ગુજરાતમાં ધારાસભાની ચુંટણી પૂર્વે તમામ ક્ષેત્રના લોકોને સરકાર ખુશ કરી રહી છે. ત્યારે લાંબા સમયથી કાયદાકીય ગુંચમાં અટવાયેલ પોલીસ ગ્રેડ પેના મામલે રાજ્ય સરકાર ૧૫ ઓગસ્ટ આસપાસ કોઈ વચ્ચેનો રસ્તો કાઢે તેવા નિર્દેશો મળી રહ્યાં છે. આ મુદ્દે અગાઉ આંદોલનો પણ થઈ ચુકયા છે અને સરકારે રચેલી સમિતિનો રિપોર્ટ પણ સરકારમાં રજુ થઈ ગયો હોવાથી ચુંટણી જાહેર થાય તે પૂર્વે આ પ્રશ્નનો નિકાલ લાવવો પડે તેમ છે. પોલીસ ગ્રેડ પે આંદોલન છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં એક સંવેદનશીલ મુદ્દો બની રહ્યો છે. ગ્રેડ પે મામલે પોલીસની ધીરજ હવે ચરમસીમા ઉપર છે. અનેક વખત માંગ કરવા છતાં પણ સરકાર પાસે માત્ર એક જ જવાબ છે કે, ગ્રેડ પે અંગે ટૂંક સમયમાં જાહેરાત કરશે. ત્યારે વિશ્વાસપાત્ર સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, સરકાર હવે નજીકના ભવિષ્યમાં જ પોલીસ કર્મચારીઓને ખુશખબર આપવા જઈ રહી છે. બે દિવસ અગાઉ પણ ગૃહ રાજ્યમંત્રીને પત્રકાર પરિષદમાં પુછાયેલા સવાલમાં પણ તેમણે જવાબ આપ્યો હતો કે, ટૂંક સમયમાં ઉકેલ લાવવામાં આવશે, પરંતુ આખરે ટૂંક સમયની વ્યાખ્યા શું ? એ સવાલ સૌ પોલીસ કર્મીઓમાં ચર્ચાઈ રહ્યો છે. તપાસ સમિતિ દ્વારા સોંપાયેલા રિપોર્ટના આધારે ગૃહ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે, જેમાં આખરી તબક્કામાં આ ર્નિણય હોવાની માહિતી વિશ્વાસપાત્ર મળી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગૃહ વિભાગને તાકીદ કરીને તમામ ફાઈલ પોતાના સુધી મગાવી છે, જેને આગામી સપ્તાહમાં લીલી ઝંડી મળી શકે છે. આમ, પોલીસકર્મચારીઓ માટે સરકાર આગામી ૧૫ દિવસમાં જ ખુશીના સમાચાર આપી શકે છે. વર્ષ ૨૦૨૧ના ઓક્ટોબર માસમાં પોલીસ ગ્રેડ પે અંગે આંદોલન ચાલ્યા બાદ સરકારે તપાસ સમિતિનું ગઠન કર્યું હતું. આ સમિતિની એક મુદત ડિસેમ્બર ૨૦૨૧માં પૂરી થયા બાદ ફરીથી એક વખત સમિતિની ટર્મ રિન્યુ કરી અને એપ્રિલ, ૨૦૨૨ સુધી કરવામાં આવી હતી. સરકારને સમિતિએ તપાસ રિપોર્ટ સોંપી દીધો છે. આ રિપોર્ટની અંદર અલગ અલગ રાજ્યોમાં અમલી ગ્રેડ પે સાથે ગુજરાતની સરખામણી કરવામાં આવી છે. ગુજરાતમાં પોલીસ માટે ગ્રેડ પે પ્રમાણમાં ઓછો છે, તેથી રિપોર્ટ સોંપતી વખતે ભલામણ કરવામાં આવી છે કે, જ્યાં સુધી ગ્રેડ પે જાહેર ન કરવામાં આવે ત્યાં સુધી વચગાળાના પેકેજ જાહેર કરીને પોલીસકર્મચારીઓને લાભ આપવો જાેઈએ. જાે સરકાર પોલીસ ગ્રેડ પેમાં સુધારો નથી કરતી તો એવા સંજાેગોમાં તપાસ સમિતિની ભલામણને આધારે પોલીસ કર્મચારીઓને અપાતાં ભથ્થાં જેવાં કે વોશિંગ, સ્પેશિયલ ડ્યૂટી એલાઉન્સ, સાઇકલ એલાઉન્સ વગેરે હાલના સમયની મોંઘવારી અનુરૂપ નક્કી કરવામાં આવી શકે છે.