જૂનાગઢમાં રસ્તા ઉપર દબાણોનો રાફડો

0

જૂનાગઢ મનપામાં ભાજપનું શાસન ચાલી રહયું છે. શાસનકર્તાઓ દ્વારા વિકાસની પ્રક્રિયાને વેગ આપવામાં આવી રહેલ છે. અને જયાં પણ જરૂર પડી ત્યાં ઉચ્ચકક્ષાએ રજુઆતો પણ થઈ રહી છે. પરંતુ શાસકપક્ષની કામગીરી નકકરપણે દેખાતી નથી તેવી અનેક ફરીયાદો પ્રજામાં રહેલી છે. સમસ્યાથી ઘેરાયેલા જૂનાગઢ શહેરની જાે જટીલ પ્રશ્નોની વાત કરીએ તો તેનો કોઈ અંત જ નથી. અને કોઈ નિરાકરણ નથી. કારણ કે પર્ફેકટ આયોજન થતું નથી અને જેને પરીણામે અનેક પ્રશ્નો અધ્ધરતાલ લટકેલા જાેવા મળે છે. જૂનાગઢ શહેરમાં સૌથી નડતી સમસ્યા જાે કોઈ હોય તો તે રસ્તાઓની તો છે જ. પરંતુ સાથે સાથે ટ્રાફીક સમસ્યા પણ એટલી જ વિકટ છે. આ સમસ્યા હલ કરવા માટેનાં અનેકવાર પ્રયાસો થાય છે. બેઠકો બોલાવવામાં આવે છે. આમ જનતા અને અગ્રણીઓ તેમજ જુદા જુદા વિભાગ અને વરીષ્ઠ નાગરીકોની બેઠકોમાં સુચનો લેવામાં આવે છે. પરંતુ આ સુચનોનું પોટલું બાંધીને પાછા જયાંને ત્યાં જેવી હાલત સર્જાઈ છે. આજે જૂનાગઢ શહેરમાં ટ્રાફીક સમસ્યા બિલાડીનાં ટોપની માફક સતત વધતી રહી છે. અને તેનો ઉકેલ હાલનાં સંજાેગોમાં કોઈ દેખાતો નથી. ખાસ કરીને રસ્તાઓ ઉપરનાં દબાણો જાે દૂર કરવામાં આવે તો ટ્રાફીક સમસ્યા થોડીક હલ થઈ શકે તેમ છે. પરંતુ તેનાં માટે જૂનાગઢ મનપાની દબાણ શાખા દ્વારા નકકર કામગીરીની જરૂરીયાત છે. પરંતુ દબાણ શાખા નકકર કામગીરી કરી શકશે કે કેમ તે પણ મોટો સવાલ છે. આજે જયારે ટ્રાફીક સમસ્યાની વાત કરીએ છીએ તો સૌથી પહેલા એ પણ કહેવું જરૂરી છે કે આજે જૂનાગઢ શહેરમાં આવેલા તમામ મુખ્ય માર્ગો ઉપર શોપીંગ સેન્ટરો, ઈમારતો ઉભી છે. તેમાંથી મોટાભાગની ઈમારતોમાં ગેરકાયદેસર ધોરણે બાંધકામો થયા છે. પાર્કીંગની જગ્યાઓ વહેંચી અને ત્યાં દુકાનો ઉતારી દેવામાં આવી છે. અને આવી બધી જે બજારો છે ત્યાં આવનારા ગ્રાહકો અથવા વેપારીઓનાં વાહન પાર્કીંગ રસ્તા ઉપર જ થતા હોય છે. એક તો જૂનાગઢ શહેરનાં રસ્તાઓ સાંકડા છે અને તેમાંય રસ્તા ઉપર આડેધડ થતાં પાર્કીંગોનાં પરીણામે આ રસ્તાઓ વધુ સાંકડા બની જાય છે. આઝાદ ચોક, પંચહાટડી ચોક, ગાંધી ચોક, બસ સ્ટેન્ડ ચોક, એમજી રોડ, વણજારી ચોક, કાળવા ચોક, મોતીબાગ વિસ્તાર સહિતનાં દરેક વિસ્તારોમાં મુખ્ય માર્ગો ઉપર પસાર થશો તો ઠેકઠેકાણે આડેધડ વાહન પાર્કીંગ તેમજ ખાનગી વાહનો રીક્ષા, લારી-ગલ્લાઓ વગેરેથી રસ્તાઓ ખદબદતા હોય છે. આમ રસ્તા ઉપરનાં ટ્રાફીકનું ભારણ આ ગેરકાયદેસર દબાણોથી પણ સતત વધી રહયું છે. અને ટ્રાફીકની સમસ્યા દિન પ્રતિદિન વધતી જઈ રહી છે. ટ્રાફીક સમસ્યાનાં હલ માટે અનેક પ્રયાસો થયા છે. અને મોંઘા ભાવનાં જુદા જુદા વિસ્તારોમાં ટ્રાફીક સીગ્નલ પણ બેથી ત્રણ વખત નવા બનાવવામાં આવેલ છે. પરંતુ તે શોભાનાં ગાઠીયા સમાન છે. ફીઝીકલી સિગ્નલો શહેરનાં રસ્તા ઉપર કામ કરી શકે તેમ નથી. આતો મોટીમસ રકમનો ખર્ચ કરીને દેખાડો કરાયો છે. ટ્રાફીક પોલીસ ટ્રાફીક સમસ્યાનાં હલ માટે ગેરકાયદેસર દોડતાં વાહનો અને તેનાં ચાલકો સામે કડક કાર્યવાહી કરે છે. ઘણીવાર દંડ પણ ફટકારવામાં આવે છે. પરંતુ સાથે ટ્રાફીકનાં