જૂનાગઢ શહેરમાં સેવાકીય ક્ષેત્રે અને આરોગ્ય ક્ષેત્રે સતત પ્રશંસનીય કામગીરી કરનારા અને આરોગ્ય ક્ષેત્રે શ્રેષ્ઠ સેવા માટે જાણીતી ત્રિમૂૂર્તિ મલ્ટીપ્લસ હોસ્પીટલના વડા ડો.ડી.પી. ચિખલીયાના માર્ગદર્શન હેઠળ આગામી રવિવારે જૂનાગઢના આંગણે સહકારી ક્ષેત્રેના મહાનુભાવોનો ઉપલબ્ધિ અભિવાદન સમારોહ યોજવામાં આવનાર છે. આ સમારંભ અંગેની તૈયારીને ઓપ આપવામાં આવી રહેલો છે. ગઈકાલે યોજાયેલી પત્રકાર પરીષદમાં આ કાર્યક્રમ અંગેની મહત્વની વિગતો આપવામાં આવી હતી અને આ સાથે સાથે પત્રકાર મિત્રો માટે સાચા હ્ય્દયની લાગણી બતાવી અને તેઓના હિત માટેની સહાયકારી યોજના અંગેની વાત ડો.ડી.પી. ચિખલીયાએ મુકતા તેને પત્રકાર મિત્રોએ ઉમળકાથી વધાવી લીધી હતી અને આગામી દિવસોમાં આ અંગે કાર્યવાહી કરવા પણ કટીબધ્ધતા જારી કરવામાં આવી હતી.
જૂનાગઢ શહેરમાં આરોગ્ય ક્ષેત્રે ઉમદા કામગીરી દાખવી રહેલા ડો.ડી.પી. ચિખલીયાના વડપણ હેઠળ જૂનાગઢ બસ સ્ટેશન નજીક ત્રિમૂર્તિ મલ્ટીપ્લસ હોસ્પીટલ કાર્યરત છે. આ હોસ્પીટલમાં આવનારા તમામ દર્દીઓ પછી તે નાના હોય કે, મોટા હોય તેઓને સૌથી સારામાં સારી આરોગ્ય સેવા પુરી પાડવામાં આવે છે. એટલું જ નહીં ઈમરજન્સી કેસ વખતે પણ દર્દીના જીવનને બચાવવા માટે છેલ્લી ઘડી સુધી પ્રયાસો કરવામાં આવે છે અને આવા પ્રયાસોને સફળતા પણ પ્રાપ્ત મળતી હોય છે અને જીંદગી હારી ચુકેલા દર્દીને નવજીવન પણ પ્રાપ્ત થયાના અનેક દાખલા છે. વિશેષમાં આજના મોંઘવારીના આ યુગમાં આરોગ્ય સેવા પણ સતત મોંઘી થઈ રહી છે તેવા સમયમાં પણ જરૂરીયાતમંદ માણસને કટોકટીના સમયે ત્રિમૂર્તિ હોસ્પીટલ દ્વારા આરોગ્ય સેવા પુરી પાડવામાં આવી છે. નાનામાં નાની વ્યકિતને પણ પુરા માન સન્માનથી તેઓનું આરોગ્ય સારૂ બને તે માટે પ્રયાસો આ હોસ્પીટલના માધ્યમથી કરવામાં આવે છે અને જેને લઈને ત્રિમૂર્તિ હોસ્પીટલ અને તેના વડા ડો.ડી.પી. ચિખલીયાનું સમાજમાં આરોગ્ય ક્ષેત્રે અને પરોપકારી અને સેવાભાવી ડોકટર તરીકે લોકપ્રિય નામ છે. હવે વાત રહી પત્રકાર મિત્રો માટેની જૂનાગઢ શહેર અને જીલ્લાના પત્રકાર મિત્રોને જયારે જયારે પણ ઈમરજન્સી વખતે આરોગ્ય સેવાની જરૂર પડી ત્યારે પણ ડો.ડી.પી. ચિખલીયાએ આરોગ્ય સેવા પુરી પાડી છે. પત્રકારો કે જેઓ સમાજનું એક હાર્દ છે અને આ પત્રકાર મિત્રો પણ આમ જનતા અને લોકોની નિસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા છે અને તેઓના પ્રશ્નોને વાચા આપી રહ્યા છે તેવા એક અનન્ય ભાવથી ડો.ડી.પી. ચિખલીયા અને ત્રિમૂર્તિ હોસ્પીટલ પરીવાર તેઓને આરોગ્ય સેવા પૂરી પાડતો હોય છે. દરમ્યાન ગઈકાલે જૂનાગઢ ખાતે યોજાનારા સહકારી ક્ષેત્રેના મહાનુભાવોના ઉપલબ્ધિ અભિવાદન સમારંભની માહિતી આપવાના આ કાર્યક્રમમાં પ્રેરક ઉદબોધન આપનારા ડો.ડી.પી. ચિખલીયાએ પત્રકાર મિત્રોના હિતની પણ વાત કરી હતી. એક અંગત લાગણીથી પ્રેરાય અને જૂનાગઢમાં પત્રકાર કો-ઓપરેટીવ સોસાયટીના નિર્માણ અને પત્રકારોને આ સોસાયટીના નિર્માણથી ઘણીબધી સુવિધા અને સહાય પ્રાપ્ત થઈ શકે તેવી એક વાત મુકી અને આ દિશામાં આગળ વધવા અનુરોધ કરતા જ પત્રકાર મિત્રોએ ડો.ડી.પી. ચિખલીયાની આ વાતને વધાવી લીધી હતી. આ તકે ઉપસ્થિત રહેલા કૃષ્ણકાંતભાઈ રૂપારેલીયા, ધીરૂભાઈ પુરોહીત, માહિતી અધિકારી નરેશભાઈ મહેતા, જગડુશા નાગ્રેચા, અતુલભાઈ વ્યાસએ પણ પત્રકાર કો-ઓપરેટીવ સોસાયટીની વાતને અનુમોદન આપી અને ડો.ડી.પી. ચિખલીયાએ પત્રકારો પ્રત્યે જે લાગણી દર્શાવી છે તે બદલ આભારની લાગણી વ્યકત કરી હતી.