સાતમ આઠમના તહેવારોમાં મીની વેકેશન જેવા માહોલ વચ્ચે જૂનાગઢ, ભવનાથ તેમજ ફરવા લાયક સ્થળોએ આ વર્ષે માનવ મહેરામણ ઉમટી પડયો હતો. સાતમ આઠમના તહેવાર દરમ્યાન જન્માષ્ટમી પર્વની ઉજવણી અંતર્ગત જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉત્સાહભેર ઉજવણી થઈ હતી. શોભાયાત્રા, મટકી ફોડ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ ઉપરાંત રજાના આ માહોલમાં જૂનાગઢ શહેરમાં આવેલા વિવિધ ધાર્મિક સ્થળોએ પણ અનેરી સજાવટ સાથે દર્શનાર્થે ઉમટી પડયા હતા. લોકોની આસ્થાના પ્રતિક એવા ભવનાથ મહાદેવ મંદિરે પણ તહેવારોના આ દિવસોમાં ભાવિકો ઉમટી પડયા હતા. ભવનાથ વિસ્તાર અને ત્યાંના રમણીય સ્થાનો તેમજ ધાર્મિક સ્થળોએ આડા દિવસોએ પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે ત્યારે તહેવારોના આ દિવસમાં ભવનાથ વિસ્તારમાં ભરચક માનવ મહેરામણ જાેવા મળતો હતો. આ ઉપરાંત વિવિધ ફરવા લાયક સ્થળોએ પણ લોકો પરીવારજનો સાથે આવી પહોંચ્યા હતા. તહેવારોના આ દિવસોમાં ધાર્મિક સ્થળો અને ફરવા લાયક સ્થળોએ લોકોની વિશેષ હાજરી રહી હતી. આ ઉપરાંત જૂનાગઢ અને આસપાસના વિસ્તારના લોકો ભવનાથ વિસ્તારની મુલાકાત બાદ જેતપુર, રાજકોટ, પોરબંદર સહીતના વિસ્તારોમાં પણ મેળાની મોજ માણવા પહોંચ્યા હતા. આ ઉપરાંત પરબવાવડી, સત્તાધાર, અંબાજી માતાજી મંદિર, દાતારબાપુ તેમજ જંગલ વિસ્તારમાં આવેલા જટાશંકર, ઈન્દ્રેશ્વર મહાદેવ, રામનાથ, કાશ્મીરીબાપુની જગ્યા વગેરે વિસ્તારોમાં પણ ભાવિકો જાેવા મળતા હતા.