વેરાવળના ઉંબા ઓમનાથ મહાદેવ મંદિરના સાંનિધ્યમાં તાલુકાના હડતાલી તલાટી મંત્રીઓએ પોતાની પડતર માંગણીઓને લઈ ત્રિરંગાયાત્રા કાઢી રાજય સરકારની નિતીને લઈ સુત્રોચ્ચાર પોકારી વિરોધ પ્રદર્શન કર્યુ હતું. છેલ્લા આઠ દિવસથી તલાટી મંત્રીઓ હડતાલ ઉપર હોવાથી પંચાયત કક્ષાની તમામ કામગીરી ઠપ્પ થઈ ગઈ છે. તેમ છતાં સરકારના પેટનું પાણી હલતુ ન હોય તેમ કોઈ ર્નિણય કરી રહી ન હોવાથી તલાટીઓમાં રોષની લાગણી પ્રવર્તેલ છે. તો બીજી તરફ તાલાલા ગીર તાલુકાના ૪૪ ગામના સરપંચો તલાટીઓની હડતાલના સમર્થન આગળ આવીને તંત્રને આવેદનપત્ર પાઠવ્યુ છે. ગઈકાલે વેરાવળ તાલુકામાં આવેલ ઉંબા ઓમનાથ મહાદેવ મંદિર ખાતે પંથકમાં ફરજ બજાવતા ૩૦થી વધુ હડતાલી તલાટી કમ મંત્રીઓએ એકત્ર થઈ હાથમાં રાષ્ટ્રધ્વજ લઈ ત્રિરંગા રેલી કાઢી હતી. જેમાં સમાન કામ, સમાન વેતન, સિનિયોરિટી, જાેબચાર્ટ સહિતના મુદાઓને લઈ સૂત્રોચ્ચાર કરી સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. આ તકે જિલ્લા તલાટી મંત્રી મંડળના ઉપપ્રમુખ હિતેશ રામે તેઓની પડતર માંગણીઓને સરકાર વ્હેલીતકે સ્વીકારી લઈ અમલવારી કરાવે તેવી માંગણી કરી હતી. ગીર સોમનાથ જિલ્લામાં કોડીનાર બાદ તાલાલા ગીર તાલુકાના ૪૪ ગામના સરપંચ અને ઉપસરપંચ સહિત જિલ્લા તાલુકાના ચૂંટાયેલા સદસ્યોએ તલાટી મંત્રીઓની હડતાલના સમર્થનમાં સામે આવ્યા હતા અને સરકારને આ મુદાનો વ્હેલીતકે ઉકેલ લાવવા મામલતદાર મારફતે આવેદનપત્ર આપ્યું છે. જે અંગે તાલાલા તાલુકાના ૪૪ ગામના સરપંચોના પ્રતિનિધિ માલજીજવા ગામના સરપંચ મહેશભાઈ પટાટે જણાવ્યું હતું કે, તલાટી મંત્રીઓની હડતાલના કારણે મોટી સમસ્યાઓ સર્જાઈ રહી છે. ગ્રામ કક્ષાએ આવકના દાખલા, આયુષ્યમાન કાર્ડ સહિતની જરૂરી સામાન્ય નાગરિકોની કામગીરી અટકી પડી છે. આટલું જ નહીં વિકાસના કામો પણ ખોરંભે પડી ગયા છે. માટે સરકાર આ મુદાનો સત્વરે ઉકેલ લાવે તે માટે વિનંતી કરી છે. સાથે જાે વહેલી તકે સરકાર કોઈ નિરાકરણ નહીં લાવે તો સરપંચોને પણ આ આંદોલનમાં જાેડાવાની ફરજ પડશે તેવી અંતમાં ચીમકી પણ ઉચ્ચારી છે. ત્યારે હવે આ મામલાનો ક્યારે ઉકેલ આવશે તે જાેવું રહેશે.