શ્રાવણી પુનમનાં પાવન અવસરે યાત્રાધામ દ્વારકા ખાતે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા હતાં. અને ગોમતી સ્નાન કરી કાળિયા ઠાકોરનાં દર્શન કરી ભારે ભાવવિભોર બની ગયા હતાં. ભગવાનશ્રી દ્વારકાધીશનાં જગત મંદિરમાં પુજારી કપીલભાઈ ઠાકર તથા સમસ્ત પુજારી પરીવાર દ્વારા કાળિયા ઠાકોરને શાસ્ત્રોકત પરંપરા અનુસાર વિશેષ સ્નાન કરાવી મંત્રોચ્ચાર સાથે જનોઈ ધારણ કરાવવામાં આવેલ હતી. શાસ્ત્રોમાં પણ યજ્ઞોપવિત ધારણ કરવાનું વિશેષ મહત્વ રહેલું છે અને વર્ષોપર્યંતની પરંપરાને હાલમાં પણ જ્ઞાતિનાં પરીવારો દ્વારા જાળવી રાખવામાં આવેલ છે. દર પુનમ ભરવા આવતા ભાવિકો જગત મંદિરમાં બળેવ પુનમનાં કાળિયા ઠાકોરનાં ઉત્સવ દર્શનનો લાભ લઈ ભારે ભાવવિભોર બન્યા હતા અને ધન્યતા અનુભવેલ હતી.