પવિત્ર શ્રાવણ માસના ચોથા અને અંતિમ સોમવારે જગવિખ્યાત સોમનાથ મહાદેવ મંદિર સાંનિધ્યે શિવભક્તોનો માનવ મહાસાગર છલકાયેલો નજરે પડતો હતો. વહેલી સવારથી લાંબી કતારોમાં જાેવા મળતા ભાવિકોના હર હર મહાદેવના નાદથી મંદિર પરીસરનું વાતાવરણ શિવમય બની ગયુ હતુ. ગઈકાલ સવારથી સતત ઝાંપટા વરસાવી વરૂણદેવ પણ જળાભિષેક કરી રહ્યાનું જાેવા મળી રહ્યુ હતુ. ગઈકાલે સાંજે સાંય સોમનાથ મહાદેવને વૈષ્ણવ દર્શનનો અલૌકીક શણગાર કરવામાં આવેલ હતો. જેનો અડધા લાખથી વધુ ભક્તોએ મહાદેવને શીશ ઝુકાવ્યું હતુ.
શિવની ભક્તિના ઉત્તમ ગણાતા એવા શ્રાવણ માસના અંતિમ ચોથા સોમવારે પ્રથમ જ્યોતિલીંગ સોમનાથ મહાદેવ મંદિરના દ્વારા ૪ વાગ્યે ખુલેલ તે પહેલાથી જ શિવભક્તો મંદિર બહાર કતારબંધ લાઈનમાં ઉભા જાેવા મળેલ હતા. ગઈકાલે સવારે ૭ વાગ્યે મહાદેવને પ્રાતઃ પીતાંબર અને પુષ્પોનો અલૌકીક શણગાર કરી. પ્રાતઃ મહાપૂજા અને આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ ભાવિકોને હસ્તે ધ્વજારોહણ પૂજા અને બિલ્વ પૂજાનો પ્રારંભ થયેલ હતો. બાદમાં બપોરે ૧૨ વાગ્યે મધ્યાહ્નન મહાપૂજા અને આરતી કરવામાં આવી હતી. જ્યારે સાંજે સોમનાથ મહાદેવને વૈષ્ણવ દર્શનનો અલોકીક શણગાર કરવામાં આવેલ જેના દર્શન કરી ભાવિકો ભાવવિભોર બની ગયા હતા. ગઈકાલે અંતિમ સોમવારે વહેલી સવારથી જ સોમનાથ સાંનિધ્યે ભાવિકોનું ઘોડાપુર ઉમટેલ નજરે પડી રહેલ હતું. ભાવિકોને હર હર મહાદેવ… ૐ નમઃ શિવાયના નાદથી મંદિર પરીસરનું વાતાવરણ શિવમય બની ગયાની અનુભુતી ભાવિકો કરી રહ્યા હતા. તો મંદિર બહાર ભાવિકો માટે ખાસ શરૂ કરાયેલ ત્રિપુંડના તિલકની સેવાનો પણ ભાવિકો ઉત્સાહભેર લાભ લેતા હોય તેમ કપાળમાં તિલક લગાડાવી મંદિરના બેકગ્રાઉન્ડમાં સેલ્ફી લઈ શિવ આરાધનાની અનુભુતી કરતા જાેવા મળી રહ્યા હતા.
ગઈકાલે અંતિમ સોમવારે ૨૮ ધ્વજાપુજા, ૪૧ સોમેશ્વર મહાપુજા, અને મહામૃત્યુંજય યજ્ઞનો લાભ ૧૧૨૯ જેટલા શિવભક્તોએ લીધેલો હતો. જેમાં ૨૩,૭૦૯ યજ્ઞ આહુતિ મહામૃત્યુંજય યજ્ઞની આ પાવન ભૂમિમાં આપવામાં આવી હતી. જેમાં આજદિન સુધી ૧૨,૮૦૦ થી વધુ ભક્તોએ લાભ લીધો હતો. ૨.૬૮ લાખથી વધુ યજ્ઞ આહુતિ શ્રાવણ માસમાં આ પાવન સ્થાનમાં ભગવાન સોમનાથજીને અર્પણ કરવામાં આવી હતી. સાયં આરતી સુધીમાં એક અંદાજ અનુસાર ૫૦,૦૦૦થી વધુ ભક્તોએ ગઈકાલ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. શ્રાવણ માસના ગઈકાલે ચોથા સોમવારે ભગવાન સોમનાથ મહાદેવ પાલખીયાત્રા સ્વરૂપે મંદિર પરીસરમાં નગરચર્યાએ નીકળ્યા હતા. પાલખીયાત્રામાં સ્વયંભુ જાેડાયેલા ભાવિકોના બમ બમ ભોલે… હર હર મહાદેવના નાદ સાથે સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું.
આ પરંપરાગત રીતે યોજાતી પાલખીયાત્રામાં સોમનાથ મહાદેવની પાલખીયાત્રાને પુષ્પહારથી શણગારવામાં આવી હતી. પાલખીયાત્રાનું પૂજન ડીડીઓ રવિન્દ્ર ખતાલે, જીએમ વિજયસિંહ ચાવડા, એકઝી. ઓફીસર દિલિપભાઇ ચાવડાના હસ્તે કરવામાં આવી હતી. પવિત્ર શ્રાવણ માસના અંતીમ સોમવારે સવારે સોમનાથ મહાદેવને સ્વયં વરૂણ દેવ જળાભિષેક કરતા હોય તેવા દ્રશ્યો યાત્રધામના આકાશમાં જાેવા મળ્યા હતા. સોમનાથ મહાદેવ મંદિર ઉપર મેઘરાજા મનમૂકીને ઝાંપટા વરસાવી રહ્યા હતા. તો વરસતા વરસાદમાં પણ શિવ ભક્તો કતારબધ્ધ લાઈનમાં સોમનાથ મહાદેવના દર્શન માટે ઉભેલા નજરે પડ્યા હતા.