ગીર સોમનાથ જિલ્લામાં અબોલ પશુઓમાં લમ્પી વાયરસ કહેર વર્તાવી રહ્યો છે. એવા સમયે જિલ્લાના સુત્રાપાડા-કોડીનાર સ્ટેટ હાઇવે ઉપર આવેલ સોમેત નદીના રાખેજ બ્રિજની બાજુમાં ખુલ્લી જગ્યામાં અંદાજે ૨૫થી વધુ મૃત પશુઓના ઢગલા જાેવા મળતા હડકંપ મચી જવાની સાથે તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ મૃત પશુઓને જિલ્લા પંચાયત દ્વારા જેસીબીથી ડિસપોઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ મળી આવેલ અબોલ પશુઓના મોત લમ્પી વાયરસના કારણે થયા હોય તેવું ચોક્કસ રીતે કહી શકાય નહીં હોવાનું જણાવી વાતને નકારી હતી. ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા-કોડીનાર સ્ટેટ હાઈવે ઉપર સોમત નદીના રાખેજ બ્રિજની બાજુની જગ્યામાં મોટી સંખ્યામાં મૃત અબોલ પશુઓના મૃતદેહ પડ્યા હોવાનું ગ્રામજનોના ધ્યાને આવ્યુ હતું. આ સ્થળે કોણ પશુઓના મૃતદેહ મુકી ગયેલ તે અંગે અનેક તર્ક વિતર્કો સર્જાયા હતા. તો બીજી તરફ આ મામલે રાખેજ ગામના સરપંચ વિપુલભાઈનાં જણાવ્યા મુજબ આ સ્થળ ઉપર ૨૫ થી ૩૦ જેટલા પશુઓના મૃતદેહ જાેવા મળ્યા છે. આ સ્થળ ઉપર આસપાસના ગામના લોકો પણ મૃત પશુઓ મુકી જાય છે. હાલ તો અમોએ જેસીબી સ્થળ ઉપર બોલાવી મૃત પશુઓનો નિકાલ કરવા માટે નજીકમાં આવેલ બાવળના જંગલમાં દફન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ મૃતદેહ અંગે જિલ્લાના પશુપાલન વિભાગને પણ જાણ કરવામાં આવતા પશુ અધિકારીઓએ સ્થળનું નિરીક્ષણ કરવા આવ્યા હતા. તેમના માર્ગદર્શન હેઠળ દફનની કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત અમારા રાખેજ ગામમાં રોજના ૭ થી ૮ પશુઓના તથા આસપાસના અન્ય ત્રણેક ગામોના મળીને વાત કરીએ તો રોજ ૨૫ થી ૩૦ પશુઓના મૃત્યું થઈ રહ્યા છે. જ્યારે આ મામલે પશુપાલન વિભાગના જિલ્લાના મુખ્ય અધિકારી ડો.પરમાર સાથે વાતચીત કરતા તેમના જણાવ્યા મુજબ આ પશુઓના મૃત્યું લમ્પી વાયરસથી જ થયા હોવાની વાતને નકારી કાઢતા કહેલ કે, રાખેજ ગામની આસપાસના ૧૦ થી વધુ ગામોના પશુઓ કે જેમના મૃત્યું કુદરતી કે અન્ય કોઈ કારણોસર થયા હોય તેવા પશુઓના મૃતદેહ પણ અહીં મુકી જવામાં આવે છે. જેથી લમ્પી વાયરસના કારણે જ આ મળી આવેલા પશુઓના મોત થયા હોય તેવું ચોક્કસ રીતે કહી શકાય નહીં. જાે કે પશુઓના મૃત્યુનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. અત્રે નોંધનીય છે કે, સરકારી આંકડા મુજબ ગીર સોમનાથ જિલ્લામાં લમ્પી વાયરસના કારણે અત્યાર સુધીમાં ૧૪ જેટલા પશુઓના મૃત્યું થયા હોવાનું સરકારી તંત્ર જણાવી રહ્યુ છે. એવા સમયે જિલ્લામાં એક સ્થળ ઉપરથી જ ૨૫ થી ૩૦ જેટલા પશુઓના મૃતદેહ મળી આવતા સરકારી તંત્રના દાવા સામે સવાલો ઉભા થયા છે. ત્યારે લમ્પી વાયરસ સામે સરકારી તંત્રની કામગીરી અને જાણકારી સામે અનેક સવાલો ઉઠયા છે.