ભેંસાણ તાલુકાનાં પરબવાવડી ગામે ગેરકાયદેસર મંડળી રચી તલવાર-પાઈપ વડે હુમલો : પોલીસ ફરિયાદ

0

ભેંસાણ તાલુકાનાં પરબવાવડી ગામે ગેરકાયદેસર મંડળી રચી અને તલવાર-પાઈપ વડે હુમલાનો બનાવ બનેલ છે. બંને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવી છે. આ બનાવ અંગે રાજેશભાઈ જીવારાજ મોવલીયા(ઉ.વ.૪૩) રહે.પરબવાવડી વાળાએ સુરેશભાઈ શેખવા રહે.ઉમરાળી, પ્રતાપભાઈ નનકુભાઈ ધાધલ રહે.પરબવાવડી, યુવરાજભાઈ ધાધલ રહે.ભેંસાણ, સતુભાઈ ભરતભાઈ શેખવા, પ્રકાશભાઈ રહે.ઉમરાળી તથા દશેક માણસો વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામનાં આરોપી સુરેશભાઈ શેખવાએ ફરિયાદીએ ફોનમાં ધમકી આપી હતી અને મારા ધંધામાં કેમ આડો આવે છે તેમ કહી આરોપી નં.૧ થી પ તથા અજાણ્યા દશેક માણસો ૩ ફોરવ્હીલ કારમાં ફરિયાદીનાં ઘર પાસે આવી અને આરોપી નં.૧નાંએ લોખંડનો પાઈપ મારી ઈજા કરેલ તેમજ ફરિયાદીની પત્ની વચ્ચે પડતા તેને પણ માર મારેલ તેમજ સાહેદને પણ માર માર્યો છે. ઉપરાંત આરોપી નં.૧ તથા પનાઓએ ફરિયાદીની પત્ની ઉપર હુમલો કરેલ અને આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી તલાવર તેમજ લોખંડનાં પાઈપ અને લાકડી વડે માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે. જયારે આ જ બનાવનાં અનુસંધાને સુરેશભાઈ ભીખુભાઈ શેખવા(ઉ.વ.૩૪) રહે.ઉમરાળી વાળાએ રાજેશભાઈ મોવલીયા, રાજેશભાઈનાં પત્ની કંચનબેન, જયશેભાઈ સાકરીયા તથા અજાણ્યા ચાર શખ્સો વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામનો આરોપી નં.૧ વ્યાજવટાવનો ધંધો કરતો હોય અને તેમાં ફરિયાદીનું ખોટું નામ વટાવતો હોય જેથી ફરિયાદીએ આરોપી નં.૧ને સમજાવવા ફોન કરતા આરોપીએ બિભત્સ શબ્દો કહેલ અને આ બાબતનું સમાધાન કરવા માટે ફરિયાદી તથા સાહેદો આરોપી નં.૧નાં ઘર પાસે જતા આરોપી નં.૧નાંએ ફરિયાદીને તલવારનો એક ઘા મારી તેમજ અન્યએ સાહેદને ધારીયા વડે ઈજા પહોંચાડેલ તેમજ ફરિયાદી તથા સાહેદને ફેકચર કર્યું તેમજ અજાણ્યા માણસોએ ઢીકાપાટુનો માર મારી આરોપીઓ ગેરકાયદેસર મંડળી રચી તલવાર તથા લોખંડનાં ધારીયા તથા પાઈપથી હુમલો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા ભેંસાણ પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે.

માણાવદર : ટ્રકે મોટરસાઈકને હડફેટે લેતા મૃત્યું
માણાવદરનાં બહારપરા, વણકરવાસ ખાતે રહેતા શામજીભાઈ ઉગુભાઈ પરમાર(ઉ.વ.પ૦)એ ટ્રક નં. જીજે-૧૮-એકસ-૯૮૮રનાં ચાલક વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, આરોપીએ પોતાનાં હવાલાનો ટ્રક બેફીકરાઈથી ચલાવી અને ફરિયાદીનાં ભાઈ કિશોર ઉગાભાઈ પરમાર(ઉ.વ.૩૭) તેનાં મોટરસાઈકલ નં. જીજે-૩-ઇકે-૯૭૩૧ વાળા સાથે ભટકાવી અને તેને શરીરે ગંભીર ઈજા પહોંચાડતા ફરિયાદીનાં ભાઈનું મૃત્યું થયું છે. આ બનાવ અંગે ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે.

જૂનાગઢ સહિત વિવિધ સ્થળોએ પોલીસનાં જુગાર અંગે દરોડા
જૂનાગઢ શહેરમાં માંગનાથ રોડ, માઢસ્ટ્રીટ ખાતે રહેતા હરેશભાઈ બચુભાઈ પોતાનાં રહેણાંક મકાને ચીન્મય એપાર્ટમેન્ટ, પહેલા માળે, બ્લોક નં.૧૦ર ખાતે બહારથી માણસો બોલાવી અને જુગાર રમાડતા હોવાની બાતમીનાં આધારે એ ડીવીઝન પોલીસે જુગાર અંગે દરોડો પાડતા ૬ મહિલા સહિત ૮ને રૂા.ર૦,૧૪૦ની રોકડ, નાલનાં પૈસા રૂા.૧,૬૩૦ મળી કુલ રૂા.ર૧,૭૭૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેમનાં વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. જયારે એ ડીવીઝન પોલીસે બેંક ઓફ બરોડાની સામે ગલીમાં જુગાર અંગે દરોડો પાડતા જાહેરમાં જુગાર રમતા બે મહિલા સહિત ૪ને કુલ રૂા.૧૬,૧૦૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ છે. આ ઉપરાંત બિલખા પોલીસે માંડણપરા ગામે જુગાર અંગે દરોડો પાડતા ૯ શખ્સોને રૂા.૧૭,રપ૦નાં મુદ્દામાલ સાથે જુગાર રમતા જડપી લીધા છે. આ ઉપરાંત કેશોદનાં બાલાગામેથી જાહેરમાં જુગાર રમતા ૯ શખ્સોને રૂા.૩૦,૦૯૦ની રોકડ સાથે ઝડપી લેવામાં આવેલ છે. આ ઉપરાંત વંથલી ગામનાં સાતલપુર ગામની ગારી તરીકે ઓળખાતા વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમતા ૪ શખ્સોને રૂા.૪,૭૯૦નાં રોકડ મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેમનાં વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

અજાબ નજીક ભાદરડી નદીનાં પુલ ઉપરથી પડી જતા ડુબી જતા મોત
કેશોદ તાલુકાનાં કરેણી ગામે રહેતા નાનસીંગ બીયાભાઈ બરેલા(ઉ.વ.૩૬) પોતાનાં કબ્જાની મોટરસાઈકલ એચએફ ડીલકસ નં. એમપી-૪૬-એમવી-રર૬૮ ચલાવી કરેણી ગામ જતા હતા. દરમ્યાન અજાબ ગામ પાસે આવેલ ભાદરડી નદીનાં વોકળાનાં પુલ ઉપરથી મોટરસાઈકલ સાથે વોકળામાં ભરેલા પાણીમાં ડુબી જતા તેનું મૃત્યું થયું છે.

error: Content is protected !!