રાજ્યના પશુપાલન અને ગૌ-સંવર્ધન રાજ્યમંત્રી દેવાભાઈ માલમે કેશોદના અગતરાય ખાતે સમગ્ર જિલ્લામાં લમ્પી વાયરસને અટકાવવા માટેની કામગીરી તથા રસીકરણ કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. મંત્રી દેવાભાઈ માલમ શક્ય તેટલી વહેલી તકે જિલ્લાના ગાય વર્ગના તમામ પશુઓને રસીકરણ હેઠળ આવરી લેવા માટે સંબંધિત વિભાગના અધિકારીઓ- પશુ ચિકિત્સકોને સૂચનાઓની સાથે માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે તેમણે લમ્પી વાયરસને અટકાવવા માટે કામ કરી રહેલા વેટરનરી ડોક્ટર સહિત અન્ય કર્મચારીઓનો ઉત્સાહ પણ વધાર્યો હતો. જિલ્લાના નાયબ પશુપાલન નિયામક ડો. દિલીપ પનારાએ પણ મંત્રીને લમ્પી વાયરસને અટકાવવા માટે કરાઈ રહેલી કામગીરીથી અવગત કરાવ્યા હતા.