વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ પોતાના મત વિસ્તારોમાં હોદેદારો, કાર્યકરો દ્વારા બેઠકો, સભાઓ યોજી લોકસંપર્ક મજબૂત કરવા પ્રયાસો હાથ ધરવામાં આવે છે. ત્યારે માંંગરોળ તાલુકાના શેખપુર ગામે રવિવારે “આપ”ની બેઠકમાં બળદગાડુ ઘૂસી આવતા ઘડીભર માટે અફડા તફડી મચી ગઈ હતી. જાે કે, સદનશીબે કોઈને ઈજા થવા પામી ન હતી. શેખપુર ગામે રવિવારે સાંજે જાહેરચોકમાં આમ આદમી પાર્ટી દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પક્ષના હોદેદારો તેમજ ગામના લોકો ઉપસ્થિત હતા. એ સમયે એકાએક બળદગાડુ આવી પહોંચતા જ લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. પોતાની સલામતી માટે લોકો ખુરશીઓ છોડી આજુબાજુમાં ભાગવા લાગતા ઘડીભર નાસભાગ મચી જવા પામી હતી. બળદગાડાની અડફેટે કેટલીક ખુરશીઓ આવી ગઈ હતી. જાે કે, બનાવમાં કોઈને ઈજા થઈ ન હતી. આ ઘટનાનો વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થયો છે. બનાવ અંગે લોકોના જણાવ્યા મુજબ બેઠક દરમ્યાન માઈક ચાલુ થતા જ નજીકના રસ્તા ઉપરથી મહીલાઓ સહિત ત્રણ થી ચાર લોકો સવાર હતા એ બળદગાડુ બેઠકની જગ્યાએ ઘુસી આવતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો.