જૂનાગઢમાં સરકારી ગર્લ્સ હાઈસ્કૂલના શિક્ષક પુસ્તકીયા જ્ઞાન પુરતા સિમિત ન રહેતા વિદ્યાર્થીનીઓના સર્વાંગી વિકાસને પ્રાધાન્ય આપે છે

0

વિદ્યાર્થીનીઓ પુસ્તકીયા જ્ઞાન પુરતા સિમિત ન રહે પણ દુનિયાની નવી હવાઓનો તેમને સ્પર્શ થાય સાથે જ તેઓ સ્વસ્થ-તંદુસ્ત-નિરોગી જીવન વ્યતીત કરે, તેમના વ્યક્તિત્વને એક નિખાર મળે અને તેમનો સર્વાંગી વિકાસ થાય તેવી નેમ સાથે શિક્ષણ કાર્ય કરી રહ્યા છે, જૂનાગઢમાં સરકારી ગર્લ્સ હાઈસ્કૂલના શિક્ષક ડો. ખુશ્બુબેન ગરાળા. આ વાત જણાવતા ખુશ્બુબેન કહે છે કે, આજના યુગમાં એકેડેમિક શિક્ષણની સાથે વિવિધ કૌશલ્યો પણ એટલાં જ મહત્વના છે. આ વિદ્યાર્થીનીઓ સ્કીલ ડેવલપ કરવાની સાથે વ્યવહારિક પાસાઓનું જ્ઞાન મેળવે તે ખૂબ આવશ્યક છે. ઉપરાંત સામાજિક આંટીઘુંટીઓથી પણ વાકેફ થાય તેવા શિક્ષણના માધ્યમથી પ્રયાસ કરી રહી છું. આમ, સરકારી શાળાના શિક્ષક ખુશ્બુબેન ગરાળા શિક્ષણ ક્ષેત્રે નવી ભાત પાડે છે. ડો. ખશ્બુ ગરાળાના શિક્ષણ માટેના આગવા અભિગમની રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્રે પણ નોંધ લીધી છે. હાલમાં નારી વંદન ઉત્સવ હેઠળ મહિલા નેતૃત્વ દિવસની ઉજવણીમાં રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગનો સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યમંત્રી મનીષાબેન વકીલ અને પશુપાલન અને ગૌ-સંવર્ધન મંત્રી દેવાભાઈ માલમના હસ્તે સન્માનિત કરવામાં આવ્યાં હતા અને તેમની આ સેવાને બિરદાવી હતી.
ખુશ્બુબેન શિક્ષણકાર્ય માટે પ્રતિબદ્ધ છે, તેઓએ બાળ ઉછેરને ઉંડાણપૂર્વક સમજવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી પીએચડી કર્યું છે. જેથી પોતાના શિક્ષણ કાર્યને વધુ બહેતર બનાવી શકે. ખુશ્બુબેન જણાવે છે કે, વિદ્યાર્થીનીઓ સુશુપ્ત શક્તિઓનો વિકાસ થાય તે માટે શાળામાં સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ઉપરાંત વિદ્યાર્થીનીઓને રાજ્ય-જિલ્લા અને તાલુકા સ્તરે યોજાતી સંગીત, નૃત્ય, વકતૃત્વ, એકપાત્ર અભિનય, નાટક વગેરે સાંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવાની સાથે આ માટે પુરતી તૈયારીઓ પણ કરાવવામાં આવે છે. જેના પરિણામે વિદ્યાર્થીનીઓ ટોચના સ્થાને રહી પુરસ્કાર પણ પ્રાપ્ત કરી છે. આ ઉપરાંત વિદ્યાર્થીનીઓને યુપીએસસી, જીપીએસસી સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવે છે. સાથે તે દિશામાં પ્રારંભિક તૈયારીઓ પણ કરાવવામાં આવે છે. અન્ય કારકીર્દીના ક્ષેત્રો વિશે પણ વિસ્તૃત જાણકારી આપવામાં આવે છે. વિદ્યાર્થીનીઓ ઉડાણપૂર્વક જ્ઞાન અને સમજ પ્રાપ્ત કરી શકે તે માટે વિષયવસ્તુ અનુસાર પ્રોજેક્ટર દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. જેમાં વિષયાનુરૂપ વીડિયો ક્લીપ દર્શાવવામાં આવે છે. ખુશ્બુબેન કહે કે, હું પોતે યોગ બોર્ડ દ્વારા માન્યતા ધરાવનાર યોગ ટ્રેનર છું. એટલે શાળામાં છેલ્લા ત્રણ વર્ષથી નિયમિતપણે શાળા સમય દરમ્યાન યોગાભ્યાસ વિદ્યાર્થીનીઓને કરાવું છું. તાજેતરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી સંદર્ભે તૈયાર કરવામાં આવેલી યોગા વિશેને ડોક્યુમેન્ટરીમાં મારા સહિત સરકારી ગર્લ્સ હાઈસ્કૂલની ૧૦ વિદ્યાર્થીનીઓને સ્થાન આપવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના આઈકોનિક સ્થળોએ યોગાભ્યાસને દ્રશ્યોને દર્શાવવામાં આવ્યાં હતાં.ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ માર્ગદર્શન હેઠળ શિક્ષણની માળખાગત સુવિધાઓ વધારવામાં આવી રહી છે. સાથે વિદ્યાર્થીનીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે માટે નવા આયામો ઉમેર્યાં છે. જેના સારા પરિણામો પણ પ્રાપ્ત થઈ રહ્યા છે.

error: Content is protected !!