ખંભાળિયા નજીક આવેલા શક્તિનગર ગ્રામ પંચાયતમાં દર વર્ષે ભાદરવા સુદ ત્રીજ, ચોથ અને પાંચમના યોજાતા શિરૂતળાવના લોકમેળા સમગ્ર પંથકના લોકો માટે આકર્ષણ રૂપ બને છે. તાજેતરમાં કોવિડ પરિસ્થિતિના કારણે આ લોકમેળા યોજી શકાયા ન હતા. પરંતુ આ વખતે પરિસ્થિતિ કાબૂવામાં હોવાના કારણે આગામી મંગળવાર તારીખ ૩૦ ઓગસ્ટથી તારીખ બીજી સપ્ટેમ્બર સુધી ચાર દિવસ શિરેશ્વર મહાદેવના મંદિરના વિશાળ પટાંગણમાં લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શક્તિનગર ગ્રામ પંચાયત આયોજિત શીરૂતળાવના આ લોકમેળા રખપાંચમના મેળા તરીકે ઓળખવામાં આવે છે. આ લોકમેળામાં ખંભાળિયા શહેર, તાલુકા ઉપરાંત સમગ્ર જિલ્લાના જુદા-જુદા વિસ્તારોમાંથી દરરોજ હજારોની સંખ્યામાં લોકો મેળાની મોજ માણવા ઉમટી પડે છે. આગામી તારીખ ૩૦થી ચાર દિવસ માટે યોજાનારા આ લોકમેળામાં વિવિધ પ્રકારના સ્ટોલ, ચકડોળ, ખાણીપીણી તથા મનોરંજનના સાધનો માટેના પ્લોટોની જાહેર હરાજી મેળાના સ્થળે યોજવામાં આવી હતી. આ વિસ્તારમાં કુલ ૧૪૨ પ્લોટોની હરાજી પ્રાંત અધિકારીની સૂચના મુજબ અહીંના ટીડીઓ વતી સર્કલ ઓફિસરની હાજરીમાં યોજવામાં આવી હતી. જેમાં શક્તિનગર ગ્રામ પંચાયતના સરપંચ પૂનમબેન મયુરભાઈ નકુમ, ઉપસરપંચ હેતલબા ચંદ્રસિંહ જાડેજા તથા તલાટી કમ મંત્રી પી.ડી. વિંઝુડા ઉપરાંત ગ્રામ પંચાયતના સદસ્યો વિગેરેની ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી. આ હરાજીમાં સૌથી વધુ ૨૨ નંબરના પ્લોટ માટે રૂપિયા ૧.૧૫ લાખ, ૨૧ નંબરના પ્લોટ માટે રૂપિયા ૧.૧૦ લાખ તથા ૨૦ નંબરના પ્લોટ માટે રૂપિયા એક લાખની હરાજી બોલાઈ હતી. આમ, આજરોજ યોજવામાં આવેલી પ્લોટોની હરાજીમાં તમામ પ્લોટો અપાઈ જતા ગ્રામ પંચાયતને કુલ રૂપિયા ૨૮.૭૪ લાખની નોંધપાત્ર રકમની આવક થવા પામી હતી. આ લોકમેળામાં કાયદો અને વ્યવસ્થા માટે પોલીસ, એલસીબી સહિત અન્ય પ્લોટ પણ રિઝર્વ રાખવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉના વર્ષોમાં ક્યારેય પણ ગ્રામ પંચાયતને સ્ટોલ માટેના પ્લોટની હરાજીમાં આટલી બધી આવક થઈ નથી. દર વર્ષે યોજાતા ત્રણ દિવસના લોકમેળા આ વખતે સાનુકૂળ પરિસ્થિતિના કારણે ચાર દિવસ યોજવામાં આવશે. ખંભાળિયા શહેરમાં દાયકા અગાઉ ત્રણ સ્થળોએ શ્રાવણી લોકમેળા યોજાતા હતા. પરંતુ ઘણા સમયથી ભાદરવામાં માસમાં એક જ વખત યોજાતા શીરૂતળાવના આ લોકમેળા કે જે મીની તરણેતરની ઉપમા પામ્યા છે, તે લોકો માટે ભારે આકર્ષણરૂપ તથા ઉત્તેજનાસભર બની રહે છે.