અમદાવાદનું જડેશ્વર વન રાજ્યનું પહેલું એવું વન છે જે ‘ડમ્પિંગ સાઇટ’ ઉપર નિર્માણ પામ્યું

0

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલું જડેશ્વર વન રાજ્યનું પહેલું એવું વન છે જે ‘ડમ્પિંગ સાઇટ’ ઉપર નિર્માણ પામ્યુ છે. ઓઢવમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્બેજ કલેક્શન સેન્ટરની નજીક ૮.૫ હેક્ટર વેસ્ટ લેન્ડ કે જ્યાં પહેલા આસપાસના વિસ્તારનો કચરો ડમ્પ કરવામાં આવતો હતો. આ ૮.૫ હેક્ટરનો પ્લોટ વન વિભાગને વૃક્ષારોપણ કરી ડેવલપ કરવા માટે ફાળવવામાં આવ્યો હતો, જ્યાં વન વિભાગ દ્વારા વર્ષ ૨૦૧૯માં ‘જડેશ્વર સાંસ્કૃતિક વન’નું નિર્માણ કરવામાં આવ્યું છે. આજે જડેશ્વર વન અમદાવાદ શહેર માટે જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં નમૂનેદાર વન બન્યુ છે. આ અંગે વાત કરતા અમદાવાદના નાયબ વન સંરક્ષણ સમાજીક વનીકરણ વિભાગના ડો શ્રી સક્કીરા બેગમે જણાવ્યુ હતું કે, જડેશ્વર સાંસ્કૃતિક વન એ અમદાવાદ શહેરની મધ્યમમાં વન વિભાગ દ્વારા બનાવામાં આવેલું પ્રથમ સાંસ્કૃતિક વન છે. વન વિભાગની મહત્વની સિદ્ધિ અંગે વાત કરતા તેમણે કહ્યું કે, જડેશ્વર વન દેશનું પ્રથમ એવું વન છે જેના ઉપર વન વિભાગે પોસ્ટલ ડિપાર્ટમેન્ટની મદદથી સ્પેશિયલ કવર પણ લોન્ચ કર્યું છે. આ સાંસ્કૃતિક વન આ વિસ્તારના લાકો માટે ફરવાનું સ્થળ બની રહે તે માટે ડમ્પિંગ યાર્ડમાંથી એસેટ બનાવવાના હેતુથી બનાવવામાં આવ્યું છે. આ સાંસ્કૃતિક વનમાં વાવેલા વૃક્ષો અને ફૂલછોડ થકી એક અંદાજ મુજબ ૫ વર્ષમાં ૧૪૦.૩૦ ટન અને ૧૦માં વર્ષે ૧૮૮.૪૦ ટન જેટલો કાર્બન શોષાવાનો અંદાજ છે. આમ, આ સાંસ્કૃતિક વન આ વિસ્તારના ફેફસાના રૂપે કાર્ય કરે છે સાથો-સાથ આટલી મોટી માત્રમાં આવેલા વૃક્ષો થકી આ વિસ્તારમાં પાણીનું જમીનમાં ઉતારવાની પ્રક્રિયાને વેગ મળશે. જડેશ્વર વન વિશે વધુમાં શ્રી સક્કીરા બેગમે કહ્યું કે, આ પ્લોટમાં આશરે વિવિધ પ્રજાતિના વૃક્ષો તેમજ ફૂલછોડ અને અન્ય ક્ષૃપ પ્રકારની વનસ્પતિ સાથે કુલ ૨,૮૫,૯૮૬થી વધારે ફૂલછોડ અને વૃક્ષો વાવવામાં આવ્યા છે. અહિં વિવિધ ૨૨ બ્લોકમાં જુદી જુદી જાતના જુદા જુદા રંગના દરેક ઋતુમાં ફૂલો આપતાં વૃક્ષો વાવેતર કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, તેનો આનંદ લેવા તેની વચ્ચે આશરે ૪.૫ કીમી લાંબા વોકિંગ ટ્રેઇલનું નિર્માણ પણ કરાયું છે.
