જૂનાગઢ શહેર જીલ્લામાં તાજીયાનાં ભવ્ય ઝુલુસ નીકળ્યા : હજારો શ્રધ્ધાળુઓ જાેડાયા

0

દાયકાઓની પરંપરા મુજબ જૂનાગઢ શહેર-જીલ્લામાં મહોરમ મનાવવામાં આવે છે. કરબલાનાં ૭ર શહીદોની યાદમાં મુસ્લિમ બિરાદરો દ્વારા સમગ્ર વિશ્વમાં તાજીયા, અલમનાં ઝુલુસ, વાએઝ, શબીલ, ન્યાઝનાં આયોજનો દ્વારા શોક મનાવવામાં આવે છે અને શહીદોને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવે છે. જૂનાગઢ શહેરની પરંપરા મુજબ ગત રાત્રે જૂનાગઢ શહેરમાં સેઝ અને તાજીયાનાં ઝુલુસ નીકળ્યું હતું. જેમાં સેજનાં ઓટા પાસેથી તાજીયાનાં ઝુલુસનો પ્રારંભ થયો હતો. જેમાં સુખનાથ ચોક, જમાલવાડી, ભાટીયા ધર્મશાળા રોડ, ઝાલોરાપા, માંડવી ચોક, દિવાન ચોક, ઢાલરોડ, ચિતાખાના વિસ્તારમાં તાજીયાનાં ઝુલુસ નિકળ્યા હતા. સમગ્ર રાત્રી દરમ્યાન તાજીયાનાં ઝુલુસ રાજમાર્ગો ઉપર રહ્યું હતું અને વહેલી સવારે વંથલી દરવાજા સ્થિત કરબલા ખાતે તાજીયાનું ઝુલુસ કોમી એકતા, ભાઈચારા અને શાંતિનાં સંદેશ સાથે સંપન્ન થયું હતું. તાજીયાનાં સમગ્ર રૂટ ઉપર નયનરમ્ય રોશની, કલાત્મક શબીલોનું આયોજન કરવામાં આવ્યું હતું. જયાં શ્રધ્ધાળુઓ માટે વ્યાપક પ્રમાણમાં ન્યાઝ-પ્રસાદનાં આયોજનો હતા. હુસેની ચોક, નાથીબુ મસ્જીદ ખાતે હુસેનભાઈ માલવીયા અને હુસેની ચોક યંગ કમિટી દ્વારા બનાવવામાં આવેલ સબીલ લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની હતી.
હુસેની ચોક ખાતે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. સુખનાથ ચોક ખાતે દીલદાર યંગ કમિટી દ્વારા ૩પ દેગ ન્યાઝ બનાવી પ હજારથી વધુ શ્રધ્ધાળુઓએ લાભ લીધો હતો. તદઉપરાંત શહેરમાં ઠેર-ઠેર ન્યાઝ-પ્રસાદનાં આયોજનો થયા હતા. તાજીયાનાં ઝુલુસમાં હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ જાેડાયા હતા. જૂનાગઢ શહેરનાં લોકપ્રિય ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ સમગ્ર પોલીસ તંત્રએ સતત ખડેપગે રહી ફરજ બજાવી હતી. તાજીયાનાં ઝુલુસ દરમ્યાન આગેવાનો બટુકભાઈ મકવાણા, રઝાકભાઈ હાલા, અદ્રેમાનભાઈ પંજા, જીસાન હાલેપોત્રા, અસરફભાઈ થઈમ, મુન્નાબાપુ દાતારવાળા, વહાબભાઈ કુશેરી, મહેબુબભાઈ પંજા, લતીફબાપુ કાદરી, ફિરોજ શેખ, રેહાનબાબી, શફીભાઈ સોરઠીયા, સાકીરભાઈ બેલીમ, કાસમભાઈ જુણેજા, સોહીલ સદ્દીકી વિગેરેએ સતત તંત્ર સાથે સંકલન જાળવી ઝુલુસનાં સુચારૂ સંચાલનમાં સહયોગ આપ્યો હતો. વહેલી સવારે ઝુલુસ સંપૂર્ણ શાંતી સાથે સંપન્ન થયું હતું.

error: Content is protected !!