ગિરીવર નગરી જૂનાગઢ વિજળીથી ઝળહળતા થયાને ર૬મી ઓગસ્ટે થશે ૯૩ વર્ષ

0

નરસૈયાની ગિરીવરનગરી જૂનાગઢ આજથી નવ દસકા પહેલા રાત્રીનાં ઘોર અંધકારમાં ઘેર ઘેર ફાનસ ટમટમીયા દિવડાઓનાં પ્રકાશથી જીવતું હતું. ઈતિહાસકાર નૌતમભાઈ દવેએ કહેલું કે, જૂનાગઢમાં જયાં જીઈબીની કચેરી છે તે એમ.જી રોડની વિશાળ જમીન રૂગનાથભાઈ રાજાની માલીકીની હતી. આ જગ્યા ઉપર પાવર હાઉસ બાંધવાનો નવાબી શાસનમાં નિર્ણય લેવાયો ત્યારે ઈજનરોએ બાંધકામ ખર્ચ રૂપિયા સાત લાખ અંદાજયો હતો. આ જમીન ઉપર તા. ર૯-૮-૧૯ર૮નાં રોજ જૂનાગઢનાં છેલ્લા નવાબ મહોબતખાનજીનાં હસ્તે ‘ધી શેખ મહમદ ઈલેકટ્રીક સપ્લાય વર્કસ’ નામનો પાયો નંખાયો હતો.
આ જગ્યાનું નામ નવાબનાં મિત્ર શેખ મહમદભાઈની યાદમાં રખાયું હતું. બાદમાં ૧૯૪૭ પછી આ નામ બદલીને જૂનાગઢ ઈલેકટ્રીક સપ્લાય વર્કસ એમ કરાયેલ હતું. એક વર્ષમાં પાવર હાઉસનું કામ પૂર્ણ થતાં તા. ર૬-૮-૧૯ર૯નાં રોજ તે સમયનાં પશ્ચિમ વિભાગનાં (રાજકોટ) એજન્ટ ટુ ધી ગર્વનર જનરલ લેફ. કર્નલ ટી.એચ. કીઝનાં હસ્તે જૂનાગઢની બહાદુરખાનજી હાઈસ્કુલ જે વિવેકાનંદ હાઈસ્કુલ તરીકે ઓળખાય છે તેનાં મધ્યસ્થ ખંડમાં દબદબાભેર સમારંભ યોજવામાં આવ્યો હતો. અને જૂનાગઢને ઝળહળતું કરવા વિજળીની સ્વીચ દબાવવામાં આવી હતી. મહોબતખાનજીનાં પ્રવચન બાદ જૂનાગઢનાં રસ્તાઓ ઉપર વિજળીનાં બલ્બ ઝળહળી ઉઠતા લોકોનાં ટોળે ટોળા એ જાેવા ઉમટયા હતાં. અને પ્રથમ વિજળી જાેતાં લોકો રસ્તાઓ ઉપર નાચી-કુદી ઉઠયા હતાં. જાે કે ઈ.સ. ૧૯૩રમાં અંગ્રેજ દિવાન સર પેટ્રીક કેડલે આ પાવર હાઉસને રાજય હસ્તક લઈ લીધાની વિગત પણ કહે છે.
જૂનાગઢનાં તે સમયની વાતોની નોંધ રાખતા ઈતિહાસ લેખક પરીમલ રૂપાણીએ આ વાતને આગળ વધારતાં જણાવેલ કે આ પાવર હાઉસનો પાયો નંખાયો ત્યારે ફરાસખાના હાલનું મહાનગરપાલિકા બિલ્ડીંગમાં ભવ્ય સમીયાણો બંધાયો હતો. અને નવાબ મહોબતખાનજી ત્રીજાએ ચાંદીનાં પાત્રમાં રહેલ ચુનાના કેલ વડે શાસ્ત્રોકતવિધિથી ખાત મુર્હુત કરાયું હતું. અને ૧૪ માસમાં પવાર હાઉસનું કામ પૂર્ણ થયું હતું. ઉદઘાટનનાં ત્રણ માસમાં જ વધુ વિજ માંગ ઉભી થતાં વધારાનાં પ૦ હજારનો ખર્ચ થયો અને તબકકાવાર ૧.૧પ લાખનાં ખર્ચે વિસ્તરણ થયું હતું.
તા. ૩૧-૩-૧૯૩૦નાં રોજ નવાનગર મહારાજા જામસાહેબે પાવર હાઉસની મુલાકાત લીધી હતી. તે સમયે લાઈટનાં યુનિટનાં પા આના, બે આના, મીટરનો ભાવ લાઈટીંગ મીટરનાં એક માસનાં આઠ આના, થ્રી ફેસ મીટરનાં એક રૂપિયો, ૪૦ કેવી ઉપરાંત થ્રી ફેસ મીટરનાં બે મીનીમમ સર્વીસ ઈલેકટ્રીક લાઈન ઘર સુધી ૧૦૦ ફુટ ફ્રી કનેકશન અપાતું હતું. સંચાઓ અડધી રાત્રીથી સાંજનાં છ વાગ્યા સુધી ચલાવવા મંજુરી અપાતી હતી.
રૂગનાથભાઈ રાજા દ્વારા પ્રસ્થાપિત આ પાવર હાઉસમાં મુળ જૂનાગઢનાં વતની અને પાકિસ્તાનનાં વિવિધ ક્રિકેટરો હનીફ મહમદ, મુસ્તાક મહમદ, વજીર મહમદ અને સાદીક મહમદનાં પિતાઓએ પણ તે સમયનાં પાવર હાઉસમાં ઈલેકટ્રીશ્યન તરીકે ફરજાે બજાવી હતી.
વિજળીનાં આગમન પહેલાં ઘરની મહિલાઓ ફાનસ પેટાવતાં કે નાના પતરાનાં ડબ્બામાં ઘાસલેટ ભરી તેની વાટ પેટાવી પ્રકાશ અંજવાળતાં. દરરોજ સાંજે ફાનસનાં કાચનાં પોટામાં રાખ નાખી ગાભા-કપડાંથી તેનાં કાચને ચોખ્ખો કરાતો હતો. પ્રકાશ આડો-અવળો પ્રકાશે તે વાટનો કેટલોક ભાગ કાતરથી કપાતો જેને મોગરો કાપ્યો ગણાતો હતો.

error: Content is protected !!