સોરઠનાં દરિયાતટેથી પ્રથમ વખત ચરસનાં પેકેટો મળી આવતાં ખળભળાટ

0

સોરઠનાં દરિયાતટેથી પ્રથમ વખત ચરસનાં ૧૯૯ પેકેટ મળી આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. અઢીથી ત્રણ કરોડથી વધુની કિંમતનો નશીલા પદાર્થ એવા ચરસનો જથ્થો મળી આવતા તંત્ર પણ હાઈએલર્ટ બન્યું છે અને તપાસનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે.
માંગરોળ : ૩૯ પેકેટ મળ્યા
માંગરોળના દરીયા કિનારેથી અલગ અલગ જગ્યાએથી મોટી માત્રામાં ચરસના પેકેટ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. માંગરોળના ઈતિહાસમાં પ્રથમવાર આટલી મોટી સંખ્યામાં ચરસનો જથ્થો હાથ લાગતા જૂનાગઢ જિલ્લા પોલીસ વિભાગ એકશનમાં આવી ગયું છે. જૂનાગઢના એસપી રવિતેજા વાસમશેટ્ટીની સુચનાથી એસઓજી, માંગરોળ પોલીસ અને મરીન પોલીસે માંગરોળના દરીયાના કીનારે મેગા સર્ચ ઓપરેશન શરૂ કર્યુ છે. ગઈકાલે વહેલી સવારથી અત્યાર સુધીમાં પોલીસને અલગ અલગ જગ્યાએથી ૩૯ જેટલા ચરસના પેકેટ હાથ લાગ્યા છે. પોલીસમાંથી મળતી વિગતો મુજબ માંગરોળના દરીયા કિનારે કેટલીક શંકાસ્પદ વસ્તુઓ પડી છે તેવી ગત રાત્રે એસઓજીને બાતમી મળી હતી. રાતોરાત એસઓજીની ટીમ માંગરોળ આવી પહોચી હતી. અને માંગરોળની નવી બની રહેલી જેટી પાસેથી શંકાસ્પદ નશીલા પદાર્થના આઠ પેકેટ મળી આવ્યા હતા. બાદમાં વહેલી સવારમાં માંગરોળના ચોપાટી પાસેથી સત્તર પેકેટનો એક કોથળો મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી. આ સાથે જ એસપી રવિતેજા વાસમશેટ્ટીના આદેશથી માંગરોળ અને મરીન પોલીસ પણ સાથે જાેડાઈને સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. એ દરમ્યાન માંગરોળના પોરબંદર રોડ ઉપર આંત્રોલી પાસેથી ૧૪ પેકેટ મળી આવ્યા હતા. આ તમામ જથ્થો નશાકારક ચરસ હોવાનું જાણવા મળ્યું છે. પકડાયેલા બાચકા ઉપર પ્રોડક્ટ ઓફ પાકિસ્તાન ૨૦૨૧- ૨૨ નો માર્કો મારેલ જાેવા મળી રહ્યો છે. જ્યારે બાચકામાં રહેલ કિલોના પેકિંગવાળી પ્લાસ્ટિકની થેલીઓ ઉપર અફઘાનિસ્તાન ગોળાકાર વર્તુળમાં લખેલ જાેવા મળે છે. આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ માટે એટીએસ પણ જાેડાઈ રહી છે. આટલી મોટી માત્રામાં ચરસના પેકેટ મળતા જૂનાગઢની તમામ એજન્સીઓ દ્વારા જીલ્લાના તમામ દરીયાઈ પટ્ટી ઉપર ચાંપતી નજર રાખવા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સોમનાથના દરીયા કિનારેથી પણ ચરસનો મોટો જથ્થો મળી આવ્યો છે. માંગરોળ સહિત જિલ્લાની પોલીસ દ્વારા તમામ જગ્યાએથી માલ ભેગો કરી અલગ અલગ રીતે વધુ તપાસ હાથ ધરી છે. હજુ પણ જીલ્લાની તમામ દરીયાઈ પટ્ટી ઉપર સર્ચ ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે. એસઓજી તેમજ જિલ્લાની પોલીસ દ્વારા લોકોને પણ અપીલ કરી છે કે, આવા બીનઅધિકૃત તેમજ નશીલા પદાર્થો સહિત કોઈપણ વસ્તુઓ મળે તો પોલીસને તાત્કાલિક જાણ કરવા જણાવેલ છે.
ગીર સોમનાથના દરીયાકાંઠેથી ૧૬૦ પેકેટો મળ્યા
