Sunday, April 2

ઓસમ ડુંગરને પર્યટન સ્થળ તરીકે વિકસાવવા સરકાર પ્રયત્નશીલ : રાજ્યમંત્રી અરવિંદ રૈયાણી

0

પાટણવાવનો ઓસમ ડુંગરએ એક ઐતિહાસિક પવિત્ર ભૂમિ છે જ્યાં માત્રિ માતાજી, ટપકેશ્વર મહાદેવ બિરાજમાન છે. ત્યાં વર્ષોથી પરંપરાગત લોક મેળો ભરાય છે રાજ્ય સરકાર દ્વારા પણ આ ઓસમ્‌ પર્વતને પર્યટન સ્થળ તરીકે વિકસાવવા માટે પ્રયાસ થઇ રહ્યા છે અને લોકો માટે સુવિધા ઉભી થઈ રહી છે રાજકોટ જિલ્લાના પાટણવાવ ગામે ઓસમ ડુંગરની તળેટીમાં માત્રીમાતાના સાનિધ્યે વર્ષોથી યોજાતા ભાદરવી અમાસના ત્રીદિવસીય પરંપરાગત લોકમેળાને પ્રવાસન રાજ્ય મંત્રી અરવિંદભાઈ રૈયાણીએ પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક ધારાસભ્ય લલિતભાઈ વસોયા તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઈ કથીરિયાની વિશેષ ઉપસ્થિતિમાં લોકમેળાને ખુલ્લો મુક્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ લોકમેળો ગોંડલ રાજ્યના સર ભગવતસિંહજીના સમયથી યોજાતો આવે છે. પહેલાના સમયમાં લોકમેળો ડુંગરની ઉપરના ભાગમાં માત્રિ માતાજીના મંદિર પટાંગણમાં બ્રહ્મ ક્ષત્રિય જ્ઞાતિના રીત રિવાજાે અને સામાજિક પ્રસંગો સાથે યોજાતો હતો. સમયાંતરે આ લોકમેળો ડુંગર તળેટીમાં યોજાવવા લાગ્યો. પાટણવાવ ગામમાં આવેલ માતાના મઢથી ધજા યાત્રા વાજતે-ગાજતે ડુંગર ઉપર બિરાજમાન માતાજીના મંદિરે લઈ જવામાં આવે છે અને ધ્વજારોહણથી વિધિવત આ ભાદરવી અમાસના લોકમેળાનો પ્રારંભ થાય છે. આ લોકમેળામાં રાજકોટ, પોરબંદર, જૂનાગઢ વગેરે જિલ્લાના લોકો ઓસમ ડુંગરના કુદરતી વાતાવરણમાં માત્રિ માતાજીના સાનિધ્યમાં યોજાતા લોકમેળાને ઉત્સાહપૂર્વક માણે છે. ભાદરવી અમાસ એકમ અને બીજના દિવસે બ્રહ્મ ક્ષત્રિય જ્ઞાતિ દ્વારા માત્રિ માતાજીના હવન પૂજન બાદ આ મેળો સમાપ્ત થાય છે. પાટણવાવ લોકમેળાનું આયોજન પાટણવાવ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલ જેમાં ૨૩૬ જેટલા પોલીસ જવાન અને ગ્રામરક્ષક જવાનો દ્વારા લોક મેળા માટે બંદોબસ્ત જાળવવામાં આવી રહ્યો છે તેમ પોલીસ અધિકારી વિપુલ કોઠીયાએ જણાવ્યું હતું. પાટણવાવ ગ્રામ પંચાયત સરપંચ પ્રવીણભાઈ પેથાણીએ લોકમેળા શુભારંભે પધારેલ મંત્રી અરવિંદભાઈ રૈયાણી, સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય લલીતભાઈ વસોયા, ડો. વલ્લભભાઈ કથીરિયા, મનીષભાઈ ચાંગેલા, કિશોરભાઈ રાઠોડ, વિરલભાઈ પનારા સહિત આગેવાનોને સત્કાર્યા હતા અને માત્રિમાતાના મંદિરના મહંત જયવંતપુરી બાપુએ મહાનુભાવોની ઉપસ્થિતિમાં માતાના મઢથી ડુંગર ઉપર બિરાજમાન માત્રિમાતાના મંદિરે ધ્વજારોહણ કરાવ્યું હતું.

error: Content is protected !!