સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઓબીસી સમાજના પ્રતિનિધિત્વ અંગે રચાયેલા સમર્પિત આયોગે રાજકોટમાં સુનાવણી હાથ ધરી હતી. જેમાં સૌરાષ્ટ્રના ૬ જિલ્લામાંથી ૧૦૦થી વધુ રજૂઆતો મળી હતી. વિવિધ જિલ્લામાંથી આવેલા ઓબીસી સમાજના પ્રતિનિધિઓને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઓબીસી અનામત વધારવાની માંગણી કરી હતી. સમર્પિત આયોગના ચેરમેન અને હાઇકોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ કલ્પેશ ઝવેરીની અધ્યક્ષતામાં તથા આયોગના સભ્યો ઈશ્વરભાઈ પટેલ, કે.એસ. પ્રજાપતિ તથા વી.બી. ઠાકોરની ઉપસ્થિતિમાં આ સુનાવણી યોજાઈ હતી. આયોગ સમક્ષ અમરેલી જિલ્લામાંથી ૧૭, મોરબી જિલ્લામાંથી ૨, ગીર-સોમનાથ જિલ્લામાંથી ૭, જૂનાગઢ જિલ્લામાંથી ૭, જામનગર જિલ્લામાંથી સૌથી વધુ ૭૧ જ્યારે ભાવનગર જિલ્લામાંથી ૧૦ રજૂઆતો મળી હતી. રાજ્યમાં ઓબીસીમાં સમાવિષ્ટ વિવિધ સમાજના પ્રતિનિધિઓએ મુખ્યત્વે એવી રજૂઆતો કરી હતી કે, ઓબીસી સમાજને વસતીના ધોરણે રાજકીય પ્રતિનિધિત્વ મળવું જાેઈએ. આ માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જેવી કે ગ્રામ પંચાયતો, નગરપાલિકા, મહાનગર પાલિકા, તાલુકા તથા જિલ્લા પંચાયતમાં ઓબીસી સમાજની અનામત વધવી જાેઈએ. હાલ શૈક્ષણિક તેમજ સરકારી સેવામાં ઓબીસી અનામત ૨૭ ટકા છે તો એ મુજબ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પણ ૨૭ ટકા ઓબીસી અનામત આપવાની રજૂઆત કરવામાં આવી હતી. વિવિધ જિલ્લાઓમાંથી આવેલા પ્રતિનિધિઓએ પોતાની રજૂઆતો લેખિત તથા મૌખિક સ્વરૂપે કરી હતી. આયોગે આ તમામ રજૂઆતો ધીરજપૂર્વક સાંભળી અને સ્વીકારી હતી. આયોગના ચેરમેન નિવૃત્ત જસ્ટિસ કલ્પેશ ઝવેરીએ કાયદાની મર્યાદામાં તથા સુપ્રીમ કોર્ટના ર્નિણય મુજબ, ઓબીસી સમાજના હિત માટે યોગ્ય કરવાની ખાતરી આપી હતી. આ સુનાવણીના પ્રારંભ પૂર્વે જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ આયોગના ચેરમેન તેમજ સભ્યોને પુષ્પગુચ્છથી આવકાર્યા હતા. આ તકે જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર અમિત અરોરા ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર સુનાવણી દરમ્યાન નિવાસી અધિક કલેકટર કેતન ઠક્કર, જિલ્લા આયોજન અધિકારી નીતિન ટોપરાણી, વિવિધ જિલ્લાના અધિક કલેક્ટર, પ્રાંત અધિકારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જયારે રાજકોટમાં આજે વધુ ચાર જિલ્લાની સુનાવણી થનાર છે. સમર્પિત આયોગ સમક્ષ કલેક્ટર કચેરી ખાતે થશે. જેમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર તથા બોટાદ જિલ્લાનો સમાવેશ થાય છે.