જૂનાગઢ શહેર અને જીલ્લાનાં વિવિધ વિસ્તારોમાં ગઈકાલે સાંજનાં સમયે વરસાદી માહોલ જામ્યો હતો. ખાસ કરીને જૂનાગઢ શહેરમાં સાંજનાં ૬ થી ૮ દરમ્યાન મેઘરાજાએ સટાસટી બોલાવતા ધોધમાર ૩ ઈંચ વરસાદ પડી જતાં શહેરનાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જૂનાગઢ શહેરનાં મોતીબાગ વિસ્તાર, ઝાંઝરડા વિસ્તાર, મધુરમ, જયશ્રી રોડ, દાતાર રોડ, એમ.જી. રોડ, ગાંધી ચોક, કાળવા ચોક, વગેરે અનેક વિસ્તારોમાં સાંજનાં સમયે મેઘરાજાની સટાસટીને પગલે થોડીવારમાં જ રસ્તાઓમાં પાણી વહેવા લાગ્યા હતા. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પુર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ધોધમાર વરસી રહેલા વરસાદમાં થોડા સમયમાં જ ૩ ઈંચ જેવું પાણી પડી ગયું હતું. ઝાંઝરડા રોડ વિસ્તારમાં આવેલા ઓવરબ્રિજ ગરનાળાને બંધ કરી દેવાની નોબત આવી હતી. આ ઉપરાંત શહેરનાં અનેક વિસ્તારોનાં રસ્તાઓમાં પાણી ભરાયા હતા હાલ જયારે રસ્તાઓનું કચુંબર થઈ ગયું છે અને રસ્તાઓ તુટી ગયા છે તેમજ ઘણા રસ્તાઓ વિવિધ કામગીરીને લઈને તોડી નાખવામાં આવેલ છે તેવા રસ્તાઓમાં પડેલા ખાડાઓમાં ખાબોચીયા ભરાઈ જવાનાં કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહયો છે. ગઈકાલે જૂનાગઢ સીટી અને ગ્રામ્ય વિસ્તારોમાં સાંજનાં ૬ થી ૮ દરમ્યાન ૬પ મી.મી. વરસાદ નોંધાયો હતો. જયારે વહેલી સવારનાં ર થી ૪ દરમ્યાન જૂનાગઢ સીટી અને ગ્રામ્યમાં ૧૧ મી.મી. અને મેંદરડા અને માંગરોળમાં ૧૪ મી.મી. વરસાદ નોંધાયો છે.