નિયમનનું પાલન કરાવવા જતી વખતે તેમને અન્યોની દખલગીરીનો પણ સામનો કરવો પડતો હોય છે. શહેરનાં સૌથી મોટા એમજી રોડ કે જે મજેવડી દરવાજાથી છેક કાળવા ચોક સુધી એકધારો ટ્રાફીક સતત વહેતો જતો હોય છે. આ એમજી રોડનાં એક કટકાની વાત કરીએ તો આઝાદ ચોકથી જેનીલી શોપીંગ સેન્ટર સુધીનાં રસ્તા ઉપર દિવસમાં અનેકવાર ટ્રાફીક સમસ્યા સર્જાઈ છે. અને ૧૦ થી ૧પ મીનીટ સુધી વાહનોનાં ચકકાજામ થાય છે. ત્યારે આવી જટીલ બનતી સમસ્યાનાં ઉકેલ માટે કોઈ નકકર કામગીરી થતી નથી. અને નાગરીકો તેનો ભોગ બની રહયા છે. આજે રસ્તા ઉપર પગપાળા જવું હોય તો પણ વિચાર કરવો પડે. વાહન ચલાવીને જવું હોય તો સો વાર વિચાર કરવો પડે કારણ કે કયારે કોણ હડફેટે લેશે તે નકકી નથી. વાહન ચાલકો આડેધડ વાહનો ચલાવી રહયા છે. અને જેને કારણે પણ લોકોની સલામતીને જાેખમ ઉભુ થાય છે. રસ્તા ઉપરનાં ગેરકાયદેસર દબાણો ટ્રાફીક સમસ્યાનાં મુળમાં છે. તો બીજી તરફ શહેરનાં અનેક વિસ્તારોમાં આવેલા મુખ્ય માર્ગો ઉપર સવારથી મોડી રાત્રી સુધી મુંગા પશુઓ અડીંગો જમાવીને બેઠેલા છે. અથવા તો રસ્તા ઉપર ટોળાનાં ટોળા નીકળતા હોય છે. અને રાહદારીઓ તેમજ વાહન ચાલકોને અસરકર્તા બને છે. ઘણીવાર ગંભીર સમસ્યા તેને લઈને સર્જાતી હોય છે. આ ઉપરાંત શહેરનાં અનેક વિસ્તારોમાં મુખ્ય માર્ગો જે પરાણે ઠોકી બેસાડવામાં આવેલા છે તેવા ડીવાઈડરોને પણ દૂર કરવાની જરૂર છે. અને તો રસ્તા ઉપર વાહન ચાલકોને વાહન ચલાવવામાં સુગમતા રહે. જૂનાગઢ શહેરનાં તમામ રસ્તાઓ ઉપર તેમજ રાહદારીઓ માટે ખાસ ચાલવા માટેની ફુટપાથો રાખેલી છે તેવી ફુટપાથો ઉપર પણ દબાણોનો રાફડો ફાટેલો છે તો આવા દબાણો કોણ દૂર કરી શકે તેવો સહેજ વિચાર આવે તો રસ્તા ઉપરનાં દબાણો દૂર કરવાની જેઓની નૈતિક ફરજ છે તેવી મનપાની દબાણ શાખા નકકર કામગીરી કરી શકતી નથી. અથવા તો દબાણો દૂર કરવામાં સાવ નિષ્ફળ અને નિષ્ક્રીય હોવાની વ્યાપક ફરીયાદો ઉઠી છે. સમસ્યાથી ઘેરાયેલા આ જૂનાગઢ શહેરમાંથી ટ્રાફીક સમસ્યા દૂર કરવા માટે સૌ પ્રથમ દબાણો દૂર કરવાનું અભિયાન ચલાવવું પડશે. જૂનાગઢનું મનપા તંત્ર અને તેમની દબાણ શાખા રસ્તા ઉપરનાં દબાણો દૂર કરવાની તાકાત મેળવે. પોલીસનો સહયોગ લઈ અને કોઈપણ જાતની શેહશરમ રાખ્યા વિના આવા દબાણો દૂર કરે તે પણ જરૂરી છે. રહી વાત નાના ધંધાર્થીઓનાં વેપાર-રોજગારની તેમજ પેટીયુ રળતા રીક્ષા ચાલકો કે અન્ય લારીવાળાઓની તો તેઓનાં માટે જૂનાગઢ શહેરમાં વિવિધ વિસ્તારોમાં એવી પડતર જગ્યા સરકારની પડેલી છે કે જયાં વ્યવસ્થિત વાહન પાર્કીંગો થઈ શકે. અને વ્યવસ્થિત બજાર પણ ભરાઈ શકે. વાચકોને યાદ હશે કે કોરોના કાળ દરમ્યાન નાના ધંધાર્થીઓ માટે પોલીસ વિભાગ દ્વારા ખાસ પગલા લઈ અને જુદા જુદા વિસ્તારોમાં શાકમાર્કેટોની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. જાે આવી રીતે શહેરનાં વિવિધ વિસ્તારોમાં બજારો તેમજ વાહન પાર્કીંગ માટેની વ્યવસ્થા કરવામાં આવે તો ટ્રાફીક સમસ્યા પ૦ ટકા દૂર થાય. પરંતુ તેનાં માટે મનપા તંત્ર અને તેની દબાણ શાખાએ નકકર કામગીરી કરવી પડશે.

error: Content is protected !!