ખંભાળિયા શહેર રસ્તે રઝળતા ઢોર બાબતે ગોકુળિયું બની રહ્યું હોવાનું ચિત્ર ઘણા સમયથી જનમાનસ ઉપર અંકિત થઈ ગયું છે. છેલ્લા ઘણા વર્ષોથી શહેરના મુખ્ય રસ્તા ઉપર ધણીયાતા તથા નધણીયાતા ઢોરના ડેરાતંબુથી નગરજનો હવે જાણે ટેવાઈ ગયા છે. આવા રસ્તે રઝળતા ઢોરના કારણે ખાસ કરીને રાહદારીઓ તથા વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. અવારનવાર રસ્તા ઉપર બાખડતાં આખલાઓ અનેક બેકસૂર નગરજનોને ઢિંકે ચડાવે છે. આટલું નહીં આખલાઓ વચ્ચેની આ લડાઈમાં માર્ગ ઉપર રહેલા વાહનો પણ નુકસાનીગ્રસ્ત બને છે. અહીંની મેઈન બજાર સહિતના વિસ્તારોના રસ્તા આવા ઢોરનું કેન્દ્ર જાેવા મળે છે. જેને કાબુમાં રાખવા તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ નીવળ્યું છે. અહીંના દરબારગઢ ચોક – મેઈન બજાર વિસ્તારમાં ગઈકાલે બપોરના સમયે બે મજબૂત આખલાઓ જંગે ચડ્યા હતા અને લાંબો સમય સુધી આ આખલાઓ બાખડતા સ્થાનિક વેપારીઓમાં થોડો સમય ભયનો માહોલ પ્રસરી ગયો હતો. આ આખલાઓએ અહીં રહેલા બાઇકને અડફેટે લઈ નુકસાની પહોંચાડી હતી. જંગે ચડેલા આ આખલાઓને છૂટા પાડવા વેપારીઓએ પાણીનો મારો ચલાવ્યો હતો.
રસ્તા ઉપરથી ઢોરને તગડવા માટે પાલિકા દ્વારા સ્ટાફ ફાળવાયો
રસ્તા ઉપર રઝળતા ઢોરના પ્રશ્ને વગોવાઈ ગયેલી ખંભાળિયા નગરપાલિકા આ પ્રશ્નનું નિરાકરણ કરવા મહદ અંશે લાચાર બની રહી છે. આ પરિસ્થિતિમાં નગરપાલિકા દ્વારા રસ્તા ઉપરને ઢોરોને હાંકી કાઢવા માટે ખાસ વ્યવસ્થાના ભાગરૂપે બે કર્મચારીઓ ફાળવવામાં આવ્યા છે. આ બે કર્મચારીઓ અહીંના સ્ટેશન રોડ, નગર ગેઈટ, જાેધપુર ગેઈટ, શારદા સીનેમા રોડ, ચાર રસ્તા તથા સલાયા રોડ જેવા ટ્રાફિકથી વ્યસ્ત વિસ્તારોમાં સવારે ૯ થી ૧૨ તથા સાંજે ૩ થી ૭ એમ બે વખત ઢોરને ઉઠાડીને સાઈડની ગલીઓમાં પહોંચાડશે. જેથી મુખ્ય રસ્તા ઉપર વાહન ચાલકોને થોડી રાહત બની રહેશે. નગરપાલિકા દ્વારા અપનાવવામાં આવેલો આ નવો અભિગમ કેટલું ફળદાય દિવસે તે તો આગામી સમય જ બતાવશે. રાજ્ય ભરમાં રઝળતા ઢોરને કાબુમાં રાખવા ઢોરવાડા બનાવવાનો સરકાર દ્વારા હુકમ કરવામાં આવ્યો છે. ત્યારે વર્ષોથી આ સમસ્યાથી પીડાતા ખંભાળિયા શહેરને આ પ્રશ્નથી ક્યારે મુક્તિ મળશે ? તે બાબતે લોકોની મીટ મંડાઈ છે.