જૂનાગઢ જીલ્લાનાં મેંદરડા તાલુકાનાં ખીજડિયા ગામનાં દલીત સમાજનાં એક યુવાનની કરપીણ હત્યા કરવાનાં બનાવનાં પગલે તનાવભરી સ્થિતિ સર્જાઈ હતી. બાદમાં મામલો થાળે પડયો હતો. આ હત્યાનાં બનાવ અંગે અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ખુનનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરવામાં આવી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર, મેંદરડા પંથકના ખીજડિયા ગામે વાડી વિસ્તારમાં રહેતા જયસુખભાઈ વજુભાઈ મૂછડિયા (ઉ.વ.૩૮)ની રાત્રીના ૧૨ વાગ્યાના અરસામાં ૨૦થી વધારે છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવવામાં આવી હતી. આ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળ ઉપર પહોંચ્યો હતો. તેમજ દલિત સમાજના આગેવાનો પણ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. આ બનાવ અંગેની વિશેષમાં મળતી વિગત અનુસાર, ખીજડિયાનાં વજુભાઈ મુછડીયાનાં પુત્ર જયસુખ મુછડીયા ઘરે પરત નહી આવતા શોધખોળનાં અંતે ખીજડિયા સીમ વિસ્તારમાં આવેલ પડતર જગ્યામાંથી તેની લાશ મૃતકનાં ભાઈ પ્રતિકને મળી આવી હતી. દરમ્યાન આ બનાવનાં જાણ થતા મૃતકનાં પરિવારજનોમાં શોકની લાગણી સાથે આક્રોશ પણ ફેલાયો હતો. બીજી તરફ ન્યાય સમિતિનાં ચેરમને દિપકભાઈ મકવાણાને પણ જાણ થતા સ્થળ ઉપર આવી અને પોલીસને જાણ કરી હતી. આ હત્યાનાં બનાવ અંગે દલીત સમાજનાં લોકોમાં અને મૃતકનાં પરિવારજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો અને લોકોનાં ટોળેટોળા ઉમટી પડયા હતા અને હત્યારાને ઝડપી લેવા તેમજ મૃતકનાં પરિવારને સરકાર દતક લેવાની બાંહેધરી ન આપે ત્યાં સુધી લાશ સંભાળવાનો ઈન્કાર કરી દીધો હતો. દરમ્યાન મેંદરડા પ્રાંત અધિકારીએ સરકાર દ્વારા પરિવારને ભરણપોષણ સહિત તમામ પ્રકારનાં હક્કો મળવા પ્રાપ્ત રહેશે તેવી બાંહેધરી આપતા મામલો થાળે પડયો હતો. દરમ્યાન આ બનાવ અંગે વજુભાઈ ઉર્ફે ભાકુભાઈ ખીમાભાઈ મુછડીયા(ઉ.વ.૬૦)એ ફરિયાદીનાં દિકરા જયસુખભાઈને કોઈ પણ કારણસર તીક્ષણ હથિયાર વતી જીવલેણ ઘા ઝીંકી અને હત્યા કરી નાંખવામાં આવી હોવાની અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરૂધ્ધ કલમ ૩૦ર સહિતની કલમ અંતર્ગત ગુનો દાખલ કરેલ છે. આ હત્યા કેસનાં આરોપીને ઝડપી લેવા મેંદરડાનાં પીએસઆઈ કે.એમ. મોરી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.