ખાસ વિશેષતાઓ
૧ કિ.મી લાંબા વોકિંગ ટ્રેક અને જાેગિંગ ટ્રેકની સુવિધા, આ સાંસ્કૃતિક વનમાં આશરે ૧.કિ.મી લાંબા વોકિંગ ટ્રેક અને જાેગિંગ ટ્રેકની સુવિધા ઊભી કરવામાં આવી છે. જ્યાં બને તરફ દર ૧૦૦ મીટર પર વિવિધ ઋતુઓમાં જુદા-જુદા રંગના ફૂલોથી શોભતા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે, કમળકુંડ આકર્ષણનું કેન્દ્ર, આ જડેશ્વર વનમાં એક કમળકુંડ બનાવવામાં આવ્યું છે, જે લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ કમળકુંડ કમળના ફૂલોથી સુશોભિત રહે છે, તેના ઉપર કમાન આકારના એક ઝુલતા પુલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સાંસ્કૃતિક વનમાં બેઠક વ્યવસ્થા માટે બે વનકુટીર બનાવવામાં આવી છે. લોકોને શહેરની વર્ષા વનનો અનુભવ માણવા માટે એક મીસ્ટ ફોરેસ્ટ પણ બનાવવામાં આવ્યુ છે, જેથી અંદર ચાલવાનો આનંદ અહી આવનાર તમામ લોકો માણી શકે, પ્રવેશ દ્વાર ઉપર બે એલ.ઇ.ડી. ડિસ્પ્લે, જડેશ્વર વનના મુખ્ય પ્રવેશદ્વારની સામે એક તથા કમળકુંડ પાસે એક એમ કુલ બે એલ.ઇ.ડી. ડિસ્પ્લે મૂકવામાં આવી છે. જેના માધ્મયથી રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ પ્રજાજનો સુધી સહેલાઇથી પહોંચાડી શકાય છે, વિઝટર્સ માટે એક્ટિવિટી એરિયા પણ આકર્ષણનું કેન્દ્ર, આ વનમાં બનાવવામાં આવેલ એક્ટિવિટી એરિયા આ વિસ્તારના પ્રજાજનોને વિવિધ રચનાત્મક પ્રવૃતિ માટે એક પ્લેટફોર્મ પુરૂ પાડશે. વન વિભાગના જન જાગૃતિના વિવિધ કાર્યક્રમો પણ અહિં કરવામાં આવે છે. મેડિટેશન કેન્દ્રમાં થતા યોગને ધ્યાનના કાર્યક્રમો થકી લોકોનું આરોગ્ય અને સુખાકારીમાં વધારો થશે, ઓર્ગેનિક નર્સરી પણ જાેવા મળશે, આ વનમાં આવતા લોકોને સમયાંતરે રોપ વિતરણ કરવામાં માટે એક ઓર્ગેનિક નર્સરી બનાવવામાં આવી છે. જ્યાંથી જુદી જુદી જાતના રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું છે. આ વનમાં ઉત્પન્ન થતાં તમામ જૈવિક કચરામાંથી ખાતર બનાવવા માટે એક કોમ્પોસ્ટ પીટનું નિર્માણ કરવામાં આવ્યું છે.
