Monday, December 4

જૂનાગઢની નાઝનીન ખાન કરાટેમાં ભલભલા હરિફોને હંફાવે છે

0

આજે જૂનાગઢની એક એવી મહિલા ખેલાડીની વાત કરવી છે કે, જે જૂનાગઢનું ગૌરવ બનવા જઈ રહી છે. જૂનાગઢની નાઝનીન યુસુફખાન યુસુફઝઈનું કરાટેમાં રાષ્ટ્રીય સ્તરે નામ જાેવા મળે છે. સાધારણ કદકાઠી અને ઉંમરમાં નાની પરતું નાઝનીન કરાટે રિંગમાં ભલભલા હરિફોને હંફાવે છે. સામાન્ય પરિવારમાંથી આવતી અને વર્લ્ડ ચેમ્પીયનશીપમાં ક્વોલીફાય થવાનુ સ્વપ્ન ધરાવતી નાઝનીન નવેમ્બર-૨૦૨૨માં નેપાળના કાઠમાંડુ ખાતે આયોજિત કરાટે ચેમ્પિયનશીપમાં કીક અને પંચના પ્રહાર જાેવા મળશે. માત્ર ૨૨ વર્ષિય નાઝનીન રાષ્ટ્રીય સ્તરે ૧- ગોલ્ડ, ૧- સિલ્વર, રાજ્યકક્ષાએ ૪ ગોલ્ડ, તથા ૨-સિલ્વર અને ખેલમહાકુંભમાં ૨-ગોલ્ડ મેડલ મેળવ્યા છે. આ સિદ્ધિ મેળવ્યાં બાદ નાઝનીન આંતરરાષ્ટ્રીય સ્તરે પરચમ લહેરાવા માંગે છે. નાઝનીન કહે છે કે, કોચ સિહાન પ્રવીણ ચૌહણના માર્ગદર્શન હેઠળ કરાટેમાં આગળ વધવા માટે દિવસ-રાત પરસેવો પાડી રહી છું. નિયમિતપણે દરરોજ ૬૦૦૦ પંચ અને ૧૫૦૦ કીડ લગાવી અભ્યાસ કરી રહી છું. કરાટેમાં બ્લેક બેલ્ડ ધરાવતી નાઝનીન કહે છે કે, ૧૫ વર્ષની હતી ત્યારથી કરાટે રમવાનુ શરૂ કર્યું હતું. જે સાત વર્ષના સફર બાદ એક નવા મુકામે પહોચ્યો છે. પરંતુ જ્યારે શરૂઆત કરી ત્યારે પરિવારમાંથી સપોર્ટના મળ્યો પણ ગુજરાત વાડોકાઈ દ્વારા આયોજિત કરાટે ચેમ્પિયનશીમાં ગોલ્ડ મેડલ મેળવતા મમ્મી-પપ્પા ખૂબ સપોર્ટ કરી રહ્યા છે. સામાન્ય પરિવારમાંથી આવતી નાઝનીનના પિતા ડ્રાઈવીંગનો વ્યવસાય કરે છે. આમ, આર્થિક-સામાજિક વિપરીત પરિસ્થિતિઓ સામે બાથ ભીડી નાઝનીન કરાટેમાં એક પછી એક નવા મુકામ હાંસલ કરી રહી છે.
નાઝનીનના કોચ સિહલ પ્રવીણ ચૌહાણ કહે છે કે, નાઝનીનમાં ખૂબ સંભાવનાઓ રહેલી છે. તેના પ્રદર્શને તે સિદ્ધ પણ કર્યું છે. તે ટોપ ક્લાસ ખેલાડી છે. હવે તે નેપાળના કાઠમાંડુ ખાતે નવેમ્બર-૨૦૨૨માં આયોજિત આંતરરાષ્ટ્રીય કારાટે ચેમ્પિયનશીપમાં ભાગ લેશે. જેમાં ભારતના પાડોશી રાષ્ટ્રો ચીન, બાંગ્લાદેશ, શ્રીલંકા, ભૂટાન સહિના દેશો ભાગ લેશે. જાે કે, આ સ્પર્ધામાં દુબઈમાં યોજાવાની હતી, પરંતુ કોરાના મહામારીના કારણે ફેરફાર થતા હવે આ સ્પર્ધા નેપાળમાં યોજાશે. નાઝનીન આ ચેમ્પિયનશીપમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતાં તેઓ કહે છે કે, નાઝનીન ૨૦૨૫માં જાપાન ખાતે યોજાનાર વર્લ્ડ કરાટે ચેમ્પિયનશીપમાં ક્વોલીફાય થઈ, મેડલ મેળવવાનું લક્ષ્યાંક ધરાવે છે. નાઝનીન યુસુફખાન યુસુફઝઈની આ સિદ્ધિઓને નારી વંદન ઉત્સવ હેઠળ મહિલા નેતૃત્વ દિવસના ઉજવણી પ્રસંગે રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ વિભાગનો સ્વતંત્ર હવાલો ધરાવતા મનીષાબેન વકીલે બિરદાવી-સન્માનિત કર્યા હતા. આ સાથે તેમણે દેશ અને ગુજરાતના નામ રોશન કરવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
ઉલ્લેખ કરવો જરૂરી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં દેશના ખૂણે ખૂણેથી રમતવીરોમાં પડેલી સુષુપ્ત શક્તિઓ ઉજાગર થાય અને ગ્રાસ રૂટ લેવલ પરના ખેલાડીઓમાં રહેલું સામર્થ્ય બહાર આવે તે માટે પ્રોત્સાહન સાથે અનેક અભિયાનો હાથ વધારવામાં આવ્યા છે. ગુજરાતમાં પણ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રમતવીરોને પ્રોત્સાહન મળી રહ્યું છે.
નાઝનીન ખાને મહિલા અને બાળ અધિકારીની કચેરી અને જૂનાગઢ પોલીસ સાથે રહીને ૧૧૦૦૦ થી વધુ બહેનોને સેલ્ફ ડિફેન્સ તાલીમ આપી ચૂકી છે. ઉપરાંત નાઝનીન ખાનગી શાળામાં કરાટેનું કોચિંગ પણ આપી રહી છે. જેનાથી આવક મેળવી નાઝનીન પરિવારમાં પણ આર્થિક રીતે પણ મદદરૂપ થઈ રહી છે.

error: Content is protected !!