વેરાવળમાં ગૌવંશ કતલ-તસ્કરીના ગુના આચરતા શખ્સને પાસા હેઠળ ધરપકડ કરી જેલ હવાલે કરાયો

0

વેરાવળમાં ગૌવંશ કતલ અને તસ્કરીમાં સંડોવાયેલા કુખ્યાત શખ્સ સામે પાસાની દરખાસ્ત તાજેતરમાં મંજુર થઈ હતી. જેના આધારે સીટી પોલીસે બાતમીના આધારે કુખ્યાત શખ્સની ધરપકડ કરી સુરતની જેલમાં ધકેલવા તજવીજ હાથ ધરી છે. પોલીસની કાર્યવાહીને લઈ ગૌવંશ ચોરી- કતલ જેવા અપરાધો કરતા અસામાજીક તત્વોમાં ફફડાટની લાગણી પ્રસરી ગઈ છે.
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ વેરાવળ-સોમનાથ શહેરમાં ગૌવંશ તસ્કરી અને કતલની ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવવા માટે પોલીસે કમ્મર કસી છે. જે અંતર્ગત ઘણા સમયથી ગૌવંશ તસ્કરી અને કતલના ગુનાઓ આચારતો ઇમરાન યુસુફ ચૌહાણ (ઉ.વ.૩૩), રહે.અજમેરી કોલોની વેરાવળવાળા વિરૂધ્ધમાં વેરાવળ સીટી પોલીસ સ્ટેશનમાં પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ બે ગુનાઓ નોંધાયેલ છે. જેને લઈ સીટી પોલીસ દ્વારા પાસાની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા મારફત જિલ્લા મેજીસ્ટ્રેટ સમક્ષ મોકલવામાં આવી હતી. જે રાજય સરકારના હુકમ તથા ગાઇડલાઇન મુજબ પાસા દરખાસ્ત મંજુર થઈ હતી. જેના આધારે સીટી પીઆઈ એસ.એમ.ઈશરાનીની સૂચનાથી ડી-સ્ટાફના દેવદાનભાઈ અને નટુભા બસીયાએ આરોપીની શોધખોળ હાથ ધરેલ
હતી. દરમ્યાન મળેલ બાતમીના આધારે શહેરી વિસ્તારમાંથી આરોપી ઇમરાન યુસુફ ચૌહાણને ઝડપી લઈ પાસા વોરંટની બજવણી કરી પાસા હેઠળ અટકાયત કરી સુરતની સેન્ટ્રલ જેલ ખાતે મોકલવા કાર્યવાહી હાથ ધરી છે. આમ, પોલીસે ગૌવંશ કતલની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે કરેલ કાર્યવાહીથી અન્ય અસામાજીક તત્વોમાં ફફડાટની લાગણી પ્રસરી ગઈ છે.

error: Content is protected !!