ભાણવડ શહેર ભાજપના પ્રમુખ તેમજ બ્રહ્મ સમાજના અગ્રણી જીતુભાઈ જાેશીના યુવાન પુત્રનું ગત રાત્રે મૃત્યું નિપજ્યાના બનાવે સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે. આ કરૂણ બનાવની વિગત મુજબ ભાણવડમાં રહેતા અને એક ફાર્મા કંપની ચલાવતા રચિત જીતુભાઈ જાેશી નામના ૪૦ વર્ષના યુવાન ગઈકાલે રાત્રે તેમની ફાર્મા કંપનીમાં કામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક જાેરદાર વીજકરંટ લાગતા તેઓ મૂર્છિત હાલતમાં આ સ્થળે ફસડાઈ પડ્યા હતા. જેથી તેને સારવાર અર્થે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ ઉપરના તબીબોએ તેમને મૃત્યું પામેલા જાહેર કર્યા હતા. મિલનસાર સ્વભાવના રચિત જાેશી તેમના પિતા જીતુભાઈ સાથે ફાર્મા કંપની ચલાવતા હતા. એક પુત્રના પિતા એવા રચિતભાઈ જાેશીના અકાળે નિધન થયાના સમાચારે સમગ્ર બ્રહ્મ સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રસરાવી હતી. આજે બપોરે ૧૧ વાગે ભાણવડ પાલિકામાં સત્તાધારી કોંગ્રેસ જૂથ દ્વારા ચીફ ઓફિસરની ગેરહાજરીના મુદ્દે તાળાબંધીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પરંતુ આ કરૂણ બનાવને ધ્યાને લઈ, ઉપરોક્ત કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે ભાણવડ પોલીસે જરૂરી નોંધ કરી, કાર્યવાહી કરી હતી.