મહુવા ખાતે ગુજરાત જમીયત ઉલેમા-એ-હિંદ દ્વારા ભવ્ય સદભાવના સંસદ યોજાઈ

0

દેશની એકતા અને અખંડિતતા માટે વર્તમાન પરિસ્થિતિ ખૂબજ ગંભીર બની રહી છે. કેટલાક ચોક્કસ તત્વો દ્વારા દેશભરમાં ધર્મની આડમાં ઉશ્કેરાટ ફેલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં દેશ પ્રત્યે પ્રેમની લાગણી ધરાવતા નાગરિકો અને જમિયત ઉલમા-એ-હિંદ જેવા સંગઠનો ચૂપ રહી શકે તેમ નથી. દેશમાં વધી રહેલી કટ્ટરતા અને નફરતને જડમૂળથી ઉખેડવા માટે દરેક ભારતીયને એક મંચ પર એકઠા થવું જરૂરી છે. ધાર્મિક સૌહાર્દ, શાંતિ અને એકતાનો સંદેશ આપવા માટે દેશના સૌથી મોટા મુસ્લિમ સંગઠન જમિયત ઉલમા-એ-હિંદ દ્વારા દેશભરમાં સદભાવના સંસદનું આયોજન કરવામાં આવ્યું છે. આ સદભાવના સંસદ સમગ્ર ભારતમાં ૧૦૦૦થી વધુ સ્થળોએ યોજાશે. જેના ભાગરૂપે ગુજરાત જમીયત ઉલમાએ, ગુજરાતની પ્રથમ સદભાવના સંસદનું મહુવા ખાતે આયોજન કર્યું હતું. ભાવનગર જિલ્લાના મહુવા ખાતે યોજાયેલ સદભાવના સંસદમાં જમીયત ઉલેમા ગુજરાતના જનરલ સેક્રેટરી પ્રોફેસર નિશાર એહમદ અન્સારીએ જણાવ્યું હતું કે, આજે ધર્મના નામે કેટલાક ભ્રામક શબ્દો દ્વારા ઉત્તેજના ફેલાવાઈ રહી છે. ત્યારે ભારતના વર્તમાન સંદર્ભમાં સદભાવના સંસદ ખુબ જ જરૂરી છે. બુરાઈથી રોકો અને ભલાઈ તરફ લોકોને લઈ જાઓ એ ધર્મની સાચી વ્યાખ્યા છે. એ શિવાય ધર્મનું કોઈ કામ નથી. આપણે પ્રકૃતિ સાથે મળીને રહેવાનું છે. કેટલાક લોકો દેશની એકતા અને શાંતિ તોડવા માંગે છે તેનાથી આપણે દેશને બચાવવો છે. મહુવા કોંગ્રેસ અગ્રણી રાજભા મહેતાએ જણાવ્યું હતું કે, જમીયત ઉલેમા-એ-હિંદે આઝાદીની જે ચળવળ ચલાવી છે તે માટે હું તેમને ખુબ ખુબ અભિવાદન કરૂ છું. આપણે બધા મળીને કામ કરીશું. મહુવાના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કળસરિયાએ જણાવ્યું હતું કે, અહીં ખુબ સારી સારી વાતો થઈ તે આપણને સમજાય પણ છે અને આપણા મનમાં પણ ઉતરે છે પરંતુ જ્યારે એવા સંજાેગો ઉભા થાય છે ત્યારે કોઈક પ્રકારના જુનૂનમાં આવીને બધું ભૂલી જઈએ છીએ અને ન કરવાનું કરી બેસીએ છીએ. નાગરિક બેંકના ચેરમેન બીપીનભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, આઝાદી પહેલાં કોઈ આવું વાતાવરણ હતું જ નહીં. એક બીજાને મદદરૂપ થતા હતાં. આજે પણ સૌ સાથે મળીને એક મનથી પહેલા જેવું વાતાવરણ ઉભું કરીએ. દેશની કૌમી એકતા એજ દેશનો સાચો વિકાસ છે. મહુવા પારેખ કોલેજના ટ્રસ્ટી અને ઉદ્યોગપતિ પંકજભાઈ રૂપારેલ જણાવ્યું હતું કે, આપણા બાળકોને હીન્દુ-મુસ્લીમની વાત ક્યારેય ના કરતા. આપણા ઘરમાં, સ્કૂલોમાં ભણતર અને સમાજમાં આપણા બાળકોને કયાય પણ અલગ પાડવાની કોશિષ ના કરતા. તો જ આવનારી પેઢી ઘણી બધી સુધરી શકે છે. આ માટે એજ્યુકેશન ખુબ જ જરૂરી છે. આગામી સમયમાં પણ આવા સદભાવના સંસદ કરીને આપણા વિચારોની આપ-લે કરીશું. જેથી આપણા સમાજમાં પણ ઘણો સુધારો થઈ શકે છે. જમીયતને સદભાવનાના પ્રોગ્રામો કરવા બદલ તેઓને ખુબ ખુબ અભિનંદન. મહુવા ચેમ્બર ઓફ કોમર્સના પ્રોફેસર બચુભાઈ પટેલે જણાવ્યું હતું જે તત્વો કોઈના અંગત પ્રશ્નો અને અંગત ઝઘડાને કૌમી નામ આપી ગેરસમજણો પ્રસરવી રહ્યા છે. તેઓને ઓળખવા જાેઈએ. આગમાં ઘી હોમવાનું કામ કરતા તત્વોને બંને સમાજે ઓળખીને દૂર કરવા જાેઈએ. અમદાવાદ જમીયત ઉલેમા-એ-હિંદના સેક મૌલાના ડો.