સુરક્ષાની દ્રષ્ટિએ અતિસંવેદનશીલ ગણાતા એવા ગીર સોમનાથ જિલ્લાના દરીયાકાંઠા વિસ્તારમાંથી પણ નશીલા પદાર્થોના ૧૬૦ જેટલા શંકાસ્પદ પેકેટો મળી આવ્યા છે. આ પેકેટોમાં રહેલ જથ્થાની તપાસ અર્થે પોલીસે એફએસએલની મદદ લીધી છે. જિલ્લાના દરીયાકાંઠાના વિસ્તારોમાં જિલ્લાની એસઓજી, એલસીબી, મરીન તથા સ્થાનીક પોલીસની ટીમોએ દિવસભર સર્ચ ઓપરેશન હાથ ધરેલ જે આજે પણ ચાલુ રહેશે. ગીર સોમનાથના સમુદ્ર કિનારેથી મળી આવેલ નશીલા પદાર્થના મામલે જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ માહિતી આપતા જણાવેલ કે, ગતરાત્રીના નજીકના માંગરોળના દરીયાકાંઠેથી નશીલા પદાર્થના પેકેટો મળી આવ્યા હતા. જેથી અડીને આવેલા ગીર સોમનાથ જિલ્લાના દરીયા કાંઠે પણ મળવાની સંભાવનાને ધ્યાને લઇ સર્ચ ઓપરેશન કરવાનું નક્કી કર્યુ હતુ. જેમાં એએસપી ઓમપ્રકાશ જાટના નેતૃત્વમાં એસઓજીના પીઆઈ વી.એલ.સોનારા, એલસીબીના કે.જે.ચૌહાણ, મરીનના પીઆઈ એન.જી.વાઘેલા સહિત સ્થાનીક પોલીસની ૧૦ ટીમોએ જિલ્લાના દરીયાકાંઠે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. વધુમાં એસપી મનોહરસિંહ જાડેજાએ જણાવેલ કે, દિવસભરના સર્ચ ઓપરેશનમાં વેરાવળના આદરીથી સોમનાથના લાટી સુધીના દરીયા કિનારાના વિસ્તારોમાંથી જુદા જુદા સ્થળોએથી ૧૬૦ જેટલા શંકાસ્પદ પેકેટો મળી આવ્યા છે. આ તમામ પેકેટો ૧-૧ કિલોના છે અને તેમાં રહેલ જથ્થો ચરસ હોવાની શક્યતા છે. જે ખાત્રી કરવા માટે એફએસએલની મદદ લેવામાં આવી છે. જાે આ જથ્થો ચરસ હોય તો તેની બજાર કિંમત ૨.૫ કરોડ આસપાસ થાય છે. આ તમામ પેકેટો ઉપર પાકિસ્તાનની સુગત મિલનો માર્કો હોવાનું જાણવા મળેલ છે. હાલ પણ જિલ્લાના ૭૦ કીમી લાંબા કોસ્ટલ કાંઠા ઉપર પોલીસની ૧૦ ટીમો સઘન પેટ્રોલીંગ સાથે ચેકીંગ કરી રહી છે. અત્રે નોંધનીય છે કે, ઝેડપ્લસ સુરક્ષા ધરાવતા સોમનાથ મંદિરના દરીયા કિનારાના વિસ્તારમાંથી મળી આવેલા નશીલા પદાર્થોના પેકેટોના મામલે સ્થાનીક જિલ્લા પોલીસ એટીએસના સંકલનમાં રહી તપાસ આગળ વધારી રહી છે. ત્યારે આગામી દિવસોમાં આ મામલો અનેક ઘટસ્ફોટ થવાની શકયતા પણ વર્તાઈ રહી છે. જેને લઈ સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક બની છે.
આ બાબતે જૂનાગઢના એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ જણાવ્યું હતું કે જૂનાગઢમાં આ પહેલીવાર બન્યું છે. જીલ્લાની તમામ દરીયાઈ પટ્ટી ઉપર સર્ચ ઓપરેશન ચાલું છે. અત્યાર સુધી માંગરોળ દરિયાઈ પટ્ટી ઉપરથી તરતી હાલતમાં ૩૯ જેટલા શંકાસ્પદ પેકેટ મળી આવ્યા છે. દર પેકેટનો વજન એક કીલો જેટલું છે. જેને એફએસએલ રીપોર્ટમાં મોકલ્યા છે. અને તપાસના અંતે જ ખરી માહિતી આપીશું હાલ તો ડરના કારણે દરીયામાં ફેકી દેવામાં આવ્યા હોવાનું જણાઈ રહયું છે. અત્યારે ગુજરાતના તમામ જિલ્લાઓની દરિયાઈ પટ્ટી ઉપર એલર્ટ કરી દેવાયું છે. આ સાથે એટીએસ, ઈન્ડિયન કોસ્ટ ગાર્ડને પણ એલર્ટ કરી દેવાયા છે.

error: Content is protected !!