ચોરવાડનાં પૌરાણિક ઝુંડ ભવાની માતાજીને ખારવા માછીમાર સમાજ દ્વારા ધ્વજારોહણ-પૂજા અર્ચના સાથે ત્રિદિવસીય મેળાનું સમાપન થયું

0

વેરાવળ નજીકના ચોરવાડ ખાતે આવેલ પૌરાણિક ઝુંડ ભવાની માતાજી મંદિરે વેરાવળ સમસ્ત ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્ડેશન દ્વારા પરંપરાગત રીતે ધ્વજારોહણ સાથે પુજાપો ચડાવી ધાર્મીક ઉત્સવની ઉજવણી ધામધુમપૂર્વક કરવામાં આવી હતી. ખારવા સમાજની પરંપરા મુજબ ભાદરવા સુદ એકમના રોજ માતાજીને ધ્વજારોહણ પૂજા-અર્ચના કરી માછીમારો દરિયામાં માછીમારી માટે જતા હોય છે. વર્ષોથી ભાદરવા સુદ એકમના રોજ માતાજીની પૂજા અર્ચના કર્યા બાદ જ માછીમારો દરિયો ખેડવા જતા હોય છે. કેમ કે ચોરવાડ ખાતે આવેલ માં ઝુંડ ભવાની માતાજી ખારવા સમાજના કુળદેવી હોવાથી શ્રાવણ માસની વદ તેરસથી ઝુંડ માતાજી મંદિરના સાંનિધ્યમાં મેળો યોજાય છે. જેમાં ખારવા સમાજના ભાઇ-બહેનો, વડીલો દરેક લોકો માથુ નમાવી પુજા-અર્ચના બાદ માછીમારી કરવા માટે દરીયા ખેડવા જાય છે. આ મેળામાં ખારવા સમાજના દરેક લોકો પરીવારો આસ્થાભેર ભેગા થાય છે અને માતાજીની આરાધના સાથે રાસ-ગરબા સહીતના સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે. જે મુજબ આ વર્ષે છેલ્લા ત્રણ દિવસથી માતાજીના સાંનિધ્યમાં મેળો ચાલી રહેલ હતો. જેમાં મોટી સંખ્યામાં ખારવા સમાજના લોકો ઉત્સાહભેર જાેડાયા હતા. જેમાં ગઈકાલે ભાદરવા સુદ એકમના રવિવારે સવારે સાગરપુત્ર ફાઉન્ડેશન ખારવા સમાજનાં પટેલ કીરીટભાઇ ફોફંડી, અધ્યક્ષ લખમભાઇ ભેંસલા, ફીશ એક્ષપોર્ટ એસો. પ્રમુખ જગદીશભાઈ ફોફંડી, ફીશ એક્ષપોર્ટર પ્રમુખ કેતનભાઈ સુયાણી, પાલીકા પ્રમુખ પિયુષભાઈ ફોફંડી, બોટ એસો. પ્રમુખ તુલસીભાઈ ગોહેલ, લોધી સમાજ પટેલ ચુનીભાઈ ગોહેલ સહીતના આગેવાનોના હસ્તે ઝુંડ ભવાની માતાજીને પૂજાવિધિ કર્યા બાદ તમામ લોકો પૂજાપો ચડાવી ધ્વજારોહણ કરવામાં આવેલ હતુ. રાત્રિનાં આરતી થયા બાદ મેળાનું સમાપન થશે. આ મેળામાં મોટી સંખ્યામાં ખારવા સમાજના પરીવારોએ ટેન્ટ બાંધી રોકાણ કરી મેળાની ઉજવણી કરી
હતી.

error: Content is protected !!