પુરાણ પ્રસિદ્ધ ગિરિવર ગીરનારની પાવન ભૂમિ ઉપર કે જે તપોભૂમિ ઉપર ગુરૂ દત્તાત્રેય ભગવાન, નવનાથ અને ચોર્યાસી સિદ્ધોના બેસણા હોય, જે ભૂમિને લાખો સંત-સાધુ અને યોગીઓએ પોતાના તપ દ્વારા જગ પ્રસિદ્ધિ અપાવી છે, જ્યાં કૃષ્ણ ભક્ત નરસિંહ મહેતાએ ઈશ્વર સાધના દ્વારા પોતાની વાણી દ્વારા અનેક ચમત્કારો સર્જયા એ જૂનાગઢની પવિત્ર ધરતી ઉપર ગીરનાર દરવાજાથી આગળ ગીરનાર રોડ ઉપર ગાયત્રી મંદિરની સામે સમર્થ શ્રી પ્રાગદાસબાપા ગોદડીયાની રામવાડી – ૧ આવેલી છે, આ પવિત્ર ધર્મસ્થાન-જગ્યા ઉપર પૂજ્ય પ્રાગદાસબાપા ગોદડીયાએ ભજન અને ભોજનની અલેખ જગાવેલી છે. આ રામવાડી-૧માં તા.૨૮-૧૧-૨૦૨૧ના રોજ શ્રી પ્રાગદાસબાપા ગોદડીયાની ૧૦૨મી જન્મ જ્યંતી નિમિતે ૪૫ કિલોના સ્ફટીક(પારા)ના દર્શનીય શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠાનો શુભ પ્રારંભ પૂ.બ્રહ્મલીન મહામંડલેશ્વર ૧૦૦૮ પ.પૂ. સ્વામિ વિશ્વંભર ભારતી બાપુના હસ્તે કરવામાં આવ્યો હતો. જેમાં ગીરનારની પવિત્ર ભૂમિ ઉપર માત્ર એક સ્ફટીક(પારા)ના શિવલિંગ છે, જેનું વજન ૪૫ કિલો છે, આ શિવલિંગ અદભુત અને ચમત્કારીક ગણાય છે, કહેવાય છે કે, પારો આમતો એક પ્રવાહી છે, પણ તેને રાસાયણિક ક્રીયા દ્વારા ઘટ અને કઠણ બનાવવામાં આવે છે. શાસ્ત્રોના મત પ્રમાણે ભગવાન શિવજી દ્વારા જ આ પદાર્થનું નિર્માણ થયું છે, જે ઉત્તમ પવિત્ર અને દર્શનીય છે, ભાવિકોએ, ભક્તોએ, શિવપરંપરાના અનુયાયીઓએ આ અદભુત અને પવિત્ર શિવલિંગના દર્શન કરવા એ જીવનનો ઉત્તમ લ્હાવો છે. હાલ હિન્દુઓના પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ છે, ત્યારે શ્રી પ્રાગદાસબાપાની રામવાડી-૧માં મોકેશ્વર મહાદેવ મંદિરે શીવ ભક્તો દ્વારા પારદના શિવલિંગ ઉપર શ્રાવણ માસ દરમ્યાન સવા લાખ બીલીપત્રોનો અભિષેક કરવામાં આવશે, જેમાં દરરોજ સવારના ૬ઃ૩૦ થી ૧૧ઃ૩૦ વાગ્યા સુધી ૫૧૦૦ બીલીપત્રોનો અભિષેક તથા સાંજે ૭ વાગ્યે સંધ્યા આરતી તેમજ દર સોમવારે દીપ આરતી કરવામાં આવશે, જેનો લાભ લેવા દરેક શીવ ભક્તોને અનુરોધ કરવામાં આવે છે. તેમજ આ સવા લાખ બીલીપત્રોના અભિષેકમાં બીલીપત્રોની વ્યવસ્થા રામવાડી ખાતે કરવામાં આવેલ છે.