અ. રજાક પઠાણે જણાવ્યું હતું કે, અંગ્રેજાેનું એક જ ધ્યેય હતું કે, ભારતના લોકોને હીન્દુ-મુસ્લીમમાં વિભાજિત કરીને લાંબા સમય સુધી રાજ કરી શકીએ. પરંતુ આપણા શુરવીરો અને પૂર્વજાેએ કોમી એકતા સાથે લડત ચલાવી અંગ્રેજાેને દેશમાંથી ભગાડીયા હતા. આજે પણ દેશમાં નફરતની રાજનીતિ થઈ રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજે ટેકનોલોજીનો જમાનો છે ત્યારે દેશમાં કોમી એકતા અને વિકાસ માટે એજ્યુકેશન અને સ્કીલ ડેવલપમેન્ટ ખુબ જ જરૂરી છે. જૂનાગઢ જીલ્લા જમીયત ઉલેમા-એ-હિંદના જનરલ સેક્રેટરી અ. રજાક ગોસલીયાએ પ્રાસંગિક પ્રવચન આપતા જણાવ્યું હતું કે, કેટલાક મુઠ્ઠીભર લોકો દેશમાં કોમી તનાવ ફેલાવીને દેશને નુકશાન પહોંચાડી રહ્યા છે. તેની સામે દેશના વફાદાર અને શાંતિ પ્રિય તમામ ધર્મના અને સમુદાયના લોકોને એક પ્લેટફોર્મ લાવીને દેશ વિરોધી મુઠ્ઠીભર તત્વોને તેની ઓકાત બતાવી દેવા જમીયત ઉલેમા-એ-હિંદ દ્વારા દેશભરમાં સદભાવના સંસદનું આયોજન કરવામા આવી રહ્યું છે. દેશમાં નફરત ફેલાવતા તત્વો ઉપર લગામ લાગે અને એકતા ભાઈચારો ફેલાવતા લોકો આગળ આવે એ માટે એક જ વર્ષમાં પૂરા દેશમાં જમીયત ઉલેમા-એ-હિંદ દ્વારા એક હજાર જેટલા સદભાવના સંસદના કાર્યક્રમો ચલાવવામાં આવશે. ભાવનગર જિલ્લાના મહુવા ખાતે મદીના બાગમાં પ્રોફેસર નિશાર એહમદ અન્સારીની અધ્યક્ષતામાં મહુવા જમીયત ઉલેમા-એ-હિંદ દ્વારા સદભાવના સંસદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામમાં ગુજરાત જમીયતના અસલમ કુરેશી, મૌલાના બદરૂદ્દીન કાસમી, મૌલાના સોયબ, જૂનાગઢ જિલ્લા જમીયતના જનરલ સેક્રેટરી અ. રજાક ગોસલીયા, યુસુફ ચુડલી, મહુવા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બચુભાઈ પટેલ, કોલ્ડ સ્ટોરેજ પ્રમુખ પરેશભાઈ શાહ, આરસી મકવાણા, જયેશભાઈ શેઠ, રાજુભાઈ મહેતા, મહુવા ઘાંચી સમાજના આરીફશાહ, શિપાઈ સમાજના મુસ્તાકભાઇ હબીબાણી, શિયા અગ્રણી અલીરઝાબાપુ, સૈયદ સાલેહબાપુ, વ્હોરા સમાજના અબ્બાસભાઈ દિવાનજી, અલ્તાફભાઈ બદામી, સજજાદ રાજાણી, હનીફ હાલારા, ઈકબાલ ભાગવાણી, હનીફ બાગોત, ઉમર કાળવોતર, ફારૂક હમદાણી સહિતના તમામ ધર્મ સમાજના અનેક આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. મૌલાના વકારે ર્કુઆનની તિલાવત કરી પ્રોગ્રામની શરૂઆત કરી હતી. સ્વાગત મૌલાના સાજિદે કર્યું હતું. પ્રોગ્રામનું સંપૂર્ણ સંચાલન અસિમ ચૌહાણે કર્યું હતું. પ્રોગ્રામને સફળ બનાવવા સરફરાજ હબીબાણી અને તેની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

error: Content is protected !!