ગુજરાતના મહિલા સ્વાતંત્ર્ય સેનાની ભક્તિબા દેસાઈ

0

આઝાદ ભારતના ૭૫ વર્ષના ઐતિહાસિક સમયગાળાનો સાક્ષાત્કાર કરવા “આઝાદીના અમૃત મહોત્સવ”ની ઉજવણીના સાક્ષી બની શકયા છીએ. ૧૫મી ઓગષ્ટનો દિવસ દેશ-વિદેશમાં વસતાં પ્રત્યેક ભારતીય માટે પવિત્ર અને ગર્વનો દિવસ છે. રાષ્ટ્રીય ગૌરવના આ શુભ અવસરે આપણને સૌને આઝાદી અપાવનારા લડવૈયાઓ અને સ્વાતંત્ર્ય સેનાનીઓને આપણે કઈ રીતે ભૂલી શકીએ જેમણે સ્વાતંત્ર્ય સંગ્રામમાં અસાધારણ યોગદાન સાથે તમામ પ્રતિકૂળતાનો સામનો કરતી વખતે અખૂટ હિંમત અને અડગ નિશ્ચયનાં જ્વલંત ઉદાહરણ આપ્યા. લાખો લડવૈયાઓએ આઝાદી મેળવવા માટે લોહી-પાણી એક કર્યા. આ આઝાદી આપણા પૂર્વજાે અને સન્માનનીય સ્વાતંત્ર્ય સેનાનીઓના વર્ષોના ત્યાગ અને વીરતાનું પરિણામ હતી. સ્વતંત્રતા સંગ્રામમાં સંઘર્ષ કરનાર સૌ વીર અને વીરાંગનાઓ, અસાધારણ સાહસ અને દૂરંદેશી ધરાવતા હતા. ૧૫મી ઓગષ્ટ એટલે પૂર્વજાેના યોગદાન પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ મહિલાઓની આપણા સમાજમાં એક વિશેષ ભૂમિકા છે. આઝાદીની આ ચળવળમાં મહિલાઓએ પણ પુરૂષ સમોવડી બનીને ખભેખભા મિલાવીને મહત્વની ભૂમિકાઓ અદા કરી હતી. મા ભારતીના વીર સપૂતો, વીરાંગનાઓ, સ્વાતંત્ર્ય સેનાનીઓનો ઈતિહાસ દેશના ખૂણે ખૂણે, ગામે ગામ છે. જેમાં આજે વાત કરવી છે, મૂળ ગુજરાતનાં ભારતીય સ્વાતંત્ર્ય ચળવળના મહિલા સ્વાતંત્ર્ય સેનાની એવા ભક્તિબા દેસાઈની. ભક્તિબાનો જન્મ ૧૬ ઓગષ્ટ, ઈ.સ.૧૮૯૯માં ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ગામે થયો હતો. તેઓ લીંબડીના દીવાન ઝવેરભાઈ અમીન અને દીવાળીબેનના પુત્રી હતાં. “નામ એવા જ ગુણ” રાજદરબારમાં ઉછરેલ હોવા છતાં બાળપણથી જ આધ્યાત્મિક એવા ભક્તિબાના જીવનમાં ધાર્મિક સંસ્કારોનું મૂલ્યવાન પ્રદાન હતું. ઈ.સ.૧૯૧૩માં ઢસા-રાયસાંકળી-વસોના દરબાર અને ભારત સાથે સ્વેચ્છાએ અને બિનશરતી વિલિનીકરણમાં સહમતી આપનારા ૫૫૦ રજવાડામાંના પહેલા રાજા એવા ગાંધીવાદી ગોપાળદાસ અંબઈદાસ દેસાઈ સાથે લગ્ન થયા. દરબાર ગાંધીજીની લડતમાં જાેડાયા. ભક્તિબા પણ રાજરાણીનો શણગાર ત્યજીને રાષ્ટ્રીય સ્વયંસેવિકા બની ગયા. ઈ.સ.૧૯૨૧થી ગાંધીજીની અસહકારની ચળવળમાં તેમજ બોરસદની લડતમાં જાેડાયા. તે દરમ્યાન રાષ્ટ્રીય મહાસભા(કોંગ્રેસ)ના અમદાવાદ ખાતેના અધિવેશનમાં તેમણે સક્રિય ભાગ ભજવ્યો હતો. ઈસ.