જૂનાગઢ સહિત સર્વત્ર ભારતની આઝાદીનાં વર્ષની એટલે કે સ્વાતંત્ર્ય પર્વની આજે ૧પમી ઓગસ્ટનાં દિવસે ગુજરાત સહિત દેશભરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. આઝાદીનાં અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાતમાં ઘર ઘર તિરંગાનો નારો ઉઠયા બાદ આજે સ્વાતંત્ર્ય પર્વે ધ્વજવંદનનાં કાર્યક્રમો યોજાયા હતાં. જૂનાગઢ જીલ્લાનાં કેશોદ ખાતે જીલ્લાકક્ષાનાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત આજે રાજયકક્ષાનાં મંત્રી અરવિંદભાઈ રૈયાણીનાં હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. આ ઉપરાંત પરેડ સલામી, માર્ચપાસ્ટ તેમજ રાષ્ટ્રીય ગાન અને સ્વાતંત્ર્ય સેનાનીઓનુ ંસન્માન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો બાદ વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજાયો હતો. મંત્રી અરવિંદભાઈ રૈયાણીએ આજનાં આ દિવસે સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરી તેમને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતાં. તેમજ ગુજરાતની વિકાસ યાત્રા અને સરકારની વિવિધ યોજનાઓ અંગે જાણકારી આપી હતી.