જૂનાગઢ શહેર અને જીલ્લાનાં વિવિધ વિસ્તારોમાં ગઈકાલે બીજા દિવસે પણ સાંજે ૬ થી ૮ દરમ્યાન વરસાદ પડયાનો અહેવાલ છે. જૂનાગઢ શહેરમાં સતત બીજા દિવસે એક ઈંચથી વધારે વરસાદ પડી જતા મોસમનો કુલ વરસાદ ૭૮.૪૬ થયો હતો. ગુરૂવારે માત્ર બે કલાકમાં અઢી ઈંચ વરસાદ થયા બાદ ગઈકાલે સાંજે પણ મેઘરાજએ સટાસટી બોલાવી દીધી હતી અને શહેરનાં મોટાભાગનાં વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણડુબ પાણી થયા હતા. આ વર્ષે મેઘરાજા ધીમીધારે વરસી રહ્યા હતા પરંતુ ગઈકાલે મોસમનાં આટલા દિવસો દરમ્યાન પ્રથમવાર કડાકા-ભડાકા સાથે વરસાદ તુટી પડયો હતો. જૂનાગઢ અને સોરઠ પંથકનાં અન્ય વિસ્તારોમાં પણ વરસાદ થયો હતો. મળતા અહેવાલ અનુસાર, મેેંદરડામાં ગુરૂવારે રાત્રીના સમયે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. અને ગોપાલ કૃષ્ણ ગૌશાળા ઉપર વિજળી પડી હતી. અને દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી. સદનસીબે ૮૫ ગાયોનો બચાવ થયો હતો. સરપંચ શરદભાઈ ટીલવા, ઉપસરપંચ ક્રાંતિભાઈ ટીલવા, નરેન્દ્રભાઈ ગોસ્વામી દ્વારા અરજી આપી વળતરની માંગ કરાઈ હતી. ધામળેજમાં પણ મેઘરાજા ધીમીધારે વરસ્યા હતા. જેથી મોલાતને ફાયદો થયો હતો. તેમજ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. આ ઉપરાંત ચોરવાડ પંથકમાં પણ સારો વરસાદ પડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. સુત્રાપાડા પ્રાંચી, ઘંટીયા, ટીંબડી, આલીધ્રા, ટોબરા, ખાંભા, કુંભારીયા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો અને ખેતરો પાણીથી તરબોળ બન્યા હતા. માળિયામાં પણ ૧૫ દિવસના વિરામ બાદ મેઘરાજાનંુ આગમન થયું હતું અને બપોર સુધીમાં ૩૦ એમએમ વરસાદ પડ્યો હતો. મોસમનો કુલ ૭૬૫ મીમી વરસાદ નોંધાયો છે. તાલાલા શહેર ઉપરાંત માધુપુર ગીર, આંકોલવાડી ગીર સહિત મોટાભાગના ગામોમાં ૧ કલાકમાં ૨ ઈંચ વરસાદ વરસ્યો હતો. અને પંથકમાં બીજા દિવસે પણ ભારે વરસાદ થતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર પ્રસરી જવા પામી હતી. આ ઉપરાંત મેંદરડા મધુવંતી ડેમમાં પણ નવા નીરની આવક થઈ હતી.અને ઓવરફ્લો થતા ભાજપના કાર્યકરોએ શ્રીફળ વધેરી, ફુલ પધરાવી વધામણા કર્યા હતા.