૨૬ ઓગસ્ટ એટલે મહિલા સમાનતા દિવસ. ૫૦ વર્ષની લડાઈ બાદ અમેરિકામાં મહિલાઓને મત આપવાનો અધિકાર મળ્યો હતો. તેની યાદમાં ૨૬ ઓગસ્ટને મહિલા સમાનતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષનો મહિલા સમાનતા દિવસ “Celebrating Women’s Right to Vote”(મહિલાઓને મત આપવાનો અધિકાર) થીમ ઉપર ઉજવવામાં આવશે. ૨૬ ઓગસ્ટ, ૧૯૨૦ના રોજ સંયુક્ત રાજ્ય અમેરિકાના બંધારણમાં ૧૯માં સુધારો સ્વીકારવામાં આવ્યો હતો. આ દિવસ મહિલાઓ અને પુરૂષોને એકસમાન માનવા તરફનું પ્રથમ ડગલું હતું. જે રોજગાર અને શિક્ષણ ક્ષેત્રમાં મહિલાઓને સમાન અધિકાર આપવા માટે અપીલ કરે છે. સંયુક્ત રાજ્ય અમેરિકામાં મહિલાઓના મતાધિકાર માટે આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. અમેરિકામાં વર્ષ ૧૮૩૦ના દાયકામાં મોટાભાગના રાજ્યોમાં માત્ર અમીર શ્વેત પુરૂષોને જ મત આપવાનો અધિકાર હતો. આ દરમ્યાન ગુલામી, સંયમ આંદોલન, નૈતિક આંદોલન અનેક નાગરિક અધિકાર આંદોલન જેવા આંદોલન દેશભરમાં ચાલી રહ્યા હતા. આ આંદોલનોમાં મહિલાઓએ પણ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. વર્ષ ૧૮૪૮માં સેનેકા ફોલ્સ, ન્યુયોર્કમાં નાબુદીવાદીઓનો એક સમૂહ એકત્ર થયો હતો. આ સમૂહે મહિલાઓની સમસ્યાઓ અને તેમના અધિકાર વિષે ચર્ચા કરી હતી. મહિલાઓના આ સમૂહમાં કેટલાક પુરૂષો પણ સામેલ હતા. તેઓએ નક્કી કર્યું કે, અમેરિકાની મહિલાઓ પણ રાજકીય ઓળખની હકદાર છે. કેટલાક વર્ષો બાદ આ આંદોલનો ઉગ્ર બન્યા પરતું સમય જતા ગુલામી વિરોધી આંદોલનોના કારણે મહિલા અધિકારોના આંદોલનોની ગતિમાં નોંધપાત્ર ઘટાડો થયો પરંતુ વર્ષ ૧૮૯૦ ના દાયકા દરમ્યાન એલિઝાબેથ કેડી સ્ટેન્ટોનની અધ્યક્ષતામાં નેશનલ અમેરિકન વુમન સફરેજ(મતાધિકાર) એસોસિએશનની શરૂઆત થઈ. દાયકાના અંત પહેલા ઇડાહો અને યૂટાએ મહિલાઓને મત આપવાનો અધિકાર આપ્યો હતો ત્યારબાદ આ લોકજાગૃતિ સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગઈ હતી. જેના પરિણામ સ્વરૂપ આજે સમગ્ર વિશ્વમાં મહિલાઓની સ્થિતિમાં મહત્તવના પરિવર્તન આવ્યા છે. આ ખાસ દિવસને સ્વીકારવાનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને પુરૂષો જેવા જ અધિકાર આપવાનો છે. ૧૯૯૫માં ચોથી વિશ્વ પરિષદને સંબોધિત કરતી વખતે હિલેરી ક્લિન્ટને કહ્યું હતું કે, “હંમેશા માનવ અધિકારો મહિલાઓના અધિકારો છે અને મહિલાઓના અધિકારો માનવ અધિકારો છે.” મહિલાએ સમાજનો એક એવો આધારસ્તંભ છે જેના વિના આ સમાજની કલ્પના કરવી મુશ્કેલ છે. સ્ત્રીઓ તેમના જીવનમાં એક સાથે ઘણી બધી ભૂમિકાઓ ભજવે છે. વિપરીત પરીસ્થિતીઓનો પણ હિંમતભેર સામનો કરે છે. દરેક ક્ષેત્રે મહિલાઓને સમાન અધિકાર અને હકો મળે તે માટે જાગૃતિ ફેલાવવી અતિ આવશ્યક છે. આ દિવસની ઉજવણીનો ખાસ હેતુ મહિલા સશક્તિકરણની પ્રવૃતિઓને પ્રોત્સાહન આપવાનો છે. દેશમાં મહિલાઓની સ્થિતિ ઉપરથી જે તે દેશની પ્રગતિનું તારણ કાઢી શકાય છે. ૨૧મી સદીમાં મહિલાઓને વિકાસ માટે ઘણી તકો મળી છે. આજના સમયમાં મહિલાઓએ દરેક ક્ષેત્રે પગરવ માંડ્યા છે એક પણ ક્ષેત્ર એવું નથી કે જ્યાં મહિલાના પગરવ ન હોય. દરેક ક્ષેત્રે પોતાની આગવી સુઝબુઝથી પોતાનું નામ રોશન કરી રહી છે. આજે મહિલાઓ દરેક ક્ષેત્રેમાં પુરૂષો સાથે કદમ મિલાવીને કામ કરી રહી છે.
આલેખન ઃ ભાવિકા લીંબાસીયા