રાજ્યના માર્ગ અને મકાન તથા પ્રવાસન મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ જૂનાગઢ જિલ્લાના પદાધિકારીઓ અને સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજી, શહેર જિલ્લાના મંજૂર થયેલા રસ્તાઓના કામની પ્રગતિ અને નેશનલ હાઈવે ઓથોરિટી હેઠળના માર્ગો સંબંધી પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં મંત્રીએ પદાધિકારીઓના પ્રજાલક્ષી-પ્રશ્નો, રજૂઆતો સાંભળ્યા હતા. જમીન સંપાદન, રસ્તાઓના દબાણ, મુખ્ય માર્ગોની બાજુમાં પાણીનો નિકાલ સહિતના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવા માટે સંબંધીત અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા. આ ઉપરાંત જાહેર મિલકતો- સરકારી કચેરીઓના યોગ્ય જાળવણી માટે સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી. ઉપરાંત મંગલપુર- ટીકરને જાેડતા માર્ગની ગુણવત્તા બાબતે રજૂઆત મળતા મંત્રીએ ત્વરિત આ રસ્તાના મટીરીયલના સેમ્પલ લેવા માટે સૂચના આપી હતી. મંત્રીએ જૂનાગઢ જિલ્લાના રસ્તાઓના પ્રશ્નોની ઊંડાણપૂર્વક જાણકારી મેળવી યોગ્ય સંકલન કરીને રોડના મરામત અને નવા માર્ગોના નિર્માણને આગળ વધારવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવા માટે અધિકારીઓને પણ સૂચના આપી હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શાંતાબેન ખટારિયા, મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઈ પરસાણા, સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારિયા, નગરસેવક સંજયભાઈ કોરડીયા સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.