૧૯૨૩ના બોરસદ સત્યાગ્રહ અને નાગપુરના ધ્વજ સત્યાગ્રહમાં તેઓએ ભાગ લીધો હતો. ઈ.સ.૧૯૨૮ના બારડોલી સત્યાગ્રહમાં શરૂઆતમાં સ્ત્રીઓ આગળ આવવા શરમ અનુભવતી હતી. ભક્તિબાએ મણિબેન પટેલ અને મીઠુબેન પેટીટ સાથે મળીને આવી સ્ત્રીઓને આગળ આવવા પ્રેરણા આપી હતી. ધીમે ધીમે આગળ જતા સ્ત્રીઓની સંખ્યા પુરૂષો કરતાં પણ વધી ગઈ. બોરસદની છાવણીનું સફળ સંચાલન કર્યું. ઈ.સ.૧૯૩૦ની મીઠાની લડત વખતે દારૂ તેમજ વિદેશી માલ વેંચનારી દુકાનો ઉપર પિકેટિંગ કરતાં પકડાયા હતા અને જેલવાસ ભોગવવો પડ્યો હતો. ઈ.સ.૧૯૪૨માં “હિન્દ છોડો” લડતમાં જાેડાતાં તેમને ૧૧ વર્ષની જેલ પણ થઈ હતી. ભક્તિબાએ જુદી-જુદી લડતોમાં ભાગ લેતા કુલ સાડા ત્રણ વર્ષ જેલવાસ ભોગવ્યો. ભક્તિબા સેવા, નીડરતા અને ત્યાગનો ત્રિવેણીસંગમ હતા. દેશસેવામાં કુટુંબની તેમ જ પોતાના નાના બાળકોની પણ ચિંતા નહોતી કરી. ભક્તિબા હરહંમેશ દરેકને મદદ કરવા તત્પર રહેતાં. રાયસાંકળીના દરબારગઢને એન્જસીએ સીલ મારેલા ત્યારે નીડર અને બાહોશ ભક્તિબાએ કોશ લઈને સીલ તોડીને એકલા રહીને બહાદુર વીરાંગનાનો પરિચય કરાવ્યો હતો. લીંબડીની લડત વખતે રાજ્ય તરફથી સિતમોની ઝડી વરસતી હતી ત્યારે રાજ્યે ઉભી કરેલ ગુંડા ટોળીઓનો સામનો કરવા તેમની વચ્ચે જઈને ઉભા રહ્યા હતા. જે લીંબડી રાજ્યમાં તેઓ મોટા થયા હતા તે જ રાજ્યમાં અન્યાયો સામે લડવામાં પણ પાછી પાની કરી નહોતી. ચૂંટણી સમયે પોતાના વડીલ બંધુ કોંગ્રેસની સામે ઉભા હતા ત્યારે તેમની સામે પણ પ્રચાર કરતાં તેઓ ખચકાયા નહિ. તેઓ સત્યનિષ્ઠ, ર્નિભય અને તપસ્વી પ્રેરણામૂર્તિ બની રહ્યાં. ઈ.સ.૧૯૪૨ની આઝાદીની લડત પછી દરબાર દંપતી રાજકોટમાં આવ્યા અને સમાજ સેવા કરવા લાગ્યાં. તેમણે કન્યા કેળવણી ક્ષેત્રે કાર્ય હાથ ધર્યું અને તેમના માર્ગદર્શન હેઠળ પૂતળીબા ઉદ્યોગ મંદિર(રાજકોટ), વલ્લભ કન્યા કેળવણી મંદિર અને વિઠ્ઠલ કન્યા વિદ્યાલય(નડિયાદ) સહિતની ગુજરાતભરની વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. તેઓ ખેડા જીલ્લાના સ્કૂલ બોર્ડમાં સભ્ય હતાં. ઈ.સ.૧૯૫૧માં તેમના પતિ ગોપાળદાસ અંબઈદાસ દેસાઈના અવસાન બાદ પણ તેમણે સમાજસેવાના કાર્યો અવિરતપણે ચાલુ રાખ્યાં. ઈ.સ.૧૯૫૪માં તેમણે સાતેક માસનો આફ્રિકાનો પ્રવાસ કરી સાડા ત્રણ લાખનું ભંડોળ સમાજસેવા માટે એકત્ર કર્યું. ઉછરંગરાય નવલશંકર ઢેબર – ઢેબરભાઈ પોતાને દરબાર સાહેબના છઠ્ઠા પુત્ર તરીકે ઓળખાવતા. ઈ.