અન્ય સુવિધાઓ
આ વનમાં આવતા વિઝટર્સ માટે અન્ય સુવિધાઓ જેમ કે પાર્કિંગ સુવિધા, પીવાના પાણીની વ્યવસ્થા, ઇ-ટોઇલેટ તેમજ સામાન્ય ટોઇલેટ્‌સ વગરે અહીં ઊભા કરવામાં આવ્યા છે, ૨૦૨૧ સુધીમાં રાજ્યમાં કુલ ૨૧ સાંસ્કૃતિક વનનું નિર્માણ થયુ, દેશની વનસંપદા અને વૃક્ષોની સંખ્યામાં વધારો થાય તેવા ઉમદા હેતુસર ગુજરાત રાજ્યના સ્થાપના કાળથી રાજ્ય સ્તરીય વન મહોત્સવ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં દર વર્ષે ઉજવાતો હતો. પરંતુ દેશના દીર્ધદૃષ્ટા વડાપ્રધાન અને રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્ય સ્તરીય વન મહોત્સવ માત્ર પાટનગરમાં જ સિમીત ન રાખતા રાજ્યના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ધામિક દૃષ્ટિએ અગત્યતા ધરાવતા રાજ્યના જુદા જુદા સ્થળોએ ઉજવવાની શરૂઆત વર્ષ ૨૦૦૪થી કરી અને આ સાથે ઉજવણી સ્થળે સાંસ્કૃતિક વન સ્થાપનાની એક નવી પહેલ અને પરંપરા શરૂ થઇ. આ પરંપરાને આગળ લઇ જતા વર્ષ ૨૦૨૧ સુધીમાં રાજ્યમાં કુલ ૨૧ સાંસ્કૃતિક વનનો સ્થાપના કરવામાં આવી છે. સૌ પ્રથમ ગાંધીનગર ખાતે વર્ષ ર૦૦૪માં પ્રથમ સાંસ્કૃતિક વનનું નિર્માણ કર્યું અને તે આજે પુનિત વન તરીકે ઓળખાય છે. ત્યારબાદ વર્ષ ર૦૦પ માં બનાસકાંઠા જીલ્લાના અંબાજી ખાતે ‘‘માંગલ્ય વન’’, વર્ષ ર૦૦૬ માં મહેસાણા જીલ્લાના તારંગા ખાતે ‘તીર્થંકર વન’, વર્ષ ર૦૦૭માં ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે ‘હરિહર વન’, વર્ષ ર૦૦૮માં સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા ખાતે ‘ભકિત વન’, વર્ષ ર૦૦૯માં સાબરકાંઠા જીલ્લાના શામળાજી ખાતે ‘શ્યામલ વન’, વર્ષ ર૦૧૦માં ભાવનગર જીલ્લાના પાલીતાણા ખાતે ‘પાવક વન’, વર્ષ ર૦૧૧માં વડોદરા જીલ્લાના પાવાગઢ ખાતે ‘વિરાસત વન’, વર્ષ ર૦૧રમાં મહિસાગર જીલ્લાના માનગઢ ખાતે ‘ગોવિંદગુરૂ સ્મૃતિવન’ વર્ષ ૨૦૧૩માં દેવભૂમિ દ્વારકા જીલ્લાના દ્વારકા ખાતે ‘નાગેશ વન’, વર્ષ ૨૦૧૪માં રાજકોટ જીલ્લાના કાગવડ ખાતે ‘શક્તિ વન’ વર્ષ ૨૦૧૫માં નવસારી જીલ્લાના ભીનાર ખાતે ‘જાનકી વન’, વર્ષ ૨૦૧૬માં આણંદ જિલ્લાના વહેરાખાડી ખાતે ‘મહિસાગર વન’, વર્ષ ૨૦૧૬માં વલસાડ જીલ્લાના કપરાડા ખાતે ‘આમ્રવન’, વર્ષ ૨૦૧૬માં સુરત જીલ્લાના બારડોલી ખાતે ‘એક્તા વન’, વર્ષ ૨૦૧૬માં જામનગર જીલ્લાના ભૂચરમોરી ખાતે ‘શહીદ વન’, વર્ષ ૨૦૧૭માં સાબરકાંઠા જીલ્લાના વિજયનગર ખાતે ‘વીરાંજલી વન’, વર્ષ ૨૦૧૮માં કચ્છ જીલ્લાના ભુજ તાલુકા ખાતે ‘રક્ષક વન’, વર્ષ ૨૦૧૯માં અમદાવાદના ઓઢવ ખાતે ‘જડેશ્વર વન’, વર્ષ ૨૦૨૦માં રાજકોટ ખાતે ‘રામવન વન’, વર્ષ ૨૦૨૧માં વલસાડ જીલ્લાના ઉમરગામ ખાતે ‘મારૂતિવંદન વન’નું નિર્માણ થયું છે. આ વર્ષે ૨૦૨૨માં સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકા ખાતે ‘વટેશ્વર વન’નું નિર્માણ થશે.

error: Content is protected !!