જે રીતે ધર પરિવારમાં બાળકનો જન્મ થતા છઠ્ઠા દિવસે તેને ષષ્ઠી લોટાળવામાં આવે છે તેવી જ રીતે ગઈકાલે ગુરૂવારે ભગવાન શ્રી દ્વારકાધીશની ષષ્ઠી ઉજવવામાં આવી હતી. રાજાધિરાજ ભગવાન શ્રી દ્વારકાધીશજીના જન્મોત્સવ પર્વની તાજેતરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ત્યાર બાદ ગુરૂવારે દ્વારકાધીશજીના જન્મના છઠ્ઠા દિવસે ભગવાન ભગવાન શ્રીકૃષ્ણની ષષ્ઠી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે, બાળકના જન્મની છઠ્ઠી રાત્રે, ભાગ્યની દેવી ષષ્ઠી દેવી બાળકનું ભાગ્ય લખે છે. આ પ્રસંગે ષષ્ઠી દેવીના પરંપરાગત ચિત્રો બનાવીને પૂજા કરવામાં આવે છે. જે હથિયાર વડે બાળક અને માતાને નાળને વીંધીને અલગ કરવામાં આવ્યા હતા, તે શસ્ત્ર, જે પ્રાચીન સમયમાં ખંજર(સર્જિકલ છરી) તરીકે વપરાતું હતું, તેની પૂજા ષોડશોપચારથી કરવામાં આવે છે. પૂજામાં દીવા પ્રગટાવવામાં આવે છે, તેનું સૂટ ભેગું કરીને આંજણ બનાવીને બાળકની આંખોમાં લગાવવામાં આવે છે. પુષ્ટિ સંપ્રદાયમાં છઠ્ઠી પર્વ સેવાની અનોખી ભાવના ધરાવે છે. આ સુંદર ક્રમનો લાભ મોટી સંખ્યામાં ભક્તોએ લીધો હતો.