જર્જરીત મકાન ઉતારી લેવા નગરસેવક દ્વારા લેખિત તેમજ અનેક મૌખિક રજૂઆત પછી પણ કાર્યવાહીના નામે મીંડુ

0

જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં મહાનગરપાલિકાની કચેરી સામેની ગલીમાં આવેલ શાકમાર્કેટ જેવા ભરચક એરિયામાં લાંબા સમયથી એક મકાન જર્જરીત હાલતમાં હોય જેની અગાઉ લેખિત ફરિયાદ પણ ભાજપના વોર્ડ નંબર-૧૦ના નગરસેવક હિતેશ ઉદાણી દ્વારા કરવામાં આવી હોય, મહાનગર પાલિકા તંત્ર દ્વારા આ બાબતને ગંભીરતાથી લીધા વગર કોઈ કાર્યવાહી હાથ ધરવામાં ન આવતા આજે આ મકાન આકસ્મિક હચમચવા લાગતા તેમજ તેમાંથી પોળાઓ પડવા લાગતા આસપાસના નગરસેવક સહિતના રહેવાસીઓ ભયભીત થઈ જતા અને પોતાની તેમજ પરિવારની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અન્ય સુરક્ષિત જગ્યાએ ચાલ્યા જતા વોર્ડ નંબર-૧૦ના ભાજપના નગરસેવક દ્વારા અરજન્ટ ઈમેલ મારફત તેમજ લેખિત અને અનેક વખત જવાબદારો સાથે ટેલિફોનિક જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી હાથ ન ધરાતા નગરસેવક દ્વારા જૂનાગઢ મહાનગર પાલિકા કમિશ્નર, જૂનાગઢ જિલ્લા કલેક્ટર તેમજ જૂનાગઢ જિલ્લા એસ.પી.ને આ બાબતે લેખીતમાં જાણ કરી જાે આ અંગે કોઇ અકસ્માત સર્જાશે તો તેની સંપૂર્ણ જવાબદારી મહાનગરપાલિકાના અધિકારીઓ સહિતના જવાબદારોની રહેશે તેવું જણાવ્યું હતું. આ અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર સુમારે મહાનગરપાલિકાની સામે આવેલ શાકમાર્કેટની ગલીમાં જર્જરિત મકાન એની મેળે ખળભળાટ સાથે પડી રહ્યું છે તેવી જાણ મહાનગર પાલિકા કમિશ્નરને ટેલિફોનિક સ્થાનિક વોર્ડ નંબર-૧૦ના નગરસેવક હિતેશ ઉદાણી દ્વારા બે થી ત્રણ વખત કરી આ બાબતે ત્વરિત પગલાં ભરવા માંગ કરી હતી. પરંતુ મહાનગરપાલિકા શાખાના કોઈ કર્મચારીઓ છેક સુધી ફરક્યા ના હતા. આ વિસ્તાર ભરચક રહેણાંક વિસ્તાર હોય અનેક માણસો અહીં આજુ-બાજુમાં રહેતા હોય, ઉપરાંત શાકમાર્કેટ પણ અહીં આવેલી હોય, અનેક રાહદારીઓ પણ આ રસ્તેથી નીકળતા હોય, સાથે ભૌગોલિક પરિસ્થિતિના કારણે રસ્તો પણ એકદમ સાંકડો હોય, મોટી જાનહાની થવાની પૂરેપૂરી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી. આ સંદર્ભે આસરે બે મહિનાથી મહાનગરપાલિકાને અરજીઓ આપેલી હોય તેમ છતાં મલિક/ભાડૂત તથા મહાનગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી એવો વસવસો તેમણે વ્યક્ત કર્યો હતો. તેમણે પોતાના પત્રમાં માંગ કરી હતી કે, આ જર્જરિત મકાન કોઈપણ જાનહાની થાય તે પહેલાં ઉતારી લેવું જાેઈએ, મકાનના મોટા ગાબડા પડેલ હોય અને ગમે ત્યારે મકાન ધરાશાયી થઇ જાય તેમ હોવાથી કોઈ જાનહાની થાય તો તેની જવાબદારી મકાન માલિક/ભાડૂત તથા મહાનગર પાલિકાની રહેશે તેવું તેમણે પોતાની રજૂઆતમાં ઉમેર્યું હતું. તેમણે પોતાની રજૂઆતમાં વિશેષમાં ઉમેર્યું હતું કે, મહાનગરપાલિકા દ્વારા કાયદા મુજબ અગાઉ નોટિસ આપી સંતોષ માની લીધેલ છે પરંતુ તેની અમલવારી ના કરતા આસામીઓ સામે ન્યાયના હિતમાં કાયદા મુજબ મહાનગર પાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે કાર્યવાહી થાય તેવી સ્થાનિક રહેવાસીઓ સહિતનાએ માંગ ઉઠાવી છે. આ અરજી ઈમેલ દ્વારા જવાબદારોને આપ્યા પછી તુરંત જ કાર્યવાહી થવી જરૂરી છે કારણ કે, હાલ ચોમાસાની સીઝન ચાલુ હોય, જૂનાગઢ શહેરી વિસ્તારમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડતો હોય, આ મકાન ગમે ત્યારે ધરાશાયી થઇ શકે છે તેવી દહેશતના કારણો અહીં રહેતા સ્થાનિક રહીશો પણ અન્ય જગ્યાએ પરિવાર સાથે ખસી જવા મજબૂર થયા છે.
મહાનગર પાલિકાના કર્મચારીઓ દ્વારા તાત્કાલિક આ જર્જરિત મકાન ઉતારવા નહીં આવે તો ના છુટકે તથા ના ઇલાજે મહાનગરપાલિકામાં આજે સોમવારે બપોરે ૧ વાગ્યા બાદ ઉપવાસ ઉપર બેસવાની ફરજ પડશે તેવી ચીમકી પણ તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી છે. આ સંદર્ભે તાકીદે કાર્યવાહી કરવા અને આદેશો દેવા તેમણે પોતાની વિશેષ રજૂઆત રાજ્યના મુખ્યમંત્રી, ચીફ સેક્રેટરી, અગ્ર સચિવ, કાયદા વિભાગ તેમજ જૂનાગઢ સાંસદ, જૂનાગઢ મેયર, સ્થાયી સમિતિ ચેરમેન સહિતના રાજકીય તેમજ સામાજિક આગેવાનોને કરી હતી. સ્થાનિક રહીશો સહિતના આગેવાનોએ જણાવ્યું હતું કે, આ સંદર્ભે જવાબદાર મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ જ એક નગરસેવક દ્વારા રજૂઆત કરવામાં આવેલી હોય ત્યારે આવી ગંભીર બાબતની અવગણના કરી દાદ ના આપતા હોય તો મહાનગરપાલિકાના સામાન્ય અરજદારોની હાલત શું થતી હશે ?

error: Content is protected !!