દેવભૂમિ દ્વારકા જિલ્લાના વહીવટી તંત્ર-ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા એનડીઆરએફની ટીમને સાથે રાખીને ભૂકંપ સમયે તેમજ આગ-અકસ્માત સહિતની કુદરતી આપત્તિ સમયે કઈ રીતે જાનમાલની સુરક્ષા કરી શકાય, તેની તાલીમ આપવા માટેના શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે દેવભૂમિ દ્વારકાના જગત મંદિર પરિસરના સુરક્ષા જવાનો પૈકીના પોલીસ સ્ટાફ, હોમગાર્ડના જવાનો, મંદિરના પૂજારી પરિવાર વગેરે સાથેનો નિદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તમામ સુરક્ષા વિભાગના ૬૯ જેટલા જવાનો તેમજ ૩૭ જેટલા પૂજારી પરિવારના સભ્યો સહિત ૧૦૬ લોકો જાેડાયા હતાં. તેઓને એનડીઆરએફની ટીમ દ્વારા લાઈવ ડેમોસ્ટ્રેશન કરીને વિશેષ તાલીમ આપવામાં આવી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેકટર મુકેશ પંડ્યા, અધિક કલેકટર કે.એમ. જાની, ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના એસ.પી. નિતિશકુમાર પાંડેયના માર્ગદર્શન હેઠળ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડી.પી.ઓ. માનસી સિંગ, ડીવાયએસપી સમીર સારડા, મંદિરના વહીવટદાર અને એસ.ડી. એમ. પાર્થ તલસાણીયા, નાયબ વહીવટદાર કમલેશ શાહ, મામલતદાર વિક્રમભાઈ વરૂ વગેરેના માર્ગદર્શન હેઠળ એનડીઆરએફની ટીમ સાથેનો નિદર્શન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ તાલિમ સમયે એનડીઆરેફના ઈન્સ્પેકટર સંજીય યાદવ તેમની ટીમ સાથે ઉપસ્થિત રહ્યા હતા અને કુદરતી આપત્તિ સમયે જાનમાલનું રક્ષણ કરવા તેમજ લોકોને બચાવી લઈ સમયસર સુરક્ષિત સ્થળે અથવા ઈજાગ્રસ્તને પ્રાથમિક સારવાર આપીને હોસ્પિટલ સુધી પહોંચાડવા વગેરેનું લાઈવ ડેમોસ્ટ્રેશન કરાયું હતું. આ તકે કુદરતી અને માનવ સર્જિત આફતમાં કઈ રીતે કામગીરી કરવી, તેનું જુદા જુદા માધ્યમોથી તેમજ ઘરેલું ઉપયોગમાં આવતી હોય તેવી પાણીની બોટલો, ઓઈલના ખાલી ડબલા, સૂકા નારિયેળ, પાણીની ગાગર, લાકડાની પટ્ટીઓ જેવા ઉપકરણો વડે લાઈવ ડેમોસ્ટ્રેશન આપવામાં આવ્યું હતું. સાથોસાથ એનડીઆરએફની ટીમ કુદરતી આપત્તિ સમયે કયા સાધનોની મદદથી બચાવ કાર્યને ઝડપી હાથ ધરી શકે છે, તે સાધનોનું પણ સ્થળ ઉપર નિદર્શન કરવામાં આવ્યું હતું. મંદિર પરિસરમાં ભાગદોડની સમસ્યા સર્જાય તો તેવા સમયે કઈ રીતે વધુને વધુ લોકોને બચાવીને સુરક્ષિત સ્થળે રાખી શકાય, ઉપરાંત ભૂકંપની અનુભૂતિ સમયે કયાં પ્રકારની બચાવ કામગીરી કરી શકાય, જ્યારે આગ અકસ્માતના બનાવ સમયે ઝડપી આગ બુજાવીને લોકોને કઈ રીતે આગથી દૂર કરી શકાય, જ્યારે ઈજા થવાની ઘટના બને તો પ્રાથમિક જરૂરી સારવાર કઈ રીતે આપી શકાય તે અંગેનું નિદર્શન કરવામાં આવ્યું હતું.