જૂનાગઢમાં આવતીકાલ તા.૧૯ ઓગસ્ટને શુક્રવારે જન્માષ્ટમીની શોભાયાત્રા માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ માટે હરી ૐ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે વિવિધ હરીફાઇ સાથેના આયોજન કરવામાં આવ્યા છે. હરી ૐ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શોભાયાત્રાનાં આયોજન સાથે શહેર સુશોભન હરિફાઈ પણ યોજાશે. જેમાં સારા ફ્લોટ્સ સાથે શોભાયાત્રામાં જાેડાનાર સંસ્થા, શહેરમાં વિવિધ વિસ્તારોમાં સુશોભન સહિતનો સમાવેશ થાય છે. આ વર્ષની શોભાયાત્રામાં ભગવાન દ્વારિકાધીશના નિજ મંદિરની ઝાંખી, ગજરાજ ઉપર ભગવાનની શાહી સવારી અને ભગવાન શિવજીની જાનની શાહી સવારી શોભાયાત્રામાં જાેવા મળશે. શોભાયાત્રામાં જાેડાનાર તમામ યુવક મંડળને રૂા.૨૫૦૦નો રોકડ પુરસ્કાર, વિજેતા યુવક મંડળને ટ્રોફી તેમજ રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. શહેર સુશોભનમાં વિજેતા થનાર યુવક મંડળોને પણ રોકડ પુરસ્કાર તથા ટ્રોફી આપી સન્માનિત કરાશે. શોભાયાત્રાનો પ્રારંભ બપોરે ૩ વાગ્યે ઉપરકોટ પાસે આવેલા શ્રી રામચંદ્રજીના મંદિરેથી થશે. જે શહેરના રાજમાર્ગ ઉપર ફરી જવાહર રોડ સ્થિત સ્વામી મંદિર ખાતે સંપન્ન થશે. ત્યારબાદ મયારામદાસજી આશ્રમ ખાતે ધર્મસભા તેમજ ઈનામ વિતરણ સમારોહ યોજાશે. શહેરના રાજમાર્ગો ઉપર વિવિધ વિસ્તારના મંડળો દ્વારા સ્વાગત સ્ટોલ ઉભા કરાશે. શોભાયાત્રામાં ઠેકઠેકાણે વિવિધ પ્રસાદીનું પણ વિતરણ થશે તેમ હરી ૐ ચેરીટેબલ ટ્રસ્ટની યાદીમાં જણાવાયું છે.