નેશનલ હાઈવે ઓથોરિટીના ચાલી રહેલા માર્ગોના કામ અને હયાત રસ્તાઓના મરામત કાર્ય સમયમર્યાદામાં પૂર્ણ કરવા માર્ગ-મકાન મંત્રીએ આપ્યા કડક આદેશ

0

સૌરાષ્ટ્રના પ્રવાસે આવેલા રાજ્યના માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ ભારે વરસાદના પગલે અસર પામેલા રસ્તાઓનું ચાલુ વરસાદે પણ પેચવર્ક-ખાડા પૂરવાની કામગીરી અવિરતપણે ચાલુ રાખવા અને સમયમર્યાદામાં પૂર્ણ કરવા માટે સંબંધિત અધિકારીઓને સ્પષ્ટ નિર્દેશ આપ્યા હતા. જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતેની બેઠકમાં પૂર્ણેશભાઈ મોદીની અધ્યક્ષતામાં સૌરાષ્ટ્ર ઝોનના રોડ રસ્તાના કામોની સમગ્રલક્ષી સમીક્ષા કરવામાં આવી હતી. ખાસ કરીને મંત્રીએ વરસાદી સિઝનમાં રસ્તાઓનું મરામત કાર્ય કરવા ઉપર ભાર મૂક્યો હતો અને પ્રજાની હાલાકી દૂર કરવા માટે કડક સૂચના આપી હતી. મંત્રીએ મંજૂર થયેલા રોડ રસ્તાના કામ કરવામાં ઢીલાસ દાખવનાર અને રસ્તાઓની ગુણવત્તા સાથે બાંધછોડ કરનાર કોન્ટ્રાક્ટર સામે બ્લેક લિસ્ટ કરવા સહિતના પગલાં ભરવા માટે કડક સૂચના આપી હતી. આ બેઠકમાં નેશનલ હાઈવે ઓથોરિટી હેઠળના રસ્તાઓનું તાત્કાલિક પેચવર્કની કામગીરી કરવા માટે પણ મંત્રીશ્રીએ તાકીદ કરી હતી. આ બેઠકમાં નેશનલ હાઈવેના ચીફ એન્જિનિયર એસ.સી મોદી, વર્તુળ -૨ના અધિક્ષક ઇજનેર, પંચાયત સર્કલ-૨ના સુપ્રીટેન્ડેન્ટ ઇજનેર ત્રિવેદી, પાવાગઢી, નેશનલ હાઈવે ઓથોરિટીના માથુર સહિતના ઇજનેર અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જૂનાગઢ, ભાવનગર, અમરેલી, જામનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર સહિતના સૌરાષ્ટ્રના જિલ્લાઓના માર્ગ અને મકાન તથા પંચાયત વિભાગના ઇજનેરો ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!