સ. ૧૯૫૪માં ઢેબરભાઈ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ બન્યા અને દિલ્હી ગયા, તેમની સંભાળ લેવા ભક્તિબા પણ દિલ્હી ગયાં. પિતૃગૃહે તથા શ્વસુરગૃહે ગર્ભ શ્રીમંત હોવા છતાં વૈભવવિલાસ છોડી સાદગીપૂર્ણ જીવન જીવ્યા. ગાંધી વિચારોને અનુસરી, સ્વઆચરણથી ગાંધીજીના રચનાત્મક કાર્ય કરી ગાંધી વિચારોને સાર્થક કરી બતાવ્યા હતા. તેમણે પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રને સમર્પિત કરીને સામાજિક ક્ષેત્રે પડદા પ્રથા, દહેજ પ્રથા, ધાર્મિક-અંધશ્રદ્ધાઓ, દારૂનું વ્યસન, ચોપાટ રમતની અતિરેકતા વગેરે જેવા સામાજિક દુષણોને નાબૂદ કરવાના પ્રયાસો કર્યા અને સામાજિક સુધારણાની દિશામાં પહેલ કરી. ઉપરાંત, સમાજમાં કચડાયેલા, દબાયેલા એવા દલિતોના ઉત્થાન માટે પણ તેમણે ઉત્કૃષ્ટ પ્રયત્ન કર્યા હતા. સામાજિક સુધારણાની સાથોસાથ તેમણે, પુસ્તકાલય પ્રવૃતિ વગેરે શૈક્ષણિક વિકાસ દ્વારા સમાજનું નવસર્જન કરવાનો પ્રયાસ કર્યો હતો. આમ, ગુજરાતના આ નારી રત્નનું સમાજસુધારણા ક્ષેત્રે અથાગ પુરૂષાર્થ અને સામાજિક ઉત્થાનમાં અનેરૂ પ્રદાન છે. શિક્ષણ ક્ષેત્રે અભૂતપૂર્વ ખેડાણ કરનાર ભક્તિબા ૧૪ માર્ચ, ૧૯૯૪ના દિવસે વસો ખાતે દુઃખદ અવસાન પામ્યાં. ભક્તિબાની સેવાઓને બિરદાવતા ભારત સરકારે રાજકોટના એક રેલ્વે સ્ટેશનનું નામકરણ “ભક્તિનગર” કર્યું હતું. ભક્તિનગર રેલ્વે સ્ટેશને ભક્તિબાની યાદ કાયમ માટે જીવંત રાખી છે. ત્યાગ-તપશ્ચર્યાને કારણે તેઓ “ભક્તિબા”નું બિરૂદ પામ્યાં હતા. ભક્તિબાનું જીવનસૂત્ર હતું, “આપણે લાખોને મદદરૂપ થઈ શકીએ એવી આપણી સ્થિતિ નથી, પરંતુ લાખોને માટે કામ કરનાર વ્યક્તિને મદદરૂપ થઈ શકીએ તો લાખોને સાચવ્યા બરાબર છે. આંખમાં મૃત્યું જાેવાની તેમની હિંમત, માતૃભૂમિ પ્રત્યેનો તેમનો તીવ્ર પ્રેમ – “કોમલ હૈં, કમજાેર નહીં તું. શક્તિ કા નામ હી નારી હૈપ” શબ્દો તાદૃશ કરે છે. પોતાની જાત, ઘર, પરિવાર, ધન-સંપત્તિ સહિત સર્વસ્વ માભોમને ચરણે નિઃસ્વાર્થ ન્યોચ્છાવર કરનાર કાબેલ નેતૃત્ત્વ ધરાવનાર ભક્તિબા દેસાઈનું જીવન ચરીત્ર સૌને પ્રેરણા આપનારૂ છે. કઈ રીતે ભૂલી શકીએ આપણા ભારત દેશને આઝાદ કરવા અગણિત સ્વાતંત્ર્ય સેનાનીઓએ કુરબાની આપી છે. આજના દિવસે આ તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓને ભાવપૂર્ણ નમન.

error: Content is protected !!