ખંભાળિયામાં પત્રકારોના વિવિધ પ્રશ્નો અંગે જિલ્લા પોલીસ વડાને સામૂહિક રજૂઆત

0

ખંભાળિયા સહિત જિલ્લામાં બનતા કેટલાક મહત્વના બનાવો અંગે પોલીસ તંત્ર દ્વારા પૂરતો સહયોગ ન મળતો હોવા અંગે ખંભાળિયાના પત્રકારો દ્વારા અહીંના જિલ્લા પોલીસ વડાને સામુહિક રજૂઆતો કરવામાં આવી હતી. જે સંદર્ભે પોલીસ અધિક્ષક દ્વારા હકારાત્મક અભિગમ અપનાવવામાં આવ્યો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બનતા ક્રાઈમ અંગેના બનાવમાં સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા પત્રકારોને પૂરતો સહયોગ ન આપવા ઉપરાંત ટીવી ચેનલોના પત્રકારોને બાઈટ મેળવવામાં થતી મુશ્કેલી તેમજ જરૂરી માહિતી અવારનવાર અનિયમિત રીતે મળે છે. એટલું જ નહીં, પોલીસ સાથે પત્રકારોનું સમાચાર અંગેનું ગ્રુપ હોવા છતાં તેમાં પોલીસ તંત્ર દ્વારા નિયમિત અને પૂરતી માહિતી મૂકવામાં આવતી ન હોવાથી અહીંના પત્રકારોમાં કચવાટની લાગણી જાેવા મળી હતી. ઉપરોક્ત વિવિધ મુદ્દે ખંભાળિયાના પત્રકારો દ્વારા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય તેમજ ડીવાયએસપી નીલમબેન ગોસ્વામીને સામુહિક રીતે રજૂઆતો કરવામાં આવી હતી. જેના અનુસંધાને એસ.પી. તથા ડીવાયએસપી દ્વારા હકારાત્મક અભિગમ અપનાવી, યોગ્ય કરવાની ખાતરી આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ખંભાળિયાના મોટાભાગના પત્રકારોનું વલણ હંમેશા હકારાત્મક રહ્યું હોય અને પોલીસ તંત્રને પણ તેમની કામગીરીમાં જરૂરી સહકાર આપવામાં આવે છે. જે બાબતો રજૂ થતા પત્રકારોના પ્રશ્ને પોલીસ અધિકારીઓએ પણ યોગ્ય કરવાની ખાતરી આપી હતી.

error: Content is protected !!