં પ્રખ્યાત એવી ઘીની મહાપૂજાના દર્શન યોજાયા હતા. આ સાથે ઢોલ, નગારા અને નોબતના સથવારે મહાઆરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જાેડાયા હતા. પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ અહીંના જાણીતા રામનાથ મિત્ર મંડળ તથા રોટલા ગ્રુપ દ્વારા રામનાથ મહાદેવના મંદિર ખાતે મહાદેવના થાળ તથા સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાસ્ત્રોકત રીતે મંત્ર, આરતી સાથે મહાદેવને થાળ અર્પણ કરાયો હતો જેમાં રામનાથ મિત્ર મંડળના જયદીપભાઈ જાેષી, સંજયભાઈ બથીયા સહિતના અગ્રણીઓ જાેડાયા હતા અને મહાદેવનો જયઘોષ કરવામાં આવ